VADODARA : પ્રાકૃતિક ખેડૂતોની 18 ઉપજો વૈજ્ઞાનિક પરીક્ષણમાં ઝેરમુક્ત સાબિત થઇ
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની જણસોનું આણંદ કૃષિ યુનિવર્સિટીની પ્રયોગશાળામાં ટેસ્ટિંગ કરાવવામાં આવતા મળેલા પરિણામો આનંદદાયક છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત જણસો જંતુનાશકોમુક્ત હોવાનું વૈજ્ઞાનિક ઢબે કરાયેલા પરીક્ષણમાં ફલિત થયું છે. એટલે કે, પ્રાકૃતિક કૃષિની પેદાશો આરોગવી એકદમ આરોગ્યપ્રદ છે.
૫૧ પેસ્ટિસાઇડની હાજરી ચકાસવામાં આવે છે
આણંદ કૃષિ યુનિવર્સિટીની પ્રયોગશાળામાં પેસ્ટિસાઇડ રેસિડ્યુ ટેસ્ટમાં ખાદ્યપદાર્થોમાં ૫૧ પ્રકારના જંતુનાશકોનું પ્રમાણ છે કે નહી ? તેની ચકાસણી કરવામાં આવે છે. આ જંતુનાશકોમાં એસીફેટ, આલ્ડ્રીન, એનીલોફોસ, બીએચસીમાં આલ્ફા, બેટા, ડેલ્ટા અને ગામા, બાયફેન્થ્રીન, ડીઆઝીનોન, ડીડીટી અને તેના પેટા પ્રકારો, એડીફેન્ફોસ, એન્ડોસલ્ફાન, ફિપ્રોનિલ, મોનોકોટોફોસ સહિતના ૫૧ પેસ્ટિસાઇડની હાજરી ચકાસવામાં આવે છે.
પરીક્ષણના પરિણામમાં તફાવતનું પ્રમાણ ૦.૦૧ ટકા
એક નમૂનાને યોગ્ય રીતે પેક કરી લેબોરેટરીમાં લાવવામાં આવે છે. બાદમાં વિવિધ સ્તરે તેની વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરવામાં આવે છે. આ પરીક્ષણને એક સપ્તાહ જેટલો સમય લાગે છે. બાદમાં આવતા પરિણામોમાં જે તે કૃષિ ઉપજોમાં જંતુનાશકની હાજરી છે કે નહીં, તે માલૂમ પડે છે. આ પરીક્ષણના પરિણામમાં તફાવતનું પ્રમાણ ૦.૦૧ ટકા છે. એનો સીધો મતલબ એ થયો કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત અનાજ, શાકભાજી અને ફળો આરોગ્ય માટે એકદમ અનુકૂળ છે. આ ઉત્પાદોમાં ઝેરી રસાયણો હોતા નથી.
તમામ ઉપજોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી લેવામાં આવી
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ૩૫ ખેડૂતોની ૧૮ ઉપજોના નમૂના આત્મા વિભાગ દ્વારા ઉક્ત પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ચીકુ, ચોખા, લીલી હળદર, હળદર પાવડર, સૂકી તૂવેર, રિંગણા, કેળા, મરચા, પપૈયા, ટમેટા, જામફળ, નારિયેળ, પાલક ભાજી, ગાજર, આદુ, ઘઉં, બાજરી અને સરગવાના નમૂનાનો સમાવેશ થાય છે. આ તમામ ઉપજોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી લેવામાં આવી હતી. લેબમાં ટેસ્ટિંગ બાદ આવેલા પરિણામોમાં ઉક્ત એક ઉપજમાં જંતુનાશકોની હાજરી જોવા મળી નથી.
ઘઉં ઝેરી તત્વોથી મુક્ત સાબિત થયા
વાઘોડિયાના ચાર, કરજણના બે, પાદરાના આઠ, સાવલીના આઠ, ડેસરના ચાર, વડોદરા, શીનોર અને ડભોઇ તાલુકાના ત્રણ – ત્રણ ખેડૂતો મળી કુલ ૩૫ પ્રાકૃતિક કૃષિકારોની ઉપજો વૈજ્ઞાનિક પરીક્ષણમાં ખરી ઉતરી છે. રસપ્રદ વાત તો એ છે કે, પ્રાકૃતિક કૃષિ કરતા ઉક્ત ખેડૂતોની જમીન વધુ ઉપજાઉ બની છે. આવા ખેડૂતોની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધ્યું છે. જે કે, શીનોર તાલુકાના બાવળિયા ગામના પ્રાકૃતિક કૃષિકાર દિલીપસિંહ ચૌહાણના ઘઉં ઝેરી તત્વોથી મુક્ત સાબિત થયા છે. પાછલા વર્ષમાં તેમની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૦.૭૨ ટકાની સામે આ વખતે ૦.૭૬ ટકા થયું છે. ડેસર તાલુકાના કડાછલા ગામના રાજેન્દ્રભાઇ પરમારના મરચાનો નમૂનો પાસ થયો છે. તેમની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પહેલા ૦.૪૯ ટકાની સામે હવે ૦.૫૬ ટકા થયું છે.
જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધવું એ ઉત્તમ વાત
સાવલી તાલુકાના વસંતપુરા ગામ વિભાબેન કશ્યપભાઇ રાયના ઘઉં પણ ઝેરમુક્ત સાબિત થયા છે. પ્રાકૃતિક કૃષિ કરવાના કારણે તેમની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણે ૦.૨૩ ટકાની સામે હવે ૦.૪૦ ટકા થયું છે. આવી રીતે તમામ ઉક્ત તમામ પ્રાકૃતિક કૃષિકારોની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધવું એ ઉત્તમ વાત છે.
લોકોને પણ અણીશુદ્ધ કૃષિ પેદાશો ખાવા માટે મળી
જમીન સાથે જનઆરોગ્યના હિત માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિની પ્રખર હિમાયત કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિના પરિણામે રસાયણિક ખાતરો અને જંતુનાશકોના દુષ્પ્રભાવથી જમીનને બચાવી શકાય છે તો બીજી તરફ લોકોને પણ અણીશુદ્ધ કૃષિ પેદાશો ખાવા માટે મળી રહે છે. નાગરિકોએ પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત જણસો, શાકભાજી અને ફળફળાદી ખરીદવાને પ્રાધાન્ય આપવું જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : રાજ્યના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે, દાદા ભગવાનના કાર્યક્રમમાં હાજરી આપશે