VADODARA : BJP MLA એ કલેક્ટરને પત્ર લખ્યા બાદ મામલે શહેર પ્રમુખનું મોટુ નિવેદન
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL) દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી. પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, પત્રમાં તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં એન. એ.ના હુકમો, નવી શરતની જમીનમાં પ્રિમિયમના હુકમો, બિનખેડુતને ખેડુત ગણી જમીનના હુકમો, તથા સરકારી જમીનો અન્ય વ્યક્તિઓને આપી કરેલા હુકમો જેવા કેસોને ચકાસણી કરી રીઓપન કરવા અને તેનો રીપોર્ટ – 7 દિવસમાં જાહેર કરવા જણાવ્યું છે. જેને લઇને ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બાદ હવે આ મામલે જિલ્લા કલેક્ટર અને શહેર ભાજ પ્રમુખના નિવેદન સામે આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખના નિવેદનના કારણે રાજનિતીક ગરમાવો આવ્યો છે.
તેઓ આગેવાની લે, નેતૃત્વ આપે
શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ જણાવે છે કે, વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ ભાઇ પટેલે તેમણે વર્તમાન પત્ર દ્વારા જાણવા મળ્યું કે, ખુલ્લો પત્ર લખ્યો છે. તેમના પત્રમાં એનએ અને જમીનના સંદર્ભમાં વાતો મુકી છે. વડોદરા શહેરના ઘણાબધા સળગતા પ્રશ્નો એવા છે જેમની તેમના દ્વારા યોગ્ય જગ્યા પર રજુઆત થાય તેવી અમારી લાગણી અને વિનંતી છે. વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે, કેટલાય સમયથી તેની માટે કામ કરવા માટે રજુઆત કરતા આવ્યા છીએ. ભૂતકાળમાં મુખ્યમંત્રી અને અન્ય કક્ષાએ જે કંઇ રજુઆતો પાર્ટી, સંગઠન, ચૂંટાયેલા પ્રતિનિધીઓના માધ્યમથી થઇ છે, તેમાં પણ તેઓ હાજર રહ્યા છે. તેવા જે કોઇ કામમાં પણ તેઓ આગેવાની લે, નેતૃત્વ આપે, અને બાકીના કામો પૂર્ણ થાય તેવી મારી તેમને વિનંતી છે.
રેન્ડમલી ચેકિંગ કરાશે
ધારાસભ્યના પત્ર અંગે જિલ્લા કલેક્ટર બીજલ શાહે કહ્યું કે, પત્ર મળ્યો છે, પણ પુરાવા મળ્યા નથી. ફાઇલોમાં ભૂલ થઇ છે કે નહિ તેની તપાસ કરાશે. ભૂલ ઇરાદાપૂર્વક થઇ છે કે નહિ તેની પણ તપાસ થશે. 3 વર્ષના કેસો છે. રેન્ડમલી ચેકિંગ કરાશે. ક્ષતિ થઇ હોય તો કેમ થઇ છે તેની ચકાસણી કરવામાં આવશે.
માત્ર 158 ફાઇલ પાસ કરાઇ
સુત્રોના જણાવ્યા અનુસાર, વિતેલા અઢી મહિનાના સમયગાળામાં જિલ્લા કલેક્ટર કચેરીમાં મોકલવામાં આવેલી 1370 માંથી 1189 ફાઇલને નકારાત્મક અભિપ્રાય આપી રોકી દેવાઇ, જ્યારે માત્ર 158 ફાઇલ પાસ કરાઇ છે. હવે આ મામલે ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યા બાદ આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : “સરકારને કરોડોનું નુકશાન થયું”, BJP MLA નો કલેક્ટરને પત્ર