VADODARA : રોકડા માંગતા લારીધારક પર ધારીયાના ઘા, 8 ટાંકા લેવા પડ્યા
VADODARA : વડોદરાના સાવલી પોલીસ મથક વિસ્તાર (SAVLI POLICE STATION) માં શેરડીના રસની (SUGARCANE JUICE) લારીના સંચાલકે ગ્રાહક પાસેથી રોકડા રૂપિયા (CASH MONEY) માંગતા મામલો બિચક્યો હતો. યુવાનોએ લારીધારક પર ધારીયા વડે ઘા કરતા તેમને માથે ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવાનોએ આટલેથી નહિ અટકતા લારી પણ ઉંધી વાળી દીધી હતી. અને તેમના પત્ની જોડે પણ ગેરવર્તણુંક કરી હતી. આખરે સમગ્ર મામલે પોલીસ મથક પહોંચ્યો છે.
કેટલા રૂપિયા થયા ? સ્કેનર છે ?
સાવલી પોલીસ મથકમાં નિલેશકુમાર રમણભાઇ ચાવડા (રહે. રાસાવાડી, સાવલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ સાંચી અંબામાતા મંદિર આગળ શેરડીના રસની લારી થકી ગુજરાન ચલાવે છે. તાજેતરમાં તેઓ તેમની પત્ની અલ્પાબેન સાથે સવારના સાડા દસ વાગ્યે જગ્યા પર આવી ગયા હતા. અને લારી શરૂ કરી દીધી હતી. દરમિયાન સાંજે પોણા પાંચ વાગ્યે લારી પર વનરાજસિંહ જશવંતસિંહ પરમાર અને કરણસિંહ દલપતસિંહ પરમાર (બંને રહે. બાલાનાપુરા, સાવલી) તથા અન્ય યુવક લારી પર આવ્યા હતા. તેમણે ત્રણ ગ્લાસ શેરડીનો રસ પીધા બાદ કહ્યું કે, અમારા કેટલા રૂપિયા થયા ? તમારી પાસે સ્કેનર છે ? જેથી તેમણે કહ્યું કે, સ્કેનર નથી. રોકડા રૂપિયા આપવા પડશે.
પૈસાનો બુચ મારી દઇશું
જે બાદ વનરાજસિંહ અને કરણસિંહે ઉશ્કેરાઇ જઇને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. અને કહ્યું કે, અમે કોઇ ભીખારી નથી, કે તારા પૈસાનો બુચ મારી દઇશું. જે બાદ કરણસિંહે તેમને પાછળથી પકડી લીધા હતા. અને વનરાજસિંહે શેરડી છોલવા માટેનું ધારીયું લઇને માથામાં બે ઘા મારી દીધા હતા. દરમિયાન તેમના પત્ની વચ્ચે પડતા, તેમને ખુરશી મારી દીધી હતી. બંનેએ આટલેથી નહિ અટકતા બંનેએ લારી ઉંધી વાળી દીધી હતી. અને પ્લાસ્ટીકની ખુરશીઓ પણ તોડી નાંખી હતી.
યુવકો નાસી છુટ્યા
દરમિયાન તેમને માથામાંથી લોહી નિકળતું હોવાનું ધ્યાને આવ્યું હતું. સાથે જ ચક્કર આવતા તેઓ નીચે બેસી ગયા હતા. ઘટનાને લઇને આસપાસના પરિચિતો દોડી આવ્યા હતા. જેને લઇને યુવકો નાસી છુટ્યા હતા. જે બાદ સમગ્ર ઘટનાને લઇને 100 નંબર પર ફોન કરીને જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ ઇજાગ્રસ્તને ખાનગી કારમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં માથામાં 8 ટાંકા લેવામાં આવ્યા છે. આ બબાલમાં તેમને રૂ. 2500 જેટલું નુકશાન પહોંચ્યાનો અંદાજ છે.
નોંધાઇ ફરિયાદ
આખરે ઉપરોક્ત મામલે વનરાજસિંહ જશવંતસિંહ પરમાર અને કરણસિંહ દલપતસિંહ પરમાર (બંને રહે. બાલાનાપુરા, સાવલી) સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -- VADODARA : BJP ના રોડસાઇડ લગાવેલા બેનરો ફાડતા વિવાદ