VADODARA : "ચોર આવ્યો, ચોર આવ્યો", કહીને ગ્રામજનો કામદારો પર તુટી પડ્યા
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) વિસ્તારમાં ચોરના ભયથી લોકો ફફડી ઉઠ્યા છે. આ ફફડાટનો ભોગ હવે નિર્દોષ લોકો બની રહ્યા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં વડોદરાના પાદરામાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ગ્રામજનોના રોષનો ભોગ સ્થાનિકો બન્યા છે. આખરે મામલે ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
નવરાત્રી હોવાથી ફરવા નિકળ્યા
પાદરા પોલીસ મથકમાં મિહિતભાઇ જશુભાઇ ભોઇ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખાનગી કંપનીમાં પ્રોડક્શન સુપરવાઇઝર છે. 7, ઓક્ટોબરના રોજ તેઓ નોકરી પર હાજર હતા. દરમિયાન તેમના સાથી પ્રિન્ટીંગ ઓપરેટર તેમની પાસે આવ્યો હતો. અને તે કોઇની સાથે ફોન પર વાત કરતો હતો. બાદમાં તેણે જણાવ્યું કે, રાજેન્દ્રકુમાર વકિલ પાસવાન ને પાદરામાં માર માર્યો છે. બાદમાં રાજેન્દ્રકુમાર જોડે વાત કરતા તેણે કહ્યું કે, તે, મનમોહન શ્યામજીસિંગ તથા બબલુ રામનરેશ સંકેત પાદરા ભાગોળ બાજુ થઇને ચાલતા ચાલતા નવરાત્રી હોવાથી ફરવા નિકળ્યા હતા.
અફવાહને લઇને રાત્રીના સમયે જાગતા હતા
ત્યાં સંતરામ ભાગોળ ખાતે રહેતા લોકોએ તેમની જોડે ઝઘડો કર્યો હતો. જેમાં તેને ઇજાઓ પહોંચી હતી. બાદમાં મિહિતભાઇ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં બીજા માણસોએ તેમને જણાવ્યું કે, પાદરાના સંતરામ ભાગોળમાં રહેતા લોકો, પાદરામાં ચોર આવે છે, અને મારીને લઇ જાય છે, તે અફવાહને લઇને રાત્રીના સમયે જાગતા હતા. દરમિયાન તે પૈકી ટોળાએ એકસંપ થઇને સંતરામ ભાગોળ ખાતે ખુલ્લી જગ્યામાં ચોર આવ્યો, ચોર આવ્યો કહીને ત્રણને બિભત્સ ગાળો બોલીને માર માર્યો હતો. બાદમાં ધમકી આપતા ટોળાએ કહ્યું કે, હવે પછી જો ફરી સંતરામ ભાગોળમાં નજરે પડશો તો પતાવી દઇશું.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આખરે ઉપરોક્ત મામલે કમલેશભાઇ નટુભાઇ માળી, ઠાકોરભાઇ ચતુરભાઇ માળી, ભરતભાઇ નટુભાઇ માળી, ગોવર્ધનભાઇ પ્રભુદાસભાઇ માળી, સંજયભાઇ ગોવર્ધનભાઇ માળી, રાજુભાઇ નટુભાઇ માળી, સંજયભાઇ કનુભાઇ માળી, કેતનભાઇ દિનેશભાઇ માળી, નવીન કાભાઇ માળી, રજનીકાંત જયંતિભાઇ ફુલમાળી, સુનિલ નટુભાઇ માળી, રમેશ સોમાભાઇ માળી, મનોજ રમેશભા માળી, હેમાંગ રાજુભાઇ માળી, ગંગાબેન નટુભઆઇ માળી, સંગીતાબેન ભરતભાઇ માળી, શનીબેન કાભાઇ માળી, કપીલાબેન સુરેશભાઇ માળી (તમામ રહે. સંતરામ ભાગોળ, વડોદરા ગ્રામ્ય, પાદરા) તથા અન્ય માણસોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --VADODARA : "ગામમાં ચોર આવે છે, કેમ જાગતા નથી", કહી માતા-પુત્ર પર હુમલો