BHUJ : મોટી રોહાતડ ગામે એક જ સપ્તાહમાં 4 બાળકોના મોત, ટાકાનું પાણી પીવાથી મોત થયાનું ગ્રામજનોનો આક્ષેપ
- BHUJ ના મોટી રોહાતડ ગામે એક જ સપ્તાહમાં 4 બાળકોના મોત થયા છે
- ટાકાનું પાણી પીવાથી મોત થયાનું ગ્રામજનોનો આક્ષેપ છે
- કેવા સંજોગોમાં મોત થયું છે તે જાણવા તાત્કાલીક તપાસની માંગ કરાઈ છે
ભુજ (BHUJ) તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા મોટી રોહાતડ ગામે અઠવાડિયામાં 4 બાળકોના મોત થતા ગામમાં ઉચાટ ફેલાઈ ગયો છે. જ્યારે બાળકો સહિત 7 લોકો સારવાર માટે હજુ જી.કે.જનરલ હોસ્પિટલમાં (G.K GENERAL HOSPITAL) દાખલ હોવાનુ જાણવા મળ્યું છે. બનાવને પગલે આરોગ્ય વિભાગની ટીમે ગામમાં સર્વે કર્યો હતો અને ઘરોઘર સર્વે,કલોરીનેશન સહિતના રોગ અટકાયતી પગલાં હાથ ધરવામાં આવ્યા છે. ગામના સરપંચ જુમાભાઈ એ.સમા દ્વારા આરોગ્ય કમિશનરને લેખીત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે, રતડીયા જૂથ ગ્રામ પંચાયત હસ્તકના મોટી રોહાતડ ગામે રોગચાળો ફેલાયો છે. જેમાં ગામના 6 વર્ષીય સાયભા ક્યુમ કરીમ સમા,3 વર્ષિય જાસ્મીનબાઈ રસીદ સમા,મોડ સીધીક સમા અને વસીમ અબ્દુલ કરીમ સમા નામના બાળકોના મોત થયા છે. જ્યારે 4 બાળકો સહિત 7 લોકો સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ અને ખાવડા સીએચસીમાં દાખલ છે.કેવા સંજોગોમાં મોત થયું છે તે જાણવા તાત્કાલીક તપાસની માંગ કરાઈ છે.
ગામમાં છે 400-500 લોકોની વસ્તી
~ ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલ રોહાતળ ગામે એક સપ્તાહમાં ચાર બાળકોના મોત
~ ટાકાનું પાણી પીવાથી મોત થયાનું ગ્રામજનોનો આક્ષેપ
~ આરોગ્ય વિભાગ દ્વારા પાણીના ટાકામાંથી સેમ્પલ લઈને તપાસ શરૂ કરાઇ@KutchDdo#Bhuj #Kutch #BreakingNews— Gujarat First (@GujaratFirst) August 28, 2024
ગામના અગ્રણી અભાનભાઇ સમાએ દુષિત પાણીના કારણે બનાવ બન્યો હોવાની ભીંતિ વ્યક્ત કરી યોગ્ય તપાસ કરવા માંગ કરી હતી સાથે ગામના જુણસભાઈ સીદીક અને સીદીક ખલીફાએ આ બાબતે તંત્રમાં રજુઆત કરી હોવા છતાં પગલાં ન લેવાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.દરમ્યાન જિલ્લા તંત્રની સુચના અન્વયે મંગળવારે આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે ગામમાં દોડી ગઈ હતી અને સ્થાનિકો પાસેથી હકીકત જાણવા સાથે જી.કે.જનરલ હોસ્પિટલમાં દર્દીઓના રીપોર્ટ મેળવી કલેક્ટર સમક્ષ તપાસ અહેવાલ રજૂ કરવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યું છે.જિલ્લા તંત્ર દ્વારા મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે.મહત્વનું છે કે, મોટી રોહાતડ ગામની વસ્તી અંદાજે 400 થી 500 જેટલી છે નજીકમાં આવેલા સિંચાઈ યોજનાના બાંડી ડેમ મારફતે ગામમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.આ ડેમમાં જળચર તેમજ પશુઓના મૃતદેહ તરતા હોવા બાબતે અગાઉ રજુઆત કરવા છતાં કોઇ પગલાં ભરાયા નથીનો આક્ષેપ પણ કરાયો છે ત્યારે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે.
CHC અને PHCમાં ડોકટરો હાજર રહેતા નથી
આ દરમિયાન BHUJ ના રતડીયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય કમિશનર સમક્ષ રજૂઆત કરાઈ છે કે, ગામમાં ફેલાયેલા રોગચાળા બાબતે તાત્કાલિક આરોગ્યની ટીમો ઉતારી વધુ રોગ ન ફેલાય તે બાબતે તપાસ કરવામાં આવે તેમજ બીમાર લોકોને સારવાર આપવામાં આવે.આ સાથે ખાવડા સીએચસીમાં ઘણી વખત રાતના સમયે ડોક્ટરની ગેરહાજરીના કારણે બીમાર દર્દીઓને સારવાર મળતી નથી તેમજ હાલાકી ભોગવવી પડે છે જેથી ખાવડા સીએસસી અને દિનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાત્રે ડોક્ટર મૂકવામાં આવે તેવી માંગ કરાઈ છે રોગચાળા પાછળનું કારણ જાણી પગલા ભરવા માંગ કરાઈ હતી.
5-6 કલાકમાં તબિયત ખરાબ થતા મોત થતા ચિંતા વધી
બાળકને તાવ,ઝાડા-ઉલટી થયા બાદ 5-6 કલાકમાં તબિયત ખરાબ થતા મોત થયું હોવાનું લોકોએ જણાવ્યું છે, જેથી તબીબોની ટીમ સચોટ કારણ જાણવા તપાસમાં પરોવાઇ છે.
સેમ્પલ તપાસ માટે મોકલાયા છે: DDO
ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખે જણાવ્યું કે,બનાવની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર મોકલી તપાસ કરવામાં આવી છે.ગામમાં 73 ઘર છે જ્યાં સર્વે કરાયો છે જેમાં એક જ ફળિયામાં મોતના બનાવ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. સેમ્પલ એકત્ર કરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવતા સચોટ કારણ જાણવા મળશે.હાલમાં વધુ કોઈ વ્યક્તિ બિમારીનો શિકાર ન બને એ દિશામાં કાર્ય કરવા આરોગ્ય વિભાગને સૂચના અપાઈ છે.
સારવાર અર્થે દાખલ 7 દર્દીની માહિતી
60 વર્ષિય હુસેન ખેંગાર સમા,50 વર્ષીય કરીમાબાઈ હાસમ સમા,17 વર્ષીય નસીમાબાઈ અલી સમા,40 વર્ષિય હૂરબાઈ અબ્દુલ્લા સમા, 8 વર્ષિય જલાલ ઓસમાણ સમા,1 વર્ષીય વસીમ અસરફ સમા અને 12 વર્ષિય અનસ હાજી સમા.
અહેવાલ : કૌશિક છાંયા
આ પણ વાંચો : VADODARA : NDRF ની ટીમે સગર્ભાને ઉગારી, કડક હજારમાં છત નજીક પહોંચ્યું પાણી