ફળોના રાજાનું આગમન, પોરબંદર યાર્ડમાં રોજ પ૦૦ બોક્સ કેરીની આવક
અહેવાલ--કિશન ચૌહાણ, પોરબંદર ફળોનો રાજા કેરીની ઉનાળાની સિઝનમાં આવક થતી હોય છે. હાલ પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં નિયમીત પ૦૦થી ૬૦૦ બોક્સ કેરીની આવક નોંધાઇ રહી છે. પોરબંદરવાસીઓ ગીર તાલાલા કરતા પોરબંદર જિલ્લાની સ્થાનીક બગીચાઓની કેરી વધુ પસંદ કરી રહ્યાં છે. અંદાજીત...
અહેવાલ--કિશન ચૌહાણ, પોરબંદર
ફળોનો રાજા કેરીની ઉનાળાની સિઝનમાં આવક થતી હોય છે. હાલ પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં નિયમીત પ૦૦થી ૬૦૦ બોક્સ કેરીની આવક નોંધાઇ રહી છે. પોરબંદરવાસીઓ ગીર તાલાલા કરતા પોરબંદર જિલ્લાની સ્થાનીક બગીચાઓની કેરી વધુ પસંદ કરી રહ્યાં છે. અંદાજીત હાલ ૪૦૦ બોક્સ પોરબંદર જિલ્લાના હનુમાનગઢ અને ખંભાળામાંથી થઇ રહી છે અને અંદાજીત ર૦૦ બોક્સ તાલાલા ગીરની જોવા મળી રહી છે પરંતુ ભાવની સરખામણીમાં પણ સ્થાનીક કેરી ગીર તાલાલા કરતા ૭૦૦થી ૮૦૦ રૂપિયા વધુ વેચાઇ રહી છે. આગામી મે મહિનાથી કેરીની આવકમાં વધારો થશે અને નાગરીકો કેરીનો સ્વાદ માણી શકશે.
નાગરિકોમાં સ્થાનિક કેરીની પસંદગી વધુ
પોરબંદર જિલ્લાના માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવક પ્રતિદિન ૬૦૦ બોક્સ સુધી નોંધાઇ રહી છે. કેરીના ભાવ પણ આવક ઓછી હોવાના લીધે પ્રતિ બોક્સ રપ૦૦ સુધી બોલાઇ રહ્યાં છે. આ કેરીના ફળ પણ ખૂબ મોટા જોવા મળી રહ્યાં છે પરંતુ પોરબંદર જિલ્લાના નાગરીકો સ્થાનીક બગીચાઓની કેરી વધુ પસંદ કરી રહ્યાં છે. વેપારી આલમમાંથી જાણવા મળતી વિગતો અનુસાર પોરબંદરના લોકો ઉનાળાની શરૂઆતથી જ કેરીની આવક નોંધાય છે ત્યારે પ્રથમ આગ્રહ સ્થાનીક બગીચાઓનો રાખે છે અને તે પસંદ પણ કરે છે. હાલ નિયમિત ખંભાળા, હનુમાનગઢના બગીચાઓમાંથી ૪૦૦ બોક્સ સુધી આવક નોંધાઇ રહી છે. પ્રતિ બોક્સ ૧પ૦૦ થી રપ૦૦ સુધીના ભાવ બોલાઇ રહ્યાં છે. જ્યારે તાલાલા ગીરમાંથી નિયમીત ર૦૦ બોક્સ સુધી કેરીની આવક પોરબંદરના યાર્ડમાં નોંધાઇ રહી છે. પરંતુ તેનો ભાવ ૭૦૦થી ૮૦૦ પ્રતિ બોક્સ બોલાઇ રહ્યો છે. એટલે કે સ્થાનીકો ગીર તાલાલા કરતા વધુ ભાવે સ્થાનીક હનુમાનગઢ, ખંભાળાના બગીચાની કેરીનો સ્વાદ વધુ પસંદ કરે છે.
મે મહિનામાં કેરીની આવક બમણી થશે
પોરબંદરમાં રર માર્ચથી કેરીની આવક શરૂ થઇ છે. પ્રતિદિન આવક હવે વધુ નોંધાઇ રહી છે. પરંતુ કમોસમી વરસાદના લીધે ક્યાંક કેરીના બગીચાના ફળને નુકશાન થયું છે. વેપારી આલમમાંથી મળતી વિગતો અનુસાર મે મહિનાથી કેરીની આવક બમણી થશે. હાલ જે પ૦૦-૬૦૦ બોક્સ નિયમીત આવી રહ્યાં છે તેના બે ગણી આવક યાર્ડમાં નોંધાશે. શરૂઆતમાં કેરીની આવક હોવાથી નાગરીકો ખરીદી કરવાનું ટાળી રહ્યાં છે. પરંતુ હાલ વેપારીઓ માર્કેટીંગ યાર્ડમાં આવી હરાજીમાં ભાગ લઇ કેરીની ખરીદી કરી રહ્યાં છે અને શાકમાર્કેટની લારીમાં કેરીનું વેંચાણ કરી રહ્યાં છે. ઉનાળાની સિઝનમાં નાગરીકો કેરીનો સ્વાદ માણવા માટે આતુરતાથી રાહ જુએ છે. પરંતુ હવે મેં મહિનાથી આ આતુરતાનો અંત આવશે અને માર્કેટીંગ યાર્ડ કેરીથી ઉભરાય ઉઠશે અને બજારોમાં કેરીનું વેચાણ પણ વધુ જોવા મળશે. હાલ સ્થાનીક બગીચાઓમાંથી કેરીની આવક તો થઇ રહી છે પરંતુ પ્રતિ બોક્સ રપ૦૦ સુધીના ભાવ હોવાથી મધ્યમ અને ગરીબ પરિવાર કેરીનો સ્વાદ માણી શકતા નથી.
Advertisement