VADODARA : "તારા ભાઇને સમજાવી દે, ટાંટીયા તોડી નાંખીશ", કહી જીવલેણ હુમલો
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા પાદરા (PADRA) માં દિપાવલી પર્વ પર વચ્ચે આવતા પડતર દિવસે મોટી માથાકુટની ઘટના સામે આવી છે. બાઇક સામી નાંખવા જેવી બાબતે ધારદાર હથિયાર વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આટલેથી નહીં અટકીને હુમલાના બીજા દિવસે ભોગ બનનારના ઘર અને બાઇકને નુકશાન પહોંચાડવામાં આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. અને આ મામલે એક ડઝનથી વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
કેમ આવું બોલો છો
પાદરા પોલીસ મથક (PADRA POLICE STATION) માં કલ્પેશભાઇ કિશોરભાઇ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, દિવાળી પછથીના પડતર દિવસે તેઓ મિત્રના ઘરે ગયા હતા. ત્યાર બાદ બંને સોસાયટીના નાકા ઉપર બાકડે બેઠા હતા. અને રાત્રે છુટ્ટા પડ્યા હતા. જે બાદ મિત્ર તેઓને મુકવા આવ્યો હતો, દરમિયાન રસ્તામાં દિપકભાઇ સુરેશભાઇ વાઘેલાએ ગાળો આપીને કહ્યું કે, તારા ભાઇ હેમંતને સમજાવી દેજે, નહીતર ટાંટિયા તોડી નાંખીશ. જેથી તેમણે પુછ્યું કે, કેમ આવું બોલો છો.
અજ્જુ પંજાબી હાથમાં ખંજર લઇને આવ્યો હતો
ત્યારે દિપકભાઇએ કહ્યું કે, તારા ભાઇએ મારા પર કેમ તેની બાઇક નાંખી ? જેથી ફરિયાદીએ કહ્યું કે, મારા ભાઇને બોલાવીને પુછી લઉં છું. ત્યાર બાદ હેમંતભાઇને પુછતા તેણે કહ્યું કે, મેં તેમના પર બાઇક નાંખી નથી. જેથી તેઓ ગુસ્સે થઇ ગયા હતા. અને ઘરે જઇને હાથમાં તલવાર લઇને તથા તેમના સાસરીયાઓને લઇને આવ્યા હતા. જે બાદ ફરિયાદીએ તમામને શાંતિથી વાત કરવા સમજાવ્યું હતું. ત્યાર બાદ તલવાર ઘરે મુકવા માટે ગયા હતા. જો કે, ત્યાર બાદ દિપકભાઇને સાસરીમાંથી કોઇએ કહેતા તેઓ તલવાર લઇને પાછા આવ્યા હતા. તેમની સાથે અજ્જુ પંજાબી હાથમાં ખંજર લઇને આવ્યો હતો. અને ફરિયાદી તથા તેમના ભાઇ પર હુમલો કરી દીધો હતો. જેમાં ફરિયાદીને લોહી નીકળતા તેઓ નીચે બેસી ગયા હતા. અને આરોપીઓ દ્વારા બેટ, હોકી સ્ટીક લઇને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સમયે શોરબકોર થયા સોસાયટીના લોકો જાગી ગયા હતા. અને બંનેને માર મારતા બચાવ્યા હતા. ત્યાર બાદ ફરિયાદીના પરિજન સ્થળ પર આવી ગયા હતા.
બાઇકને પણ નુકશાન પહોંચાડ્યું
ઘટનાના બીજા દિવસે ફરિયાદી તેમનું ઘર બંધ કરીને સંબંધીના ઘરે જતા રહ્યા હતા. તેવામાં સાંજે પરિચીતનો ફોન આવ્યો અને જણાવ્યું કે, હસમુખભાઇ સોલંકીના માણસો અને 15 એક બાઇક પર આવીને તેમના ઘરની બારીઓ અને બાથરૂમ તોડી નાંખ્યા છે. અને બાઇકને પણ નુકશાન પહોંચાડ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં ફરિયાદીએ ઘરે જઇને જોતા હકીકત સામે આવી હતી.
એક ડઝનથી વધુ સામે ફરિયાદ
આખરે ઉપરોક્ત મામલે દિપકભાઇ સુરેશભાઇ વાઘેલા, અજ્જુભાઇ પંજાબી, ચંપકભાઇ મણીલાલ સોલંકી, રૂત્વિકભાઇ વિરેન્દ્રભાઇ સોલંકી, મનિષભાઇ જયંતિભાઇ સોલંકી, કેયુરભાઇ ચંપકભાઇ સોલંકી, વિમલભાઇ હસમુખભાઇ સોલંકી, હસમુખભાઇ મનસુખભાઇ સોલંકી, યુુવરાજભાઇ વિનોદભાઇ સોલંકી, જીગર ઉર્ફે ગણેશ બુધાભાઇ સોલંકી, કિશનભાઇ નવીનભાઇ સોલંકી, સન્ની ભાઇ નવીનભાઇ સોલંકી (તમામ રહે. પાદરા ટાઉન, પાદરા વડોદરા ગ્રામ્ય, ) તથા બીજા સાત અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : લીવ ઇન પાર્ટનરે મનઘડંત આરોપો મુકી ઝઘડો કરતા યુવતિએ મોત વ્હાલુ કર્યું