VADODARA : NEET પરીક્ષા ચોરી કૌભાંડ મામલે રોય ઓવરસીઝની ઓફિસ સીલ
VADODARA : ગતરોજ પંચમહાલમાં મેડીકલ એન્ટ્રન્સ માટેની નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ (NEET EXAM SCAM) સામે આવ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદમાં વડોદરાના રોય ઓવરસીઝના પરશુરામ રોયની સંડોવણી પણ ખુલતા ગતરોજ વડોદરા એસઓજી (VADODARA SOG) દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ મોડી સાંજે પંચમહાલ એસઓજી (PANCHMAHAL SOG) દ્વારા ઓફિસ સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મામલે અન્ય આરોપી તુષાર ભટ્ટના નિવાસ સ્થાને ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ની ટીમ પહોંચી હતી. તેમની પત્નીએ જણાવ્યું કે, તેમના પતિ આવું ન કરી શકે.
ઓફિસેથી જ સંચાલકની અટકાયત
રાજ્યના ગોધરા-પંચમહાલમાં મેડીકલ એન્ટ્રન્સ એક્ઝામ નીટમાં ચોરી કરાવવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે પૈકી એક વડોદરાની રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોય છે. ફરિયાદ નોંધાયા બાદ વડોદરા એસઓજી એક્શનમાં આવી હતી. અને રોય ઓવરસીઝની ઓફિસેથી જ સંચાલક પરશુરામ રોયની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ પંચમહાલ એસઓજી દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણળા મળી રહ્યું છે.
મોટા માથાઓની સંડોવણી
ગત મોડી સાંજે પંચમહાલ એસઓજીની ટીમ વડોદરાની રોય ઓવરસીઝ ખાતેની ઓફિસે આવી પહોંચી હતી. ટીમે ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે હાજર કર્મચારીઓને નિવેદન પણ લેવામાં આવ્યા છે. બાદમાં ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. આ મામલે આવનાર સમયમાં મોટા માથાઓની સંડોવણી ખુલે તો નવાઇ નહિ. સાથે જ ઘણી સોંકાવનારી બાબતો સામે આવવાની શક્યતાઓ હાલ સેવાઇ રહી છે.
પ્રક્રિયાને લઇને અનેક સવાલો
હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. ગતરોજ જિલ્લાના ઉચ્ચ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી સંદર્ભે તપાસ કરવામાં આવતા નીટની પરીક્ષામાં ચોરીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ ઘટનામાં હાલ તબક્કે ત્રણ લોકોની સંડોવણી સામે આવતા ફરિયાદ નોંધામાં આવી છે. આ ઘટનાને લઇને નીટની પરીક્ષાની પ્રક્રિયાને લઇને અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
પરશુરામ રોય અને તુષાર ભટ્ટ એકબીજાના મિત્રો
નીટ પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે આરોપી તુષાર ભટ્ટના વેમાલી રોડ સ્થિત નિવાસ સ્થાને ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ની ટીમ પહોંચી હતી. તુષાર ભટ્ટના નિવાસ સ્થાને તેમના માતા-પિતા અને બાળકો મળી આવ્યા હતા. આરોપી તુષાર ભટ્ટની પત્નીએ જણાવ્યું કે, તુષાર આવું ના કરી શકે, તેને ફસાવવામાં આવ્યો છે. મારા પતિ ઘણા વર્ષેથી શિક્ષકની નોકરી કરે છે. આજદિન સુધી આવી કોઇ ઘટના બની નથી. મારા પતિએ આવું કર્યું એ મને ખબર નથી. પરશુરામ રોય અને તુષાર ભટ્ટ એકબીજાના મિત્રો છે. હાલમાં તુષાર ક્યાં છે તેની કોઇ ખબર નથી. તુષારને લઇને પરિવાર ચિંતીત છે.
આ પણ વાંચો -- VADODARA : માતાએ યુવકને પકડી રાખ્યો, પુત્રએ બેરહેમીપૂર્વક ઝીંક્યા ચપ્પુના ઘા