રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ભુજ ખાતે 'દેશજ' મહોત્સવનો રંગારંગ શુભારંભ
સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારની સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના સંયુક્ત ઉપક્રમે તા. ૯ થી ૧૧ માર્ચ દરમિયાન ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે યોજાયેલા લોકકલાના મહોત્સવ 'દેશજ'નો ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યપાલના હસ્તે 'દેશજ'નો શુભારંભ
'દેશજ' મહોત્સવના શુભારંભ પૂર્વે રાજ્યપાલશ્રીએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી હતી. 'દેશજ'નો શુભારંભ કરાવતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જીવન ઉતાર-ચડાવનું નામ છે. સુખ અને દુઃખ, ભોગ અને ત્યાગ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ ચીજો એકબીજા સાથે જોડાયેલી છે. માનવ એક એવું વ્યક્તિત્વ છે જે દરેક પ્રકારની આપદાઓને આશામાં બદલવાનું સામર્થ્ય ધરાવે છે. એકસમયે વિનાશથી ભાંગી પડેલું ભુજ આજે વિકાસથી લોકોના માનસ પટલ ઉપર દૈદીપ્યમાન બનીને ઊપસી આવ્યું છે. કચ્છ જિલ્લાનો ખૂબ વિકાસ થયો છે. "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા" આ વિચાર અહીંના નાગરિકોની સરળતા, સૌમ્યતા અને પરિસ્થિતિઓની સાથે તાલમેલ કરવાની ક્ષમતાને દર્શાવે છે.
નાટક અને સંગીત એક એવી વિદ્યા છે જે લોકોના મન અને આત્માને સંતૃપ્ત કરે છે
ભુજ ખાતે સ્મૃતિવન પરિસરમાં 'દેશજ' કાર્યક્રમના આયોજનને બિરદાવતાં રાજ્યપાલએ જણાવ્યું કે, આ મહોત્સવમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો પોતાની કલાનો પરિચય આપીને કલાપ્રેમીઓને મનોરંજન પુરું પાડશે. ભૌતિક વિકાસની સાથે લોકોના જીવનમાં તણાવ વધી રહ્યો છે. ભારતીય જીવન મૂલ્યો જે આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ હતા, આ પ્રકારના મૂલ્યો હવે ઘટી રહ્યા છે. વ્યક્તિ વિષાદથી નીકળીને પોતાના જીવનને આનંદ અને સુખથી આહલાદક બનાવી શકે એવા અવસરો જ જીવનને મજબૂતી આપે છે. નાટક અને સંગીત એક એવી વિદ્યા છે જે લોકોના મન અને આત્માને સંતૃપ્ત કરે છે.
રાજ્યપાલ દેવવ્રતએ વધુમાં ઉમેર્યું કે, સંગીત આપણી જીવનશૈલીનો પરિચય આપે છે. સમાજની પરિસ્થિતિ અને ચિંતનને પ્રસ્તુત કરે છે. નાટક ખૂબ જ ગંભીર વિષયને સરળ બનાવીને મોટી મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આપે છે. કલાકારો રાષ્ટ્ર અને સમાજની મહત્વની પૂંજી છે. આ કલાકારો આપણા સાંસ્કૃતિક મૂલ્યોને બચાવવા ધરોહર સ્વરૂપે કામગીરી કરે છે. જે દેશમાં કલા અને સંસ્કૃતિનું સન્માન થતું હોય, સાહિત્યનું સન્માન થતું હોય ત્યાં આવનારી પેઢીઓ મજબૂતીથી મુસીબતનો સામનો કરવા સક્ષમ બને છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતના લોકોની વિચારધારા અને સાંસ્કૃતિક મૂલ્યોને ઊંડી સમજણ ધરાવે છે - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
વડાપ્રધાનના નામનો ઉલ્લેખ કરીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતના લોકોની વિચારધારા અને સાંસ્કૃતિક મૂલ્યોને ઊંડી સમજણ ધરાવે છે. વિવિધતામાં એકતા, એક ભારત શ્રેષ્ઠ-ભારત બનાવવાની દિશામાં 'દેશજ' મહોત્સવ મહત્વનો બની રહેશે. ભારતની સંસ્કૃતિ હંમેશા ઉદારવાદી રહી છે, ભારતીયોએ દુનિયાને પોતાની માની છે. સમગ્ર દુનિયાને પોતાના પરિવાર માનવાનું ચિંતન ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતીય લોકસંગીત, નાટ્ય અને સાહિત્ય વિશ્વને પ્રેરણા આપનારું છે તેમરાજ્યપાલએ ઉમેર્યું હતું.
સંગીત નાટક અકાદમી, નવી દિલ્હીના અધ્યક્ષા ડૉ. સંધ્યા પૂરેચાએ સ્વાગત પ્રવચન કરીને રાજ્યપાલ સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકાર આપ્યો હતો. તેઓએ સ્વાગત કરતાં જણાવ્યું કે, વડાપ્રધાનના આગેવાનીમાં ભારતનો કલાક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. સંગીત નાટક અકાદમી, નવી દિલ્હીના ઉપાધ્યક્ષ જોરાવરસિંહ જાદવે કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી.
'દેશજ' મહોત્સવ દરમિયાન દેશભરના ૧૪ રાજ્યોના ૫૦૦ કલાકાર પોતાની કલાનું પ્રદર્શન ભુજના આંગણે કરશે. આજે પ્રથમ દિવસે ચરી, ગજિયો, ફાગ, પંથી, ડાંગી, માથુરી, ભાંગડા, રાઠવા, ગોફ રાસ પ્રસ્તુત કરાયા હતા. આ પ્રસંગે ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, કચ્છ કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ - કૌશિક છાંયા
આ પણ વાંચો : ડો. મનસુખભાઇ માંડવીયાનું ગોંડલ ખાતે કરાયું ભવ્ય સ્વાગત, વાંચો અહેવાલ