VADODARA : મોડી સાંજે કમાટીબાગના સહેલાણીઓ મોબાઇલ ટોર્ચ લાઇટના ભરોસે
VADODARA : વડોદરાના કમાટીબાગમાં (KAMATI BAUG - VADODARA) મોડી સાંજે મુલાકાતે આવનાર અને મોડી સાંજ સુધી બેસનાર અનેક સહેલાણીઓ મોબાઇલ લાઇટના ભરોસે બેઠેલા જોવા મળ્યા છે. જેને લઇને તંત્રની લાપરવાહી સામે આવવા પામી છે. સહેલાણીનો આરોપ છે કે, અંધારૂ થતા કમાટીબાગમાં જે રીતે લાઇટની વ્યવસ્થા હોવી જોઇએ તે નથી. જેને કારણે અંધારપટ છવાયેલા રહે છે, અને લોકોએ મોબાઇલ લાઇટના ભરોસે રહેવું પડે છે. આ અંગે સત્તાધીશો દ્વારા ત્વરિત પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.
એકબીજા પર જવાબદારી ઢોળવામાં આવી
વડોદરાનું કમાટીબાદ ખુબ જાણીતું છે. કમાટીબાગમાં વધુમાં વધુ સહેલાણીઓ આવે તે માટે અનેકવિધ પ્રકારના આકર્ષણોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. તેવામાં હાલ વેકેશન ચાલતું હોવાથી કમાટીબાગ સહેલાણીઓથી ઉભરાઇ રહ્યું છે. આ વચ્ચે મોડી સાંજ બાદ કમાટીબાગમાં અપુરતી લાઇટની સુવિધાના કારણે સહેલાણીઓ મોબાઇલ ટોર્ચ લાઇટના સહારે રહેતા હોવાનું સામે આવ્યું છે. જેને લઇને કમાટીબાગમાં (KAMATI BAUG - VADODARA) મોડી સાંજે મુલાકાતે આવનાર અને મોડી સાંજ સુધી બેસનાર અનેક સહેલાણીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. આ અંગે કમાટીબાગમાં હાજર જવાબદાર વ્યક્તિઓને જાણ કરતા તેઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાનું સહેલાણી જણાવી રહ્યા છે. વેકેશનમાં વધુ મુલાકાતીઓની અવર-જવરને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરવી જોઇએ, તેવી માંગ પણ ઉઠવા પામી છે.
માણસ એકબીજાને જોઇ શકે તેવું પણ નથી
સહેલાણી હરેશ નાથવાણી જણાવે છે કે, આજે ફેમીલી સાથે છોકરાઓ પરિજનોના ઘરે આવ્યા હોય, ત્યારે વડોદરાના સૌથી ફેમસ કમાટી બાગમાં સાંજે 7 વાગ્યા બાદથી જરૂરી લાઇટ હોવી જોઇએ. પરંતુ માણસ એકબીજાને જોઇ શકે તેટલી પણ લાઇટ નથી. જે પણ સ્ટાફને આ અંગે જાણ કરીએ છીએ તો તેઓ કોઇ સ્પષ્ટ જવાબ આપતું નથી. એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. મારા માનવા મુજબ 5 હજાર જેટલા લોકો આ ગાર્ડનમાં છે. છતાં આ પ્રકારની અવ્યવસ્થા જોવા મળી રહી છે. આ અંગે પાલિકા દ્વારા નક્કર પગલાં લેવા જોઇએ. હું સ્થાનિક રહેવાસી છું, નિયમીત રીતે કમાટીબાગની મુલાકાતે આવતો રહું છું. આ સમસ્યા અવાર-નવાર અનુભવી ચુક્યો છું.
આ પણ વાંચો -- Rajkot : પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ ગળે બ્લેડ ફેરવી દીધી, યુવતીનું મોત