VADODARA : હરણી બોટકાંડ મામલે પોલીસ કમિશનરને કૌભાંડના પુરાવા સોંપાયા
VADODARA : વડોદરામાં 18 જાન્યુઆરી, 24 માં હરણીબોટકાંડની દુર્ઘટના (HARNI BOAT ACCIDENT - VADODARA) માં 14 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ હરણી લેકઝોનના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ હજી સુધી એક પણ અધિકારી સામે કોઇ એક્શન લેવામાં આવ્યા નથી. માત્ર ખાતાકીય તપાસ ચાલી રહી હોવાનું જ સામે આવી રહ્યું છે. તેવામાં પીડિત પરિવારો અને તેમના વકીલ હિતેશ ગુપ્તા દ્વારા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર જોડે મુલાકાત કરીને કૌભાંડ સંબંધિત પુરાવાઓ સુપરત કર્યા છે.
કાર્યવાહીના નામે માત્ર ખાતાકીય તપાસ
રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ અધિકારી અને સંચાલકો બંને સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ, ફાયર કે પછી પાલિકા તમામ જગ્યાએ જવાબદાર અધિકારીઓએ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે તેનાથી વિપરીત વડોદરાના હરણી બોટકાંડમાં માત્ર સંચાલકો સામે કાર્યવાહી કરીને તંત્રએ સંતોષ માણ્યો હોય તેમ લાગી રહ્યું છે. અધિકારીઓ પર કાર્યવાહીના નામે માત્ર ખાતાકીય તપાસ જ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મામલે તાજેતરમાં હાઇકોર્ટનું કડક વલણ સામે આવ્યું છે.
કોઇ પણ પ્રકારના દબાણ વગર કાર્યવાહી
તાજેતરમાં હાઇકોર્ટે અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવા જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ વડોદરા હરણી બોટકાંડમાં પીડિત પક્ષના વકીલ હિતેશ ગુપ્તાએ પીડિત પરિવારના સભ્યો સાથે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરની મુલાકાત લીધી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, પીડિત પક્ષના વકીલ દ્વારા પાલિકાના રેકોર્ડના પુરાવા આપવામાં આવ્યા છે. સાથે જ કૌભાંડના બનાવટી દસ્તાવેજો પણ તેમના ધ્યાને લાવવામાં આવ્યા છે. જેને જોઇ પોલીસ કમિશનર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધારી આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, પોલીસ કોઇ પણ પ્રકારના દબાણ વગર કાર્યવાહી કરશે. પોલીસ કમિશનર જોડેની મુલાકાત બાદ પીડિત પરિવારોમાં ન્યાય મળશે તેવો અહેસાસ થઇ રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : હરણી બોટકાંડમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે ફરિયાદની માંગ