VADODARA : વિપક્ષના ઉપનેતાએ 'ટેન્કર રાજ' નો પ્રશ્ન ઉઠાવતા ભારે વિરોધ
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) ની બજેટ સભાના ત્રીજા અને અંતિમ દિવસે શહેરીજનોના પીવાના પાણીના પ્રશ્નને વિપક્ષના ઉપનેતાએ વાચા આપી હતી. તેઓએ પાણી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં, ટેન્કર મંગાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરતા, ભાજપના અન્ય કોર્પોરેટર તેમના પર તુટી પડ્યા હતા. અને ટેન્કર રાજનો આરોપ ખોટો હોવાનું જણાવીને ફગાવી દેવામાં આવ્યો હતો. (VADODARA VMC OPPOSITION LEADER RAISE CONCERNS ABOUT WATER TANKER)
ટાંકી હોવા છતાં ત્યાંના લોકોને પુરતા પ્રેશરથી પાણી મળતુ નથી
કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના ઉપનેતા જહાં દેસાઇએ જણાવ્યું કે, પાલિકા દ્વારા શહેરના લોકોને શુદ્ધ પાણી પુરતા પ્રેશરથી નિયમિત મળી રહે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચવામાં આવ્યા છે. છતાં શહેરના લોકોને પુરતા પ્રમાણમાં અને પુરતા પ્રેશરથી પાણી મળતુ નથી. નિઝામપુરામાં સૂર્યનગર સોસાયટીની બાજુમાં પાણીની ટાંકી હોવા છતાં ત્યાંના લોકોને પુરતા પ્રેશરથી પાણી મળતુ નથી. આવા તો શહેરભરમાં અનેક વિસ્તારો છે.
પાણી માટે વલખાં મારવા પડે છે
તેમણે વધુમાં ઉમેર્યું કે, પાલિકા દ્વારા રૂ. 125 કરોડના ખર્ચે લાઇનનું લીકેજ શોધવા માટે સ્કાડા પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. છતાં પાણી લીકેજના પ્રશ્નો હલ થતા નથી. પાણીના નેટવર્ક માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં, પાણી માટે વલખાં મારવા પડે છે. લોકોને પાણીની ટેન્કરો મંગાવવી પડે. વડોદરામાં આજે પણ ટેન્કર રાજની સ્થિતી છે.
ટેન્કર રાજ શબ્દ બોલી શહેરને બદનામ ના કરો
જો કે જહાં દેસાઇના આરોપો બાદ સત્તાપક્ષના કોર્પોરેટરો તેમના પર તુટી પડ્યા હતા. આ તકે ભાજપના કોર્પોરેટર અજીત દધીચે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં પાણીની ટેન્કરો મંગાવવી ભૂતકાળ બનવા જઇ રહ્યું છે. કોઇ વિસ્તારમાં પાણીની લાઇનોની કામગીરી ચાલતી હશે તેવા વિસ્તારોમાં કદાચ પાણીની ટેન્કરો આવતી હશે. જ્યારે પૂર્વ મેયર અને કોર્પોરેટર નિલેશ રાઠોડે જણાવ્યું કે, ટેન્કર રાજ શબ્દ બોલી શહેરને બદનામ ના કરો. વડોદરામાં લોકોને પાણી મળી રહ્યું છે. તો બીજી તરફ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ ટેન્કર રાજ શબ્દ પરત લેવા માંગ કરી હતી.
આ પણ વાંચો --- VADODARA : સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભા છોડીને નીકળ્યા