VADODARA : વિશ્વામિત્રી કાંઠાની જમીનનું ધોવાણ થતા મકાનોની સ્થિતી ભયજનક
VADODARA : વડોદરા (VADODARA) માં પૂર બાદ વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારોની જમીનનું ધોવાણ થયું હોવાથી અનેક મકાનો ભયજનક પરિસ્થિતીમાં આવી ગયા છે. તે પૈકી એક સયાજીગંજમાં યવતેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલા ડોક્ટર ક્વાટર્સના મકાનો છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા જ અહિંયા રહેતા પરિવારો અન્યત્રે જતા રહ્યા હતા. આજે સવારે તેઓ પરત ફરતા મકાન બહાર ભયજકન હોવાના પટ્ટા મારી દેવામાં આવ્યા હતા. બાદમાં સ્થાનિક કોર્પોરેટર, પાલિકાના ઉચ્ચ અધિકારી અને ફાયરના જવાનો દોડી આવ્યા હતા. અને પાલિકાના અધિકારીઓ સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની માંગ કરી હતી.
વુડામાં એક રૂમ રસોડાનું મકાન આપો
સમગ્ર મામલે સ્થાનિક નિકુંજ પટેલે જણાવ્યું કે, યવતેશ્વર મહાદેવની પાછળ ડોક્ટર્સ ક્વાટર્સ પાસે મારૂ મકાન છે. મકાન પડવા જેવી હાલત થઇ ગઇ છે. કોઇ કશું જ કરવા તૈયાર નથી. તેઓ અમને સામાન પરિચીતના ઘરે મુકવા જણાવે છે. પરિચીતનું ઘર બે રૂમ રસોડાનું છે. અમારો સામાન લઇ જઇએ તો તેનું ઘર ભરાઇ જાય. અમારી માંગ છે કે, અમને વુડામાં એક રૂમ રસોડાનું મકાન આપો. અમે રહી તો શકીએ. મને રસ્તો બનાવી આપે તો સારામાં સારૂ. મને ત્યાં સુધી રહેવા માટે બીજુ ઘર આપી દો. આ મકાન 1972 માં બનેલું છે.
મિલકતમાં કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે
વડોદરાના ડે. મ્યુનિસિપલ કમિશનર ભાવનાબા ઝાલાએ જણાવ્યું કે, હાલ મકાનમાં કોઇ રહેતું નથી. બે દિવસ પહેલા અમે કોર્ડન કરીને મકાનને ભયજકન હોવાથી પટ્ટા મારી દીધા હતા. આજે રહીશે જણાવ્યું કે, અમારે સામાન લઇ જવો છે, તમે મદદ કરો. અમારી પાસે જે કંઇ સુવિધા છે તે અંગે તેમને જાણ કરી છે. અહિંયાના રસ્તાનું લોંગ ટર્મ પ્લાનીંગ છે. ટીપીના રેકોર્ડ જોવા પડે. અહિંયા રોડ બનાવીએ તો સવાલો ઉઠે તેમ છે. આ મિલકતમાં કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે. આ જગ્યાએ પર જમીનનું વધુ ધોવાણ ન થાય તે માટે રેતીની ગુણો વ્યવસ્થિત રીતે ગોઠવીને મુકવામાં આવી છે.
નિર્ભયતા શાખાને પણ બોલાવી લેવામાં આવી
ફાયર ઓફીસર નિકુંજ આઝાદે જણાવ્યું કે, વિશ્વામિત્રી કિનારે આવેલો એક આશ્રમ જર્જરિત હોવાની જાણ થતા જ અમે સ્થળ પર આવી પહોંચ્યા હતા. અને બેરીકેટીંગ કરીને કોર્ડન કરી દેવામાં આવી છે. નિર્ભયતા શાખાને પણ બોલાવી લેવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : પૂરગ્રસ્ત લોકોના જખમ પર મીઠું ભભરાવતા કોર્પોરેટર, કહ્યું, "જોયા વગર મકાન લીધા !"