VADODARA : બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સના દરોડા જારી, સુપર ઓપરેશનને પગલે ખળભળાટ
VADODARA : વડોદરા (VADODARA) માં દિવાળી પહેલા ચાર મોટા બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા (INCOME TAX RAID - VADODARA) પાડવામાં આવ્યા છે. ગતરોજ શરૂ થયેલા દરોડા આજે પણ જારી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ગતરોજથી વિવિધ વ્યવહારોની ચકાસણી બાદ હવે મોટા વ્યવહારોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. બિલ્ડર ગ્રુપ પૈકી કેટલાક ઇવેન્ટ, આર્કિટેક્ચર તથા અન્ય વેપાર સાથે પણ સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે. ત્યાં સુધી પણ તપાસનો રેલો પહોંચવાની શક્યતા આ તબક્કે નકારી શકાય તેમ નથી.
200 જેટલા ઇન્કમટેક્સ અધિકારીઓ સુપર ઓપરેશનમાં જોડાયા
વડોદરામાં ત્રણ શહેરોની ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા ચાર જાણીતા બિલ્ડર ગ્રુપ પર સામુહિક દરોડા પાડ્યા હતા. તમામ બિલ્ડર ગ્રુપ શહેરના નામાંકિત છે. અને તેમની વૈભવી સાઇટો ચાલી રહી છે. સાથે જ તેમના રીયલ એસ્ટેટ સિવાયના વર્ટીકલ્સમાં પણ રોકાણ છે. હાલ તબક્કે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ, સુરત અને વડોદરાના મળીને 200 જેટલા ઇન્કમટેક્સ અધિકારીઓ આ સુપર ઓપરેશનમાં જોડાયા છે. ગતરોજથી હિસાબી ચોપડા, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ વગેરેની ચકાસણી કર્યા બાદ હાલ મોટા વ્યવહારોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે. ગતરોજ 20 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જે આજે એક ડઝનથી ઓછી જગ્યાઓ પર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બેંક લોકર સુધી તપાસ જવાની પ્રબળ શક્યતાઓ
પ્રાથમિક સુત્રોએ વધુમાં જણાવ્યા અનુસાર, તપાસનો રેલો ગ્રુપના મુખ્ય બિલ્ડરોના બેંક એકાઉન્ટ અને લોકર સુધી જઇ શકે છે. મોટા હિસાબો મળી આવતા હવે બેંકના લોકરમાંથી પણ તપાસના અંતે મોટી સફળતા મળે તેવી આશા ઇન્કમટેક્સના અધિકારીએ સેવી રહ્યા છે. હાલમાં ચાલતી નિવાસ સ્થાન, અને ઓફિસ પરની કાર્યવાહી બાદ બેંક લોકર સુધી તપાસ જવાની પ્રબળ શક્યતાઓ છે. જેટલી લાંબી તપાસ ચાલશે, તેટલા કરચોરીના પોપડા ઉખડતા જશે, તેવી લોકચર્ચા હાલ ચાલી રહી છે.
ફાઇલ અને તેમાં રાખેલા કાગળિયા તરતા નજરે પડ્યા
સુત્રોએ ઉમેર્યું કે, બિલ્ડર ગ્રુપ પૈકી એકના સમા વિસ્તાર સ્થિત નિવાસ સ્થાને અચાનક ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી ત્યારે પરિવારના સભ્યએ એક મહત્વની ફાઇલ પાણીની ટાંકીમાં ફેંકી દીધી હતી. પરિવારનો સભ્ય વારે વારે તે દિશામાં જોતો હોવાથી ઇન્કમટેક્સ અધિકારીને શંકા ગઇ હતી. બાદમાં તેમણે જાતે તપાસ કરતા ટાંકી તરફ નજર પડી હતી. શંકાના આધારે પાણીની ટાંકીમાં તપાસ કરતા ફાઇલ અને તેમાં રાખેલા કાગળિયા તરતા નજરે પડ્યા હતા. આખરે ફાઇલ અને ભીના થયેલા કાગળિયાને સાવચેતી પૂર્વક સુકવવા મુકવામાં આવ્યા હતા. જે સુકાઇ જતા તેમાં રહેલી વિગતો પણ બારીકાઇ પૂર્વક જાણવામાં આવી હતી. આ કાર્યવાહી રત્નમ, સિદ્ધેશ્વર, ન્યાલકરણ અને કોર્ટયાર્ડ ગ્રુપ પર ચાલી રહી હોવાનુ ભારે ચર્ચામાં છે. દિવાળી ટાણે ઇન્કમટેક્સના સુપર ઓપરેશનને પગલે બિલ્ડર લોબીમાં ભારે સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.
આ પણ વાંચો -- Ahmedabad: રાણીપની લિપ સ્કૂલને પ્રવાસ કરાવવા મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની નોટિસ