Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પારૂલ યુનિ. ખાતે જિલ્લાકક્ષાનો 75મો ‘વન મહોત્સવ’ કાર્યક્રમ યોજાયો

VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડીયામાં પારૂલ યુનિવર્સિટી (PARUL UNIVERSITY) ખાતે ૭૫મા જિલ્લાકક્ષાના ‘વન મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. સામાજીક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા....
vadodara   પારૂલ યુનિ  ખાતે જિલ્લાકક્ષાનો 75મો ‘વન મહોત્સવ’ કાર્યક્રમ યોજાયો

VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડીયામાં પારૂલ યુનિવર્સિટી (PARUL UNIVERSITY) ખાતે ૭૫મા જિલ્લાકક્ષાના ‘વન મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. સામાજીક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. પ્રકૃતિના જતન અને સંરક્ષણમાં લોકભાગીદારીનો આગ્રહ રાખી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ‘વનકવચ’ દ્વારા ગ્રીન કવર વધારી રહી છે, તેમાં લોકભાગીદારી અત્યંત જરૂરી છે.

Advertisement

વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અનુરોધ

તેમણે વૃક્ષોની સંખ્યામાં થતા સતત વધારા બદલ સામાજીક વનીકરણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. શ્રીમતી બાબરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જેમ પાણીના એક-એક ટીપાથી સરોવર ભરાય છે, તેમ એક-એક વૃક્ષ વાવવાથી શહેર, રાજ્ય અને દેશ હરિયાળો બને છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ, માઁ કે નામ’ અભિયાનને ઝીલી લઈને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. ગુજરાતને વધારે હરિયાળુ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી તેમણે આવનારી પેઢીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા તેમજ શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે પર્યાવરણ સાથે સંતુલન જાળવીને ગ્રીન ગ્રોથથી વિકાસની વાત કરી હતી.

Advertisement

સેવાયજ્ઞ સામાજીક વનીકરણ વિભાગે ઉપાડ્યો

‘એક પેડ, માઁ કે નામ‘ અભિયાન અંતર્ગત રાજ્યભરની આંગણવાડીઓમાં અત્યાર સુધીમાં ૩.૩૨ લાખથી પણ વધારે વૃક્ષો વાવવામાં આવ્યા છે, તેવું ગર્વભરે જણાવી શ્રીમતી બાબરીયાએ વૃક્ષોનું ધાર્મિક, વૈજ્ઞાનિક અને ઔષધીય મહાત્મ્ય વર્ણવ્યું હતું. તેમણે સાંસ્કૃતિક વનો, વનકવચ, વન મહોત્સવો જેવા સરકારના પર્યાવરણલક્ષી અભિયાનોની વાત કરી રાજ્યમાં ગ્રીન કવર વધારવાનો સફળ સેવાયજ્ઞ સામાજીક વનીકરણ વિભાગે ઉપાડ્યો હોવાનું ઉમેર્યું હતું. છોડમાં પણ રણછોડને જોવાની ભારતીય સંસ્કૃતિને જાળવીને વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરતા રહો, તેમ તેમણે હાજર લોકોને કહ્યું હતું.

Advertisement

દુનિયા પાસે પ્રકૃતિના જતન-સંરક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી

વાઘોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વૃક્ષોને પરોપકારી સંત કહી પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રકૃતિના રક્ષણ અને સંવર્ધન માટે કનૈયાલાલ મુનશી અને અરવિંદ ઘોષે કરેલા ઉમદા કાર્યોને યાદ કર્યા હતા. ગ્લોબલ વોર્મિંગનાં સંકટ સામે ઝઝૂમતી દુનિયા પાસે પ્રકૃતિના જતન-સંરક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સાથે સમન્‍વય સાધીને વિકાસનો જે વિચાર આપ્યો છે, તેમાં સરકારની સાથે સાથે લોકભાગીદારી ખૂબ જરૂરી છે, તેમ જણાવી વાઘેલાએ હાજર પર્યાવરણપ્રેમીઓ અને લોકોને વૃક્ષોના વાવેતર અને જાળવણી માટે સંકલ્પબદ્ધ કર્યા હતા. પ્રદૂષણ અને પ્લાસ્ટિકથી મુક્ત ગુજરાતની વાત કરી આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ અને પર્યાવરણની ભેટ આપવા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.

ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન

આ પ્રસંગે નર્સરી થકી પર્યાવરણના જતનમાં પોતાનો ફાળો આપનાર વિવિધ સખી મંડળની લાભાર્થી બહેનોને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા જિલ્લાના વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોએ કોલેજના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે સ્વાગત પ્રવચન આપ્યું હતું.

આ પણ વાંચો -- VADODARA : ગણેશજીની આગમન યાત્રા પર 16 ઓગસ્ટ સુધી રોક

Tags :
Advertisement

.