VADODARA : શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાંથી બાળશ્રમિકોને મુક્ત કરાવાયા
VADODARA : વડોદરા (VADODARA) ના વાસણા રોડ પર આવેલી શ્રી ખોડીયાર કાઢીયાવાડી ઢાબા (SHREE KHODIYAR KATHIYAWADI DHABA - VASNA ROAD, VADODARA) માંથી બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. ઢાબાના સંચાલકો અને મેનેજર દ્વારા બાળકોને જમવાનું પીરસવા અને સાફસફાઇના કામમાં કાર્યરત રાખવામાં આવતા હતા. આખરે આ અંગેની જાણકારી મળતા અમદાવાદની જુવેનાઇલ સોસાયટી દ્વારા પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ બાળ શ્રમિક મળી આવ્યા હતા. જેથી ઢાબાના માલિક અને મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
બાળ સુરક્ષા એકમના અધિકારીને સાથે રાખીને તાજેતરમાં તપાસ કરી
જેપી રોડ પોલીસ મથકમાં હરિશભાઇ રામજીભાઇ પરમારએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પ્રયાસ જુવેનાઇલ એઇડ સેન્ટર સોસાયટી, શહેર કોટડા પોલીસ સ્ટેશન, અમદાવાદ ખાતે નોકરી કરે છે. તેઓ પોલીસની મદદથી બાળ શ્રમિકોને રેસ્ક્યૂ કરવાનું કામ કરે છે. 27, ઓક્ટોબરના રોજ તેમને બાતમી મળી હતી કે, વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલી શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા, વાસણા રોડ ખાતે કેટલાક બાળ શ્રમિકો જોડે સાફ-સફાઇ તથા પીરસવાનું કામ કરાવવામાં આવી રહ્યું છે. જેને લઇને તેમણે બાળ સુરક્ષા એકમના અધિકારીને સાથે રાખીને તાજેતરમાં તપાસ કરી હતી. જેમાં બે બાળ શ્રમિકો મળી આવ્યા હતા. તે પૈકી એકને સાંજે પાંચ વાગ્યાથી લઇને રાત્રે અગિયાર વાગ્યા સુધી કામ કરાવવામાં આવતું હતું. જેના તેને રૂ. 350 આપવામાં આવતા હતા.
બે સામે નોંધાયો ગુનો
આખરે ઉપરોક્ત મામલે શ્રી ખોડીયાર કાઢીયાવાડી ઢાબાના મેનેજર અજયભાઇ ધીરૂસિંહ ચૌહાણ (રહે. અર્બન રેસીડેન્સી, ભાયલી) અને માલિક સન્ની અગ્રવાલ સામે જેપી રોડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે બંને આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- લીલી પરિક્રમા કરવા જતા શ્રદ્ધાળુઓને Rajkot એસટી વિભાગની ભેટ, 50 એક્સ્ટ્રા બસો દોડાવાશે