VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 150 જેટલા મગરોનું સ્થળાંતર કરાશે
VADODARA : વડોદરા પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી (VADODARA - VISHWAMITRI RIVER) માં પૂર નિવારણ માટેના પગલાં ભરવા માટે તેને ઉંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હાથમાં લીધા બાદથી અનેક મગરોના મૃતદેહો વિશ્વામિત્રી નદીમાં મળી આવ્યા છે. જેના કારણે વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષી લાગણી વ્યાપી જવા પામી છે. મગરના મૃત્યુ પાછળના કારણોને લઇને અનેક અટકળો છે. ત્યારે હવે દોઢસો જેટલા મગરને કામચલાઉ ધોરણે અન્યત્રે શિફ્ટ (VISHWAMITRI RIVER CROCODILE SHIFT - VADODARA) કરવાનું આયોજન છે. મગરને બે લોકેશન પર શિફ્ટ કરવામાં આવશે. જેના કારણે કોઇ અનિચ્છનિય ઘટના નહીં બને તેવું તંત્રનું માનવું છે.
મગર જોડે કોઇ પણ પ્રકારે ઘર્ષણ ના થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો
વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગર પરિવાર વસવાટ કરે છે. તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા માનવસર્જિત પૂરના કારણે ભારે તારાજી સર્જાઇ હતી. તે બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. દરમિયાન વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગર જોડે કોઇ પણ પ્રકારે ઘર્ષણ ના થાય તે માટે દોઢ સો જેટલા મગરોનું સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વનવિભાગના અધિકારીઓને સાથે રાખવામાં આવશે.
પાણી સાથેનું સ્પેશિયલ એન્ક્લોઝર બનાવાશે
વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ મીડિયાને જણાવ્યું કે, વન વિભાગના અધિકારીઓને સાથે રાખવામાં આવશે. મગર પકડવા માટે જે પિંજરાની જરૂરત પડે તેની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. લગભગ 150 જેટલા મગરોને કમાટી બાગ અને સફારી ગાર્ડન ખાતે પાણી સાથેનું સ્પેશિયલ એન્ક્લોઝર બનાવીને તેમાં મુકવામાં આવશે. આ કામ 15 દિવસ જેટલા સમયમાં શરૂ કરવાનું આયોજન છે. 15 ફેબ્રુઆરી, 2025 ની આસપાસ કામ શરૂ કરીએ તો જુન - 2025 સુધીમાં કામગીરી પૂર્ણ થવાનો અંદાજ છે.
આ પણ વાંચો --- VADODARA : બોટકાંડની તપાસમાં બનાવટી દસ્તાવેજો રજુ કરનાર સામે FIRની માંગ