VADODARA : દૂધ આપવા નિકળેલા વૃદ્ધ એમ્બ્યુલ્સની અડફેટે ગંભીર ઇજાગ્રસ્ત
VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુરમાં સવારે દૂધ કેન્દ્ર ચલાવતા સાથે જ દૂધની થેલીની ડિલીવરી ઘરે કરતા વૃદ્ધ એમ્બ્યુલન્સની અડફેટે ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં એમ્બ્યુલન્સ ચાલક ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં મુકીને જતો રહ્યો હતો. હાલ ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધ ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગ્રાહકોના ઘરે આપવા ગયા
માંજલપુર પોલીસ મથકમાં દિપ ભૂપેન્દ્રભાઇ શાહ (રહે. શ્રેયસ સ્કુલ પાછળ, મકરપુરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે વર્ક ફ્રોમ હોમ નોકરી કરે છે. અને તેના પિતા ભૂપેન્દ્રભાઇ સરસ્વતીચંદ્ર શાહ (ઉં.66 ) સાથે રહે છે. પિતા દૂધ વેચાણ કેન્દ્ર ચલાવે છે, અને દૂધની ડિલીવરી કરવા માટે પણ જાય છે. 15 જુલાઇના રોજ સવારે ભૂપેન્દ્રભાઇ સવારે પાંચ વાગ્યે દૂધ કેન્દ્ર પરથી થેલીઓ ભરીને ગ્રાહકોના ઘરે આપવા ગયા હતા.
ખાનગી દવાખામાં લઇ જવાયા
દરમિયાન કુબેર તળાવ પાસે રસ્તો ક્રોસ કરવા જતા સવારે 7 વાગ્યે મકરપુરા શ્રેયસ સ્કુલ ત્રણ રસ્તા તરફ જવાના રોડ પર એક એમ્બ્યુલન્સે પુર ઝડપે આવીને તેમના ટુ વ્હીલરને જોરમાં ટક્કર મારી હતી. જેમાં તેઓ રસ્તા પર પડી ગયા હતા. ઘર નજીક હોવાથી આ અંગેની જાણ થતા તેઓ દોડી ગયા હતા. સ્થળ પર જોતા ભૂપેન્દ્રભાઇ રસ્તા પર બેભાન અવસ્થામાં પડેલા મળી આવ્યા હતા. તેમને એમ્બ્યુલન્સમાં ખાનગી દવાખામાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એમ્બ્યુલન્સ ચાલક તેમને મુકીને ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં ભૂપેન્દ્ર શાહને કમરના મણકાતથા પાંસળીઓમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ તેઓ ખાનગી હોસ્પિટલની આઇસીયુ વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે.
વધુ કાર્યવાહી હાથ ધરી
આખરે ઉપરોક્ત મામલે માંજલપુર પોલીસ મથકમાં વાહન નંબરના આધારે ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : નશામાં ધૂત શખ્સે ફોન કરી પોલીસને દોડાવી