ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પૌરાણિક દામોદર કુંડ ખાતે કલા આરાધના મહોત્સવ યોજાયો, ધારાસભ્ય અને મેયરની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

જૂનાગઢના પૌરાણિક દામોદર કુંડ ખાતે શ્રી રાધા દામોદરજી મંદિર પરિસરમાં કલા આરાધના મહોત્સવ કાર્યક્રમ યોજાયો. શહેરની નાની મોટી 11 નૃત્યાંગનાએ ભરતનાટ્યમમાં દેવી દેવતાઓની વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરી હતી. નૃત્યમાં કલા અને ભક્તિ એમ બન્ને ભાવ રહેલા છે ત્યારે પોતાની નૃત્યકલાના...
12:28 AM Jun 06, 2023 IST | Dhruv Parmar

જૂનાગઢના પૌરાણિક દામોદર કુંડ ખાતે શ્રી રાધા દામોદરજી મંદિર પરિસરમાં કલા આરાધના મહોત્સવ કાર્યક્રમ યોજાયો. શહેરની નાની મોટી 11 નૃત્યાંગનાએ ભરતનાટ્યમમાં દેવી દેવતાઓની વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરી હતી. નૃત્યમાં કલા અને ભક્તિ એમ બન્ને ભાવ રહેલા છે ત્યારે પોતાની નૃત્યકલાના માધ્યમથી પૌરાણિક મંદિરમાં નૃત્યાંગનાઓએ ભાવ વંદના કરી હતી જેમાં ધારાસભ્ય અને મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો આ પ્રકારનો કાર્યક્રમ સૌપ્રથમવાર યોજાયો હતો.

સંત સૂરા અને સાવજની ભૂમિ ગણાતું જૂનાગઢ હવે કલાક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. ભરતનાટ્યમ ભલે દક્ષિણભારતની નૃત્યશૈલી છે પરંતુ હવે તેનો વ્યાપ ગુજરાતમાં પણ થઈ રહ્યો છે જે આપણા દેશની વિવિધતામાં એકતાનું પ્રતીક છે. ન માત્ર અન્ય પ્રદેશની નૃત્યશૈલી શીખવી કે જાણવી પરંતુ તેમાં પારંગતતા પણ જોવા મળી રહી છે. નૃત્યશૈલીમાં કલાની સાથે ભક્તિનો ભાવ પણ રહેલો છે. આપણાં પૌરાણિક મંદિરોમાં જે શિલ્પકલા જોવા મળે છે તેમાં પણ નૃત્યની મુદ્રાઓ જોવા મળે છે આમ આપણાં મંદિરોનો નૃત્ય કલા સાથેનો પૌરાણિક નાતો છે. ત્યારે જૂનાગઢના પૌરાણિક શ્રી રાધા દામોદરજી મંદિર ખાતે ભરતનાટ્યમની નૃત્ય કલા ભક્તિના ભાવ સાથે જોવા મળી. જૂનાગઢની સૂર સંગીત વિદ્યાલય સંસ્થાની 11 બાળાઓએ ભરતનાટ્યમની 18 જેટલી કૃતિઓ પ્રસ્તુત કરી હતી. કલા સાથે ભક્તિ અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાની ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈશ્વરને રીઝવવા અને આનંદિત કરવા અનેકવિધ પ્રયોજનો છે જેમાં નૃત્યકલાનો પણ સમાવેશ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ રાસ રાસેશ્વર છે તો ભગવાન મહાદેવ નટેશ્વર છે. ગણેશજી નૃત્યનો આનંદ છે અને માઁ જગદંબા નૃત્ય વિલાસીની છે. વિશ્વની તમામ સંસ્કૃતિઓ ક્યાંકને ક્યાંક તેની પરંપરા અનુસાર નૃત્ય અને કલા સાથે જોડાયેલી છે. આ વિરલ અને મૌન છતાં ભાવ દર્શન કરાવતી નૃત્યકલાને દેવ વંદના સાથે સુંદર રીતે સાંકળીને મનને ભાવ વિભોર કરી દે તેવી નૃત્યકલાનો સમન્વય જૂનાગઢમાં જોવા મળ્યો અને 11 નૃત્ય ઉપાસકોએ પોતાની નૃત્ય કલા પ્રસ્તુત કરી હતી. જેમાં ગુરૂવંદના, પુષ્પાંજલી, ગણેશ કૌત્વમ, અલ્લારીપુ, જતીસ્વરમ, સ્વાગતમ ક્રિષ્ના, કૃષ્ણ કૃતિ, નિર્વાણષ્ટકમ, મહિષાસુર મર્દિની, શ્રીરામચંદ્ર સ્તુતિ, સરસ્વતી વંદના, દ્રૌપદી વસ્ત્રાહરણ, આદિયોગી, તિલ્લાના, નટેશ કૌત્વમ, શિવપદમ, મંગલમનો સમાવેશ થાય છે.

ભરતનાટ્યમ દક્ષિણ ભારતના તમિલનાડુની નૃત્યશૈલી છે ભારતની બીજી બધી શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ કરતા સૌથી પ્રાચીન નૃત્ય શૈલી મનાય છે. ભરતનાટ્યમ નૃત્યની ઉત્પતિ વિશેની એક પૌરાણિક માન્યતા એવી પણ છે કે બ્રહ્માજીએ ચાર વેદના સારરૂપ નાટ્ય વેદ બનાવેલો જેમાં નૃત્ય અને સંગીતનો પણ સમાવેશ થાય છે. હજારો વર્ષોથી મંદિરોમાં ભગવાનની આરાધના રૂપે આ નૃત્ય દેવદાસી વર્ગ કરતો તેથી તે વખતે ભરતનાટ્યમને દાસી આટમ એવું નામ આપવામાં આવેલું હિન્દુ ધાર્મિક વિધિઓને પૂરી કરવા માટે પણ આ નૃત્ય કરવામાં આવતું.

હાલના સમયમાં ભરતનાટ્યમનું જે સ્વરૂપ જોવા મળે છે તે વર્ષોના પ્રયત્નો બાદ સુધારેલું અને નૃત્યના ઉચ્ચ સ્તર વાળું એક નૃત્યનું સ્વરૂપ છે જેની રચના ચાર પીલે ભાઈઓએ કરી છે. આ કલા ધર્મ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલ છે જેમાં આધ્યાત્મિકતા છે. ભક્તિભાવથી છલોછલ અને શુદ્ધ શાસ્ત્રીયતા છે, વિચારોનું ઊંડાણ છે અને પરમાત્મા તથા આત્માના ઐકયની ઝંખના છે. આ નૃત્ય કલામાં ભાવ રાગ અને તાલ આ ત્રણ કલાનો સમાવેશ થાય છે. આ નૃત્ય કલા વિવિધ અંગોમાં વિભાજેલી છે જેમાં રાગ તાલ અભિનય નૃત્ય મુદ્રાઓ અને રંગોમાં વ્યક્ત થાય છે. આ નૃત્ય કલા આનંદ અને ભાવનાઓથી સમૃદ્ધ હોવાથી વ્યક્તિના મન સુધી પહોંચી જાય છે.

અલારીપ્પુ

ભરતનાટ્યમ નૃત્યની શરૂઆત અલારીપ્પુ થી કરવામા આવે છે. અલારીપ્પુ નો શાબ્દિક અર્થ "ખીલેલું પુષ્પ" થાય છે. પૂજામાં જેમ દેવી દેવતાઓને પુષ્પ ધરાવીએ છીએ તેમ નૃત્યાંગના તેનું નૃત્ય રૂપી પ્રથમ પુષ્પ આરાધ્ય દેવ નટરાજને સમર્પિત કરે છે.

જતીસ્વરમ

જતીસ્વરમ એટલે જેમાં ‘જતી’,એટલે કે નૃત્યના બોલ અને ‘સ્વર’, સંગીત ના સ્વર , બંનેનું મિશ્રણ કરવામાં આવ્યું છે. આ કૃતિમાં અભિનય હોતો નથી પરંતુ તે ફક્ત આગવી સુંદરતા માટે ઝમક લાવવા કરવામાં આવે છે.

તિલ્લાના

તિલ્લાના કાર્યક્રમની સમાપ્તી માં કરાઈ છે તિલ્લાના કૃતિમાં તાલની રમઝટ સુંદર રીતે રજુ કરવામા આવે છે . આ કૃતિ દ્વારા મયુરા હસ્ત નો ઉપયોગ થાય છે જે શ્રીકૃષ્ણના મુગટ પર મોરના પિછાને દર્શાવે છે.આમાં શ્રીકૃષ્ણની સુંદરતાનું વર્ણન કરવામાં આવે છે.

નટેશ કૌત્વમ

આમાં નૃત્યના દેવ નટરાજને પૂજવામાં આવે છે. ભગવાન શિવના સ્વરૂપ અને પ્રતિમા નું વર્ણન કરવામાં આવે છે જેને ઋષિઓ અને અસુરો દ્વારા પૂજવામાં આવે છે.

શિવપદમ

સપ્ત સ્વરસ એટલે કે સંગીતના સાત સ્વરો કે જે પ્રકૃતિમાં વિવિધ પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલા અવાજ માંથી લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જેમાં વિવિધ ગ્રહો અથવા ગ્રહોની પ્રણાલીઓ તેમજ આપણા શરીરના સાત ચક્રો અથવા ઊર્જા વર્તુળો સાથે પણ સંકળાયેલા છે. તેથી જીવન સાથે સંગીત સંકળાયેલું છે આ કૃતિ શિવપદમ થી ઓળખાય છે.

મંગલમ

વિના વિધ્ને મંગલ કાર્ય નૃત્યનો કાર્યક્રમ પૂર્ણ થાય તે બદલ શ્રીરામને અનુલક્ષીને ત્યાગરાજ રચિત કૃતિ એટલે મંગલમ, ભરતનાટ્યમના કાર્યક્રમની પુર્ણાહુતી આ કૃતિ દ્વારા કરવામાં આવે છે. જેમાં ઈશ્વર, દ્રશ્ય અદ્રશ્ય જળ જમીન આકાશ તમામને પ્રાર્થના કરવામાં આવે છે.

અહેવાલ : સાગર ઠક્કર, જુનાગઢ

આ પણ વાંચો : ગુજરાતમાં AAP ને વધુ એક મોટો ઝટકો!, કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓ ભગવો ધારણ કરે તેવી શક્યતા

Tags :
damodar kundGujaratJunagadhkala aradhana mohotsavMayorMLAprogram
Next Article