VADODARA : નાઇટ પેટ્રોલીંગ કરતી પોલીસ વાન જોડે ઇકો કાર ભટકાઇ
VADODARA : વડોદરા (VADODARA) માં પુરઝડપે મુસાફરોને ઠાંસીને ભરી જતી ઇકો કાર ની ટક્કરે ટ્રાફીક પોલીસની વાન આવી હોવાનું સામે આવ્યું છે. ઇકો કારની ટક્કર એટલી જોરદાર હતી કે, બંને ગાડીઓને નુકશાન પહોંચવા પામ્યું છે. પોલીસ વાનમાં બેઠેલા ટ્રાફીક એસીપી વસાવા સહિત પાંચ તથા ઇકો કારમાં સવાર ત્રણ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મામલે પોલીસ વાન અને ઇકો કાર બંનેને નુકશાન પહોંચવા પામ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક કપુરાઇ પોલીસનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને બેફામ હંકારતા ઇકો કારના ચાલક સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઝડપભેર આવતી ઇકો ગાડીએ પોલીસની ગાડીને અડફેટે લીધી
વડોદરાની આસપાસના સ્થળેઓ જવા માટે ઇકો કારની વ્યવસ્થા સહેલાઇથી મળી રહે છે. દિવસમાં વધુ ફેરી મારીને વધુ રૂપિયા કમાઇ લેવાની લાલચે ઇકો કાર ચાલકો બેફામ રીતે હંકારી અનેકના જીવને જોખમ ઉભુ કરે છે. આ વાત હવે કોઇનાથી છુપી નથી. ત્યારે આવી જ એક ઝડપભેર જતી ઇકો કારની અડફેટે પોલીસની ગાડી ચઢી હોવાની ઘટના ગતરાત્રે સપાટી પર આવવા પામી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ગતરાત્રે કપુરાઇ બ્રિજ વિસ્તારમાં ટ્રાફીક એસીપી તથા અન્ય જવાનો કારમાં નાઇટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન ઝડપભેર આવતી ઇકો ગાડીએ પોલીસની ગાડીને અડફેટે લીધી હતા.
ઇકો કાર ચાલક સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
આ ટક્કર જોરદાર હોવાથી પોલીસની વાનમાં બેઠેલા એસીપી સહિતના 5 જવાનો તથા ઇકો કારમાં બેઠેલા ત્રણ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચવા પામી હતી. ઘટનાની જાણ થતા જ કપુરાઇ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ઇકો કાર ચાલક સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના સપાટી પર આવતા જ બેફામ ગતિએ ઇકો કાર હંકારતા ચાલકો પર લગામ કસવા માટે પોલીસે વધુ કમર કસવી પડશે તેમ લાગી રહ્યું છે. જો આ કામગીરી સત્વરે કરવામાં નહી આવે તો આ પ્રકારની ઘટનાઓનું ભવિષ્યમાં પણ પુનરાવર્તન થઇ શકે છે.
આ પણ વાંચો -- VADODARA : મિત્રની પાર્ટીમાં જવાની ના પાડતા ધુલાઇ