VADODARA : ફૂટપાથ પર નશાનો કારોબાર કરતા પેડ્લરને દબોચતી LCB
VADODARA : વડોદરા (VADODARA) ના અકોટા વિસ્તારમાં ફૂટપાથ પર ગાંજાનું વેચાણ કરતા શખ્સને અકોટા પોલીસ મથક વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB - VADODARA) દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. વર્ષનો અંતિમ દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે, તેમ તેમ પોલીસ તથા વિવિધ બ્રાન્ચો દ્વારા નશાનો કારોબાર કરનારાઓ પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે ગાંજા સહિત રોકડ અને મોબાઇલ જપ્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
એલસીબી દ્વારા સ્થળ પર બાતમીના આધારે રેડ કરવામાં આવી
શહેરમાં ધમધમતા નશાના કારોબારને તહેસનહેસ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેડ્લર તથા નશેડીઓ પર વિશેષ વોચ રાખે છે. તેવામાં ઝોન - 2 માં કાર્યરત એલસીબીના એએસઆઇને બાતમી મળી કે, અકોટા ગામ, નવાવાસ, સરકારી સ્કુલ પાછળ રહેતો સાદીક યાકુબભાઇ પટેલ, નાકા સામે ફૂટપાથ પર ગંજાના જથ્થાનું વેચાણ કરી રહ્યો છે. પેડ્લર સાદીક ઓળખીતા ગ્રાહકોને માલની ડિલીવરી આપતો હતો. દરમિયાન એલસીબી દ્વારા સ્થળ પર બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી.
કુલ રૂ. 6,800 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
રે઼ડમાં સાદીક યાકુબભાઇ પટેલ (રહે. અકોટા સરકારી સ્કુલ પાસે, અકોટા, વડોદરા) ને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 116 ગ્રામ ગાંજો, મોબાઇલ ફોન, રોકડા મળીને કુલ રૂ. 6,800 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી વિરૂદ્ધ અકોટા પોલીસ મથકમાં એનડીપીએસનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોપીની ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા, તેની સામે અકોટા પોલીસ મથકમાં અગાઉ પ્રોહીબીશનનો ગુનો નોંધાઇ ચુક્યો છે.
આ પણ વાંચો -- VADODARA : વિદ્યાર્થીની જાણ બહાર એડમિશન મેળવી સ્કોલરશીપ સગેવગે