VADODARA : પાણીની સમસ્યાના નિરાકરણ માટે લોંગ ટર્મ પ્લાનિંગ કરવા સૂચન
VADODARA : વડોદરા (VADODARA) ની પાણીની સમસ્યાના (WATER CRISIS ISSUE) નિરાકરણ માટે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પ્લાનિંગ કોર્પોરેશને કરવું જોઈએ તેવો મત સાંસદ ડો. હેમાંગ જોષીએ તાજેતરમાં કોર્પોરેશન ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં વ્યક્ત કર્યો હતો. બેઠક દરમિયાન સાંસદે કોર્પોરેશન દ્વારા આ માટે કરવામાં આવેલા આયોજન અંગે પણ વિગતવાર માહિતી મેળવી વિચારોની આપ લે કરી હતી. સાંસદે ગ્રીન સિટીના આયોજનના ભાગરૂપે રોડ અને રસ્તાની બાજુ પર પેવર બ્લોકનો ઉપયોગ ઓછો કરી સસ્ટેનેબલ ગ્રીન પ્લાન્ટેશન કરવાની જરૂરિયાતની હિમાયત કરી હતી.
જાણકારી મેળવી
સંકલન સમિતિની બેઠક દરમિયાન સંસદે વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરતા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા હાથમાં લેવાયેલા બાકી કામો હાલ કેટલી પ્રગતિ પર છે, તે બાબતે જાણકારી મેળવી, તે કેવી રીતે વહેલામાં વહેલી તકે પૂરા થાય તે મુદ્દે પણ ચિંતન મંથન કર્યું હતું. સાંસદે આગામી દિવસો દરમિયાન શહેરી વિકાસને લગતા અન્ય નવા કયા કામ હાથ ધરી શકાય તે બાબતે પણ કોર્પોરેશનના અધિકારીઓ સાથે વિચારોની આપ લે કરી હતી.
અધિકારીઓને સૂચન કર્યું
મીટીંગ દરમિયાન પોતાના વિચાર રજૂ કરતા શહેરના તમામ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પેરા ઓલિમ્પિક્સના પ્લેયર્સ માટે એક્સેસેબલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન ઓલમ્પિક્સ ની તૈયારી કરી રહ્યા છે, તેવા સમયે શહેર પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપલબ્ધ છે, તેને પેરા ઓલમ્પિકના પ્લેયર્સને અનુકૂળ બનાવવા આયોજન કરવાનું તેમણે અધિકારીઓને સૂચન કર્યું હતું. આ તબક્કે સાંસદે તમામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પેરા ઓલિમ્પિક્સના પ્લેયર્સ માટે રેમ્પ તથા વોશરૂમની અલાયદી સુવિધા ઉભી કરવાની સાથે અધિકારીઓને આ માટે એક વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : સરકારી સહાય મળતા ડોક્ટર બનવાના સ્વપ્નએ ભરી ઉડાન