VADODARA : દરજીપુરામાં SMC ના દરોડા ટાણે હુમલાની ઘટનામાં તલસ્પર્શી તપાસ શરૂ
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના હરણી પોલીસ મથકમાં આવતા દરજીપુરામાં દારૂના કટીંગ સમયે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા (SMC RAID - VADODARA) પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કન્ટેનર ભરીને રૂ. 22 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ સાથે ત્રણને દબોચી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગ્રામજનોએ પોલીસ પર હુમલો કરતા વળતા બચાવમાં SMC PI એ બે રાઉન્ડ ફાયરીંગ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં ત્રણ આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર ધકેલવામાં આવ્યા છે. સાથે જ હરણી પોલીસ મથક (HARNI POLICE STATION - VADODARA) માં બનેલી ઘટનાની તપાસ કારેલીબાગ પોલીસ મથક (KARELIBAUG POLICE STATION - VADODARA) ના પીઆઇ વ્યાસને સોંપવામાં આવી છે.
લિસ્ટેડ બુટલેગર સહિત 8 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
31, ડિસે. પહેલા દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ, વિવિધ બ્રાન્ચો તથા રાજ્યની ટીમો સક્રિય રહે છે. તેવામાં તાજેતરમાં દરજીપુરામાં રાત્રીના સમયે ખુલ્લા મેદાનમાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનું કટીંગ કરવામાં આવતું હોવાની બાતમી મળતા જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂ. 22 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણને દબોચી લીધા હતા. તો આ ઘટનામાં લિસ્ટેડ બુટલેગર સહિત 8 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો જોડે સ્થાનિકોએ ઘર્ષણ કરતા સ્વચબચાવમાં ટીમોએ બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ ઘટનાને પગલે હરણી પોલીસનું નાક કપાઇ જવા પામ્યું હતું.
કોર્ટે આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા
આ ઘટનામાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. આ કાર્યવાહી દરમિયાન પકડાયેલા ફિરોઝ યાકુબ દિવાન, અલ્તાફ યાકુબ દિવાન અને અનુસીંગ શબ્બીરસીંગ સોઢાને ગતરોજ નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. હરણી પોલીસનું નાક કાપતી ઘટનાની તપાસ કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસને સોંપવામાં આવી છે. તેમના દ્વારા આ મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ આ મામલે વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ સફળ રહી નથી.
આ પણ વાંચો --- VADODARA : દારૂની મહેફિલ પર દરોડા, પોણો ડઝન રસીયાઓ સામે ફરિયાદ