VADODARA : ગણેશજીના દર્શને ગયેલા પરિવારના ઘરે તસ્કરોનો હાથફેરો
VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં ગણપતિ દર્શન માટે નીકળેલા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને લાખોની મત્તા ઉઠાવી જવાની ઘટના બનવા પામી છે. આ મામલે પાણીગેટ પોલીસે ચોરીનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના નામાંકિત ગણેશમંડળોમાં ગણેશજીના દર્શન માટે નીકળ્યા
એક તરફ વડોદરા શહેર પોલીસ ગણેશજીના વિસર્જન યાત્રાની તૈયારીઓ અને બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ તસ્કરો પોલીસની નાઈટ પેટ્રોલિંગની ગેરહાજરીનો લાભ લઈને ચોરીને અંજામ આપી રહ્યા છે. વાઘોડીયા રોડ પર રામવાટિકા સોસાયટી પાછળ આવલી કૈલાશપાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિક અજયકુમાર સલગર ગત 13 તારીખે રાત્રે 8.30 કલાકે ઘર બંધ કરીને પરિવાર સહીત શહેરના નામાંકિત ગણેશમંડળોમાં ગણેશજીના દર્શન માટે નીકળ્યા હતા.
સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી થઇ
શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને તેઓ રાત્રીના 11.30 કલાકે ઘરે પરત ફરતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાઈ આવ્યું હતું. ઘરમાં પ્રવેશીને તપાસતા સામાન વેરવિખેર હાલતમાંપડેલો દેખાયો હતો. ઘરના મંદિર રૂમમાં મુકેલી તિજોરીનું તાળું તૂટેલું હતું અને અંદર મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી થઇ ગઈ હતી.
મકાનમાં મુકેલા 14 તોલા સોનાના દાગીના ગાયબ
ઘટનાની જાણ પોલીસને કરતા પાણીગેટ પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. અને ચોરી અંગેની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે મકાનમાં મુકેલા 14 તોલા સોનાના દાગીના તેમજ 15 હાજર જેટલી રોકડ રકમની ચોરી થવા પામી છે. જો કે, પોલીસ ચોપડે 75 હજારની કિંમતના દાગીનાની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. સમગ્ર મામલે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો -- VADODARA : તહેવારોને લઇને પોલીસનો સજ્જડ બંદોબસ્ત, 6500 થી વધુ જવાનોની તૈનાતી