દાહોદ: માણેકચોક વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે 4 લોકોને કચડી નાખ્યા
અહેવાલ - સાબીર ભાભોર, દાહોદ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ચોતરફ દારૂનો વેપાર ધમધમી રહ્યો છે. દારૂનુ સેવન કરનારા નશામાં ધૂત થઈ બેફામ વાહનો હંકારતા પણ જોવા મળે છે. અને નશામાં ધૂત થઈને લથડતાં જઈને જતા લોકો પણ જોવા મળે છે.
ત્યારે એવું થાય છે કે ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કે ખાલી કહેવા પૂરતી દારૂબંધી છે. આનું જ ઉદાહરણરૂપ ઘટના દાહોદ શહેર માં મોડી રાત્રે જોવા મળી કે જ્યાં રાત્રીના સમયે લોકો ફરવા માટે નીકળતા હોય છે.
તેવા સમયે માણેકચોક વિસ્તાર માં દારૂના નશામાં ધૂત ઈકો કારના ચાલકે રસ્તાની બાજુમાં ઉભેલા ચાર લોકોને કચડી નાખી બાજુમાં આવેલ પાનના ગલ્લાને અને એક મોપેડનો પણ ખુરદો બોલાવી દીધો હતો. અકસ્માત સર્જાતા આસપાસથી લોકો દોડી આવતા કારમાં સવાર ત્રણ યુવકો પૈકી બે યુવકો ફરાર થઈ ગયા હતા. જ્યારે એક યુવક લોકોના હાથે ઝડપાઈ જતાં લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.
ઈજાગ્રસ્ત ચારેય યુવકોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેમાંથી બે યુવકોની હાલત વધુ ગંભીર જણાતી હતી. ઘટનાની જાણ પોલીસને કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર ચલાવનાર યુવક ને તેમજ કારને પોલીસ મથકે લઇ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો - હિમાલયમાં નિશુલ્ક માઉન્ટેનિયરીંગ કોર્સનું આયોજન કરાયું