Vadodara: અધધ... મહિલાના પેટમાંથી નીકળી 17 ગાંઠ, 5 કલાક ચાલ્યું હતું ઓપરેશન
Vadodara: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે આવેલ શ્રી છોટુભાઈ એ પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાજેતરમાં એક મહિલાના પેટમાંથી 3.500 kg ની ગાંઠના સફળ ઓપરેશન બાદ વધુ એક 30 વર્ષિય મહિલાના ગર્ભાશયની સાથે ચોટેલી મલ્ટીપલ ફાઈબ્રોઈડ નામની 17 જેટલી નાની મોટી ગાંઠ કાઢી છે. મહિલાને થતી તકલીફ દૂર કરવામાં આવી છે. આ મહિલાનું સંજોગો વસાત કોઈક કારણસર આયુષ્યમાન યોજનાનું લાભાર્થી ન હોવાથી શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી મહિલાનું ઓપરેશન રાહતદરે કરી આપેલ છે.
ડોક્ટરો દ્વારા મહિલાના પેટમાંથી સફળ રીતે ગાંઠો કાઢવામાં આવી
શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે આવેલ શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોક ભાગીદારીથી સંચાલિત શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાજેતરમાં એક મહિલાના પેટમાંથી 3.5 કિલોગ્રામ ની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વધુ એક ત્રીસ વર્ષની મહિલા આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં માસિક સ્ત્રાવની તકલીફ અને પેટના દુઃખાવાની તકલીફ સાથે જુદી જુદી હોસ્પિટલમાં બતાવ્યા પછી સારવાર માટે અહીં લાવવામાં આવ્યા હતા.
17 જેટલી ગાંઠનું સફળ રીતે ઓપરેશન કરવામાં આવ્યું
નોંધીય છે કે, સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ત્રી રોગ નિષ્ણાત ડો. નિધીબેન કરંગીયા નાઓએ તપાસ કરી અને સોનોગ્રાફી દરમિયાન ગર્ભાશયમાં મલ્ટિપલ ફાઇબરોડ નામની ગાંઠો હોવાનું જણાતા આ મહિલાને ઓપરેશન કરવા માટે તેણીનીના પરિવારજનોને સમજાવવામાં આવેલ હતું પરિવારજનો અને તકલીફ ધરાવતી મહિલા દર્દી તૈયાર થતા પાંચેક કલાકની લાંબી ચાલેલી શસ્ત્રક્રિયા દરમિયાન ગર્ભાશયની સાથે ચોટેલી લખોટીની સાઈઝ થી લઈને ટેનિસ ના બોલ જેટલી મોટી સાઇઝની એમ નાની મોટી કુલ 17 જેટલી ગાંઠનું સફળ રીતે ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ગાંઠો કયા પ્રકારની છે તેની તપાસ માટે હિસ્ટો પેથોલોજી તપાસ કરવા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે.
આ મહિલાનું ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, શસ્ત્ર ક્રિયા દરમિયાન લોહી વધુ વહી શકવાની શક્યતા ને કારણે મહિલાને લોહીના બોટલ ચઢાવવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મહિલાનો પરિવાર આર્થિક સ્થિતિ નબળી ધરાવતો હોય કોઈ કારણસર સંજોગોવસાત આયુષ્યમાન ભારત યોજના નો લાભ મેળવવાનું કાર્ડ મેળવી શકેલ ન હતો તેથી શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી આ મહિલાનું ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવ્યું છે. આમ મોટા ફોફળિયાનુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વડોદરા નર્મદા ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ બનેલ છે. દર્દીઓને વધુ સુવિધા ઓ મળી રહે તે માટે હાલમાં શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલનું વિસ્તૃતિકરણ પણ કરવામાં આવી રહી છે.