VADODARA : પાલિકાની સભામાં શાસક-વિપક્ષ વચ્ચે માત્ર "નિવેદનબાજી"
VADODARA : તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા (VADODARA - VMC) ની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં ગત મહિને આવેલા પૂર બાદ રાજ્ય સરકાર દ્વારા પૂરપીડિતોને કેશડોલ સહાય ઉપરાંત ઘરવખરી,કપડાં સહાય તેમજ નાના ફેરિયાઓ થી માંડી દુકાનદારો, વેપારીઓ માટે સહાય જાહેર કરવામાં આવી હતી તે સહાયથી હજી ઘણાં પુરગ્રસ્તો વંચિત હોવાનો મુદ્દો ખુદ સત્તા પક્ષના ભાજપના વોર્ડ નં. 15ના કોર્પોરેટર આશિષ જોશીએ ઉઠાવ્યો હતો. જે બાદ પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલે ખોટી માહિતીના આધારે સભાને બાનમાં ન લો તેમ કહેતાં બંને વચ્ચે ચકમક ઝરી હતી. જો કે, પાલિકાની આ સભામાં વિશ્વામિત્રી નદી કિનારાના દબાણોના મહત્વના મુદ્દે કોઇ નક્કર ચર્ચા કરવામાં આવી ન્હતી. કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ લગાવતા નજરે પડ્યા હતા.
સભામાં ગરમાગરમી જોવા મળી
પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર અને ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા જણાવાયું હતું કે, સયાજીગંજ વિસ્તારમાં ભૂખી કાંસ પરના દબાણો કોંગ્રેસના સમયમાં કરવામાં આવ્યા હતા. આ વાત સાબિત કરવા માટે તેઓ જૂના નકશાના પૂરાવા સાથે લઇને આવ્યા હતા. જે બાદ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને કેયુર રોકડીયા દ્વારા એકબીજા પર આક્ષેપો પ્રતિઆક્ષેપો કરતાં સભામાં ગરમાગરમી જોવા મળી હતી.
કોંગ્રેસના સમયમાં ભૂખી કાંસ પર ફાયનલ પ્લોટોની મંજુરી
કેયુર રોકડીયા એ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે મેયર પદે હતા તે દરમિયાન એક કાંસ જે નર્મદા ને પેરેલલ થ્રુ આઉટ વિશ્વામિત્રીનું પાણી લઇ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પૂરની પરિસ્થિતિ બાદ એક નવી કાંસ નર્મદા કેનાલથી છાણી સર્કલ, નવાયાર્ડ થઇ ભૂખી કાંસમા બનાવવાની વિચારણા કરાઇ રહી હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે કોંગ્રેસના સમયમાં ભૂખી કાંસ પર ફાયનલ પ્લોટોની મંજુરી આપતા આ દબાણો કોંગ્રેસના સમયમાં થયા હોય આ વિસ્તારમાં પૂર આવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા.
ઝોન ફેર એકતરફી કરી સરકાર પાસે મંજુરી મેળવી
વિપક્ષના નેતા ચંદ્રકાન્ત ભથ્થુએ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી પર બાલાજી, અગોરા તથા હોસ્પિટલના દબાણો ભાજપના સમયમાં થયા છે. પરાક્રમસિંહ જાડેજાએ દબાણ કેમ તોડ્યું કારણ કે તે દબાણ ગેરકાયદેસર હતું. વધુમાં તેમણે જણાવ્યું કે ગાયકવાડના શહેરમાં તમે ઝોન ફેર એકતરફી કરી સરકાર પાસે મંજુરી મેળવી તેના કારણે નુકસાન થયું છે અને શહેરના હિતમાં જે પણ કોઇના દબાણો હોય તે દૂર કરવા જોઈએ.
આ પણ વાંચો -- Morbi: મંજૂરી વિના ગણેશ વિસર્જન કરતા ગુનો નોંધાયો, આયોજકો અને કાર્યકર્તાઓમાં રોષ