VADODARA : ફિલ્મના ઈંટરવલમાં બુટલેગરોનો "સીન" થઇ ગયો
VADODARA : આણંદ (ANAND) ના થિયેટરમાં બેડ ન્યુઝ નામનું મુવી ચાલતું હતું. તે જોવા માટે વડોદરા (VADODARA) માં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા નાસતા-ફરતા બે બુટલેગરો બેઠા હતા. દરમિયાન મુવીમાં ઈંટરવલ પડતા બંને બહાર નિકળ્યા હતા. અને તેમની વોચમાં વાટ જોતી ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમે બંનેની અટકાયત કરી હતી. કોઇની નજર ન જાય તેમ માનીને ફિલ્મ જોવા બેઠેલા બુટલેગરોનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સીન કરી દીધો હોવાનું સ્પષ્ટ થવા પામ્યું હતું.
બાતમીના આધારે ટીમ રવાના કરવામાં આવી
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. સાથે જ આ પ્રકારની પ્રવૃત્તિઓ જોડે સંકળાયેલા અને પોલીસની ધરપકડથી બહાર એવા તત્વોને દબોચી લેવા માટે પણ વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી કે, હેરી ઉર્ફે હિમાંશુ રમેશભાઇ લુધવાણી (રહે. ખોડીયારનગર, વડોદરા) તથા વિવેક ઉર્ફે બની સિંધી મોહનભાઇ કેવલાની (રહે. ફતેગંજ) આણંદના શાન થિયેટરમાં બેડ ન્યુઝ નામની ફિલ્મ જોઇ રહ્યા છે. બાદમાં બાતમીના આધારે ટીમ રવાના કરવામાં આવી હતી.
કોર્ડન કરીને પુછપરછ શરૂ કરી
થિયેટરની બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન સીસીટીવીમાં બંને બુટલેગરો અંદર ગયા હોવાની ચકાસણી પણ કરી લેવામાં આવી હતી. મુવીમાં ઈંટરવલ પડતા બંને બહાર આવ્યા હતા. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ બંનેને કોર્ડન કરીને પુછપરછ શરૂ કરી હતી. જો કે, બંનેએ ઉડાઉ જવાબો આપ્યા હતા. અને પોતાની ઓળખ અંગે કોઇ પુરાવા આપ્યા ન્હતા. બંને ઇસમોની અટકાયત કરીને વડોદરા લાવી કડકાઇ પૂર્વક પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
5 ગુનાઓ નોંધાયા છે
જેમાં બંનેએ પોતાના નામ હેરી ઉર્ફે હિમાંશુ રમેશભાઇ લુધવાણી (ઉં. 23) (રહે. શિલ્પ ગ્રીન ફ્લેટ, ખોડીયારનગર, વડોદરા) અને વિવેક ઉર્ફે બન્ની સિંધી મોહનભાઇ કેવલાની (રહે. ટેક્સટાઇલ સોસાયટી, ફતેગંજ) જણાવ્યું હતું. બંને સામે વારસીયા, હરણી, વાડી, અને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ અંતર્ગત 5 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
આરોપીઓનો ગુનાહિતી ઇતિહાસ
આરોપી હેરી ઉર્ફે હિમાંશુ રમેશભાઇ લુધવાણી વિદેશી દારૂનો જથ્થો લાવવા, રાખવા તેમજ હેરાફેરી કરવા સહીતની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. આરોપી સામે કારેલીબાગ પોલીસ સ્ટેશન અને ઝાલોદ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના 2 કેસ, વારસિયા પોલીસ સ્ટેશનમાં જુગારનો 1 કેસ, આરોપીને કસ્ટડીમાંથી ભગાડવાનો વરણામાં પોલીસ મથકમાં 1 કેસ, મારામારી અને દારૂ પીધેલાના સિટી પોલીસ મથકમાં 2 કેસ, ચીલઝડપ-લૂંટના કારેલીબાગ અને પાણીગેટ પોલીસ મથકમાં 2 કેસ , જાહેરનામા ભંગના સમા પોલીસ મથકમાં 1 કેસ મળી, કુલ 9 ગુનાઓ નોંધાયા છે.
આરોપી વિવેક ઉર્ફે બન્ની સિંધી કેવલાની સામે હરણી અને ફતેગંજ પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુના, મકરપુરા પોલીસ મથકમાં ઠગાઇ અને જેપી રોડ પોલીસ મથકમાં મારામારીના મળીને કુલ 4 કેસ નોંધાયા છે. તે અગાઉ રાજકોટ જેલમાં પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- Mahisagar : વીરપુરમાં પતિને 'બૈરું કરડ્યું'! સો. મીડિયા પર સરકારી હોસ્પિ. નાં કેસ પેપરનું લખાણ વાઇરલ!