VADODARA : NDPS ના ગુનામાં ફરાર આરોપી મોલમાં ટહેલતો ઝડપાયો
VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા એનડીપીએસના ગુનામાં પકડાયેલા અને વડોદરા જેલમાંથી વચગાળાના જામીન મેળવીને છુટ્યા બાદ પરત નહી આવી ફરાર થઇ નાસતા-ફરતા આરોપીને મોલમાં ટહેલતા પકડી પાડ્યો છે. જેને કારણે વધુ એક વખત વડોદરા ક્રાઇમ બ્રાન્ચની અસરકારક કામગીરી સામે આવી છે.
7 દિવસના વગચાળાના જામીન મંજુર થયા
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો જેલમાંથી જામીન પર નિકળી જેલમાં હાજર ના થઇને ફરાર થઇ જતા કેદીઓને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. દરમિયાન ધ્યાને આવ્યું કે, ગોત્રી પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત નોંધાયેલા કેસનો આરોપી શાહનવાઝ ઉર્ફે સાનુ સલીમભાઇ શેખ (રહે. યાકુતપુરા) ને કાચા કામના કેદી તરીકે વડોદરાની જેલમાં રાખવામાં આવ્યો હતો. તાજેતરમાં તેના 7 દિવસના વગચાળાના જામીન મંજુર થયા હતા. તેનો સમયગાળો પૂર્ણ થયા બાદ તે હાજર થવાની જગ્યાએ ફરાર થઇ ગયો હતો.
ફરાર આરોપીને પકડી પાડ્યો
જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા કાર્યવાહી હાથખ ધરતા કેદીની ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન માહિતી મળી કે, ફરાર કેદી સેવનસીઝ મોલમાં છે. જે બાદ ખાનગી ડ્રેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો મોલમાં પહોંચી હતી. અને ફરાર આરોપીને પકડી પાડ્યો હતો. અને બાદમાં તેને વડોદરા જેલમાં સોંપવામાં આવ્યો છે.
ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
ઉપરોક્ત મામલે આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુ સલીમભાઇ શેખને જાન્યુઆરી - 2023 માં અલકાપુરીમાં જાહેર રોડ પરથી હસીસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી કુલ મળીને રૂ. 3.83 લાખ અને તેના અન્ય સાગરીતો પાસેથી કુલ મળીને રૂ. 7.03 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. બાદમાં આ મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અન્વયે તેને કાચા કામના કેદી તરીકે જેલમાં રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : પૂરગ્રસ્ત લોકોના જખમ પર મીઠું ભભરાવતા કોર્પોરેટર, કહ્યું, "જોયા વગર મકાન લીધા !"