VADODARA : શાહીસવારી સાથે નિકળ્યો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો
VADODARA : આજે દેવપોઢી અગિયારસ નિમિત્તે વડોદરા (VADODARA) માં શાહીસવારી સાથે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો છે. પરંપરા અનુસાર, રાજવી પરિવારના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી ઉતારવામાં આવી છે. જેમાં શહેરના અનેક અગ્રણીઓ જોડાયા છે. જે બાદ ભગવાન વિઠ્ઠલનાથજી શાહી રથમાં સવાર થઇને નગરચર્યાએ નિકળ્યા છે. આજે મહોર્રમ પર્વ પણ હોવાથી પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગણેશ જયંતિ પહેલા આજનો દિવસ પોલીસની ખરી કસોટી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આશિર્વાદ લેવા પહોંચ્યા
આજે વડોદરાના માંડવી ખાતેના પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી અષાઢી સુદ એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો પરંપરાગત રીતે નીકળ્યો છે. વરઘોડાના આયોજન માટે મંદિરમાં છેલ્લા કેટલાય દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. આ તકે ભગવાન વિઠ્ઠલનાથજીના આશિર્વાદ લેવા માટે રાજવી પરિવાર, રાજકીય-સામાજીક અગ્રણીઓ પણ જોડાયા છે.
રાજવી પરિવાર દ્વારા પૂજા-આરતી
પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવારના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીની ચાંદીની પાલખીમાં પધરામણી કરવામાં આવી છે. રાજવી પરિવારના મહારાણી શુભાંગીની રાજે ગાયકવાડ સહિત અન્ય સભ્યો દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવી છે. જે બાદ ભગવાનનો વરઘોડો ન્યાયમંદિર, રાવપુરા થઈને કીર્તિ મંદિર ખાતે આવેલા કેદારેશ્વર મહાદેવ ખાતે જવા આગળ નિકળ્યો છે.
ચાર વાગ્યે નીજ મંદિર ખાતે પરત આવશે
સુત્રના જણાવ્યા પ્રમાણે, એકદાશી નિમિત્તે નિકળેલા વરઘોડામાં ભજન મંડળીઓ, બેન્ડવાજા પણ વરઘોડામાં જોડાયા છે. કીર્તિ મંદિરના કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતેથી વરઘોડો બપોરે ચાર વાગ્યે નીજ મંદિર ખાતે પરત આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : કોરોનાકાળ બાદથી ઉદ્ભવેલી સમસ્યાનો અંત