VADODARA : "ગંદકી વચ્ચે કોઇએ જીવ ગુમાવ્યો તો મૃતદેહ પાલિકા કચેરી લઇ જવાશે", નાગરિકની ચિમકી
VADODARA : વડોદરા (VADODARA) માં પૂરના પાણી ઓસરી ગયા બાદ સ્વચ્છતાને લઇને મોટો પડકાર સામે આવી રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા તમામ તાકાત જોખીને શહેરના પૂરગ્રસ્ત રસ્તાઓને સાફ સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ નગર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય છે. જેના કારણે સામાજીક કાર્યકરે આકરી ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, કારેલીબાગના જલારામનગરમાં સફાઇ કર્મચારીઓ તથા સેનીટાઇઝેશનની જે કોઇ જરૂરીયાત છે, તે પણ પહોંચાડવામાં આવ્યા નથી. જો કોઇ રોગચાળો ફાટી નિકળશે કે કોઇના ઘરે મૃત્યુ થશે તો મૃતદેહને અમે પાલિકાની કચેરી ખાતે લઇ જવામાં આવશે.
અહીંયા સાફ સફાઇના કોઇ ઠેકાણા નથી
વડોદરામાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ક્યાંક પૂરના પાણી ઓસરી ગયા બાદ ગંદકીના ઢગ છે, તો ક્યાંક પાણીમાં બગડી ગયેલી વસ્તુઓના ઢગ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગરમાં રોગચાળો ફાટી નિકળે તેવી ભીતી સેવાઇ રહી છે. અહિંયા રહેતા રહીશોનો પૂરમાં મોટું નુકશાન પહોંચ્યું છે. એટલું જ નહી પૂરના પાણી ઓસરી ગયા બાદ પણ અહીંયા સાફ સફાઇના કોઇ ઠેકાણા નથી. આખરે સામાજીક કાર્યકરે આગળ આવીને વિસ્તારનો અવાજ બનવું પડ્યું છે.
અમારા વિસ્તારમાં જમવાનું કે પાણી પહોંચાડવામાં આવ્યું નથી
સામાજીક કાર્યકર કમલેશ પરમાર જણાવે છે કે, વડોદરાની વિશ્વામિત્રી નદીના પુરની પરિસ્થિતી સર્જાઇ હતી. તેમાં સામાજીક સંસ્થાઓ દ્વારા મદદ પહોંચાડવામાં આવી છે. પરંતુ વડોદરા શહેરના કોર્પોરેટર, ધારાસભ્યો, મેયર તથા અન્ય બેજવાબદાર સાબિત થયા છે. અમારા વિસ્તારમાં જમવાનું કે પાણી પહોંચાડવામાં આવ્યું નથી. અમારા ઘરોમાં મોટી સંખ્યામાં નુકશાન પહોંચ્યું છે. કારેલીબાગના જલારામનગરમાં સફાઇ કર્મચારીઓ તથા સેનીટાઇઝેશનની જે કોઇ જરૂરીયાત છે, તે પણ પહોંચાડવામાં આવ્યા નથી.
આ માનવ સર્જિત આફત છે
વધુમાં તેમણે જણાવ્યું કે, જો કોઇ રોગચાળો ફાટી નિકળશે કે કોઇના ઘરે મૃત્યુ થશે તો મૃતદેહને અમે પાલિકાની કચેરી ખાતે લઇ જવામાં આવશે. અમને કોઇ સુવિધા મળી નથી. જવાબદાર વ્યક્તિઓ દ્વારા આ અંગે તાત્કાલીક સુચનાઓ આપવામાં આવે તેવી અમારી માંગ છે. આ માનવ સર્જિત આફત છે. અધિકારીઓ ફોટો સેશન કરાવે છે, પણ કામ થતા નથી. જો કોઇ નેતા કે અધિકારી અહિંયા આવશે તો તેમણે માર ખાવાનો વારો આવે તેવી પરિસ્થિતીનું ચોક્કસથી નિર્માણ થયું છે.
આ પણ વાંચો -- VADODARA : અટલાદરાના રહીશોની સમસ્યા થશે દુર, Gujarat First ની ખબરની અસર