VADODARA : DJ ના તિવ્ર અવાજમાં બાલ્કનીનો ભાગ તુટી પડ્યો
VADODARA : વડોદરા (VADODARA) માં ડીજે સંચાલકો દ્વારા બેફામ ધ્વનિ પ્રદુષણ કરવાનું જારી હોવાની સાબિતી આપતો કિસ્સો સામે આવવા પામ્યો છે. ગતરાત્રે ધાર્મિક કાર્યક્રમ માટેનું ડીજે મોટા અવાજે દાંડીયા બજારના વિવેક એપાર્ટમેન્ટ નજીકથી પસાર થઇ રહ્યું હતું. દરમિયાન મોટા અવાજની તિવ્રતાના કારણે ત્રીજા માળની બાલ્કનીનો કેટલોક ભાગ તુટી પડ્યો હતો. જો કે, તુટેલો ભાગ નીચેના શેડ પર પડતા મોટી દુર્ઘટના સર્જાયા અટકી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સ્થળ પર પહોંચીને જોખમી ભાગ દુર કરવામાં આવ્યો હતો. આવનાર સમયમાં તહેવારોની સ્થિતીને ધ્યાને રાખીને ધ્વનિ પ્રદુષણ ત્વરિત નાથવું પડશે, નહિ તો આ પ્રકારની દુર્ઘટનાનો ભય સતાવતો રહેશે.
બાલ્કનીનો કેટલોક ભાગ ધ્રુજારીમાં તુટીને પડ્યો
તાજેતરમાં વડોદરા પોલીસ દ્વારા મોટો અવાજ કરીને ધ્વનિ પ્રદુષણ ફેલાવનારા ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં તેમનામાં કોઇ સુધારો ન આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં ધાર્મિક પ્રસંગોની શરૂઆત થતા દાંડીયા બજારના વિવેક એપાર્ટમેન્ટ પાસેથી ડીજે પસાર થઇ રહ્યું હતું. દરમિયાન ડીજેનો અવાજ અત્યંત તિવ્ર હોવાના કારણે નજીકમાં આવેલા કોમ્પલેક્ષના ત્રીજા માળની બાલ્કનીનો કેટલોક ભાગ ધ્રુજારીમાં તુટીને પડ્યો હોવાનું ફાયર સૈનિક જણાવી રહ્યા છે. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન્હતી. પરંતુ તહેવારોની મોસમ ખીલવાની તૈયારી છે, ત્યારે પોલીસ ડીજે સંચાલકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું.
કેટલોક ભાગ સળિયાના સહારે લટકી રહ્યો
ફાયર સૈનિક તિલકસિંહ રાઠોડ જણાવે છે કે, દાંડીયા બજાર ફાયર સ્ટેશનને એક કોલ મળ્યો હતો. જેમાં ડાલ્સન ઘડીયાળ ઉપર આવેલા વિવેક એપાર્ટમેન્ટના ત્રીજા માળે બાલ્કનીનો કેટલોક ભાગ તુટીને નીચે પડ્યો છે. સ્થળ પર જઇને તપાસ કરી તો બાલ્કનીનો કેટલોક ભાગ સળિયાના સહારે લટકી રહ્યો હતો. અને કેટલોક ભાગ તુટીને આગળ બનાવેલા શેડ પર પડ્યો હતો. નજીકમાંથી એક ડીજે પસાર થઇ રહ્યું હતું. અમારા ફાયર સ્ટેશન સુધી તેની ધ્રુજારીની અસર જોવા મળી હતી. તો તે બિલ્ડીંગ તો નજીક હતું. બાલ્કનીનો કેટલોક ભાગ નીચે પડ્યો, જો તે ભાગ શેડની જગ્યાએ નીચે પડતો તો કોઇનું મૃત્યુ થવાની સંભાવનાઓ હતી. અમે સ્થળ પર જઇને સળિયો કાપીને તુટેલો ભાગ નીચે ઉતારી લીધો હતો.
આ પણ વાંચો -- VADODARA : કમાટીબાગના દરવાજે ફેણ તાણી બેઠો કોબ્રા સાપ