VADODARA : શાળા સંચાલકોનું મંડળ મ્યુનિ. કમિશનરને મળ્યું, અનેક મુદ્દે કરી રજૂઆત
VADODARA : રાજકોટ ગેમઝોન દુર્ધટના બાદ બાદ વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા વિવિધ ટીમો બનાવીને ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં યોગ્ય સર્ટીફીકેટ ન હોય તે પરિસરનો ઉપયોગ બંધ કરવા સીલ મારી દેવામાં આવ્યું છે. જે પૈકી કેટલીક શાળાઓ પણ છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા શાળાઓ પર કરવામાં આવેલી કાર્યવાહીને પગલે સંચાલકોનું મંડળ આજે મ્યુુનિસિપલ કમિશનરને મળ્યું હતું. અને પોતાના વિવિધ પ્રશ્ને રજુઆત કરી હતી. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંચાલકોને મદદ કરવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી.
સમય મર્યાદા આપો
વડોદરા શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ આર. સી. પટેલ જણાવે છે કે, અમારી માંગણી છે કે, પાલિકા, ફાયર ડિપાર્ટમેન્ટ, વિજ કંપનીના અધિકારીઓ દ્વારા બિનજરૂરી ડોક્યૂમેન્ટ્સ માંગવામાં આવી રહ્યા છે. તેની જગ્યાએ માત્ર જરૂરી ડોક્યૂમેન્ટ્સ માંગવામાં આવે. અને તાત્કાલીક ન માંગે, અમને સમય મર્યાદા આપો. સમયમર્યાદામાં જરૂરી ડોક્યૂમેન્ટ્સ આપવા માટે અમારી રજૂઆત છે. કોર્પોરેશન બીયુ સર્ટીફીકેટ આપે છે. તે આપવાની શરૂઆત કચ્છમાં ધરતીકંપ આવ્યા બાદ વર્ષ 2001 માં કરવામાં આવી હતી. તે પહેલાની શાળાઓ પાસે તે સર્ટીફીકેટ કેવી રીતે હોય. જે શાળા પાસે તે સર્ટીફીકેટ ન હોય તો તે કેવી રીતે મેળવી શકે તે જણાવો, તેઓ મેળવી લેશે. જો તેમ ન થાય તો અમે જે સ્ટેબીલીટી સર્ટીફીકેટ આપીએ તે માન્ય રાખો.
એક સાથે બધા તુટી પડ્યા છે.
વધુમાં તેઓ જણાવે છે કે, સરકારના જાહેરનામા બાદ જેણે ફાયર એમઓસી લીધી છે. તેની માન્યતા પ્રથમ એનઓસી માટે ત્રણ વર્ષ અને રીન્યુ માટે બે વર્ષની છે, તેને માન્ય રાખો. તાત્કાલીક બધુ ન માંગો, સમય મર્યાદા આપો. તો અમે ડોક્યૂમેન્ટ્સ પુરા પાડી શકીએ. બીજી એક મુખ્ય વાત એ પણ છે કે, અત્યારે કોઇ શાળાએ ફાયર સેફ્ટીનું કામ કરાવવું હોય તો એક પણ વેન્ડર નવરો નથી. રાજ્યભરમાં એક સાથે બધા તુટી પડ્યા છે. અમે બધુ કામ કરાવવા માટે તૈયાર છીએ. સરકાર શાળા બંધ કરાવવાનું કહેશે તો અમે બંધ કરી દઇશું.
તો કોઇ વાંધો નથી
મ્યુનિસિપલ કમિશનર જણાવે છે કે, પાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી, તે સંદર્ભે તેઓ આવ્યા હતા. અમે તેમને બીયુ અને ફાયર સર્ટીફીકેટ મેળવવા માટે મદદ કરીશું. તેમના પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે. શાળા સંચાલકોએ કીધું કે પાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. તેમને સમજ આપી કે, આ કામગીરી છે. અમારૂ કામ ચેકીંગ કરવાનું છે. તે માટે ફાયર, બીયુ, વગેરે યોગ્ય હોય તો કોઇ વાંધો નથી. અમે જ્યારે બીલ્ડીંગ સીલ કરીએ છીએ, તેવા કિસ્સાઓમાં બીયુ સ્ટીફીકેટ તો લેવું જોઇએ. ફાયરનું એફીડેવીટ આપી, અને સિસ્ટમ બેસાડવાનું શરૂ કરે, અઠવાડિયાની તેમની જવાબદારી સાથે અમને લાગે કે તેઓ તકેદારી રાખી રહ્યા છે તો અમે ખોલવાની મંજુરી આપતા હોઇએ છીએ. અમે તેમને તમામ રીતે મદદ કરવા માટે તૈયાર છીએ.
આ પણ વાંચો -- VADODARA : મેગા નેશનલ લોક અદાલતમાં કયા કેસો મુકી શકાશે, જાણો વિતગવાર