VADODARA : નોટીસ પર નોટીસ ફટકાર્યા બાદ પણ કામ નહીં થતા કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં નાની સિંચાઇ યોજનાની કામગીરી હાથમાં લેનાર કોન્ટ્રાક્ટરને નોટીસ પર નોટીસ ફટકાર્યા બાદ પણ કોઇ પરિણામ નહીં જોવા મળતા આખરે બે ને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. મીરલ કન્સ્ટ્રક્શન અને રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ સોલંકીને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી વસુલાત કરવાની સાથે સાથે તેમના સિક્ટોરીટી ડિપોઝીટ પર જમા લેવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
વર્ષ - 2023 માં ઇજારો આપવામાં આવ્યો હતો
વડોદરા જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ દ્વારા વાઘોડિયાના જરોદ, કોટંબી તથા રવાલ ખાતે માઇનોર ઇરીગેશન ટેન્ક પર પુન સ્થાપન, મરામત અને જાળવણી માટે, સાથે જ સાવલી તાલુકાના વડદલા ગામે માઇનોર ઇરીગેશન ટેન્ક વેસ્ટના વિયરથી સંપર્ક માર્ગનું બાંધકામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ મીરલ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો હતો. તે જ રીતે સાવલીના જાવલા ગામે માઇનોર ઇરીગેશન ટેન્ક વેસ્ટના વિયરથી સંપર્ક માર્ગનું બાંધકામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ સોલંકીને આપવામાં આવ્યો હતો. વર્ષ - 2023 માં ઇજારો આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંને દ્વારા કામગીરી યોગ્ય રીતે કરવામાં નહીં આવતા તેમને નોટીસો ફટકારવામાં આવી હતી.
અપીલ રજુ કરવા માટે બે મહિનાથી વધુ જેટલો સમય અપાયો
નોટીસ પર નોટીસ મોકલવામાં આવ્યા બાદ પણ આ સિલસિલો જારી રહ્યો હતો. બાદમાં સમયમર્યાદા વિતી ગયા હોવા છતાં પણ કામગીરી પૂર્ણ થઇ શકી ન્હતી. બંને કોન્ટ્રાક્ટરોને મળીને કુલ 30 જેટલી નોટીસો ઇશ્યુ કરવામાં આવી હતી. છતાં તેમના પેટનું પાણી હાલ્યું ન્હતું. આખરે બંને સામે કરાર ખતના ક્લોઝ - 2 પ્રમાણે વિલંબીત વળતરની વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ તેમની સિક્યોરીટી ડિપોઝીટ પણ જપ્ત કરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. બંનેને તેમના પક્ષે અપીલ રજુ કરવા માટે બે મહિનાથી વધુ જેટલો સમય પણ આપવામાં આવ્યો હતો. જો કે, તેની સમયમર્યાદા વિતી ગયા બાદ અપીલ કરી હતી. જેથી તેને ગ્રાહ્ય રાખ્યા સિવાય જ નિર્ણય લેવાની દરખાસ્ત સભામાં રજુ કરાઇ હતી. જેને મંજુરી મળતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો -- VADODARA : વિજ ટ્રાન્સફોર્મર સળગી ઉઠતા અંધારપટ છવાયો