VADODARA : વિજ થાંભલા પાસે કરંટ લાગતા પશુએ દમ તોડ્યો
VADODARA : ચોમાસાની રૂતુ ચાલી રહી છે, તેવામાં વડોદરા (VADODARA) પાસે વાઘોડિયા જીઆઇડીસી વિસ્તારમાં વિજ કંપનીના લોખંડના થાંભલા પાસે લગાવેલા તાણીયા પાસે કરંટ લાગતા ગાભણી ભેંસે તરફડીયા મારીને દમ તોડ્યો છે. આ ઘટનામાં વિજ કંપની દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી છે. તો બીજી તરફ આ મામલે વાઘોડિયા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને વાઘોડિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને તેની તપાસ સોંપવામાં આવી છે.
ભેંસો પસાર થઇ રહી હતી
ચોમાસામાં કરંટ લાગવાથી મોતની ઘટના તાજેતરમાં રાજકોટમાં સામે આવી હતી. જ્યાં ટુ વ્હીલર પર પસાર થતી યુવતિને કરંટ લાગતા મોત નિપજ્યું હતું. આજે વડોદરા પાસે વિજ કંપનીના થાંભલાની બાજુમાં લગાવેલા તાણીયા પાસે કરંટ લાગતા ગાભણી ભેંસે જીવ ગુમાવ્યો છે. સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, હરીભાઇ ભીખાભાઇ ભરવાડ (ઉં. 70) (રહે. વાઘોડિયા) ની ભેેંસો ગતરોજ વાઘોડિયા જીઆઇડીસી ડોમેક્ષ ચોકડી પહેલા શર્મા સર્જીકલ કંપની નજીની ચોકડી પાસે આવેલા વિજ કંપનીના લોખંડના થાંભલા પાસેથી પસાર થઇ રહી હતી.
તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવી
દરમિયાન થાંભલાની બાજુમાં લગાવેલા તાણીયા પાસે આકસ્મીક કરંટ લાગતા ભરવાડની 9 માસની ગાભણી સંધણી ઓલાદની ભેેંસે તરફડીયા મારીને સ્થળ પર દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે વિજ કંપની દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી શંકાના દાયરામાં આવી છે. ભેંસની જગ્યાએ કોઇ વ્યક્તિ જોડે પણ આ પ્રકારની ઘટના ઘટી શકતી હતી. ઘટનાના બીજા દિવસે આ મામલે વાઘોડિયા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ મામલાની તપાસ વાઘોડિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સોમાભાઇ રાયજીભાઇને સોંપવામાં આવી છે. આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે.
આ પણ વાંચો -- VADODARA : ચાંદીપુરા વાયરસનો કહેર જારી, 8 દર્દીઓ સારવાર હેઠળ