VADODARA : વગર મંજૂરીએ નામકરણ કરાયેલા સર્કલ પર તક્તી ઢંકાઇ
VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં આવેલા યશ કોમ્પલેક્ષ ચાર રસ્તા પાસેના સર્કલ પર પાલિકાની મંજૂરી વગર સર્કલનું નામકરણ કરી તક્તી મારનાર તત્વો સામે ભાજપના કોર્પોરેટર પડ્યા છે. આજે સવારે ભાજપના કોર્પોરેટર નિતિન દોંગા અને શ્રીરંગ આયરે દ્વારા તક્તી પર કેસરીયુ સ્ટીકર મારી દેવામાં આવ્યું છે. અને તક્તી પર લગાડવામાં આવેલું સનસીટી ગ્રુપની તક્તી ઢાંકી દેવામાં આવી છે. આ તકે શ્રીરંગ આયરેએ જણાવ્યું કે, સંસ્કારી નગરીમાં આ પ્રકારનું કૃત્ય યોગ્ય નથી.
કોર્પોરેટર નિતિન દોંગા અને શ્રીરંગ આયરે પહોંચ્યા
વડોદરામાં ચાર રસ્તાઓ પર સર્કલ બનાવીને તેનું ખાનગી લોકો દ્વારા નામકરણ કરવાની પ્રથા ધીરે ધીરે વેગ પકડી રહી છે. શહેરમાં કેટલાય સર્કલ ખાનગી બિલ્ડરોની ફર્મના નામથી ઓળખાય છે. તેવી જ રીતે તાજેતરમાં શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા યશ કોમ્પલેક્ષ ચાર રસ્તા પાસે સુર્યમુખીના ફુલોના સુશોભન સાથેનું સર્કલ બનાવવામાં આવ્યું છે. જેમાં સનસીટી ગ્રુપની ચારેય તરફ તક્તી લગાડવામાં આવી છે. જો કે, આ અંગે તક્તી લગાડનાર દ્વારા પાલિકા પાસેથી કોઇ પૂર્વ મંજૂરી લેવામાં નહિ આવી હોવાનું ધ્યાને આવતા આજે ભાજપના કોર્પોરેટર નિતિન દોંગા અને શ્રીરંગ આયરે પહોંચ્યા છે. અને આ તક્તી પર કેસરી સ્ટીકર મારીને તેને ઢાંકી દેવામાં આવી છે.
આ કોઇ દલાતલવાડીનું ખેતર નથી
આ તકે ભાજપના કોર્પોરેટર નિતિન દોંગા કહે છે કે, કોઇ પણ સર્કલનું નામકરણ કરવું હોય તો સામાન્ય સભાની મંજૂરી લેવી પડે. આમાં કોઇ મંજૂરી લેવામાં નથી. આ કોઇ દલાતલવાડીનું ખેતર નથી, તેવો મેસેજ આપવા માટે નામકરણ ઢાંકી દેવામાં આવ્યું છે. સર્કલ બનાવીને તમે તમારૂ બોર્ડ મારી દો તે ના ચાલે. આ માટેની કોઇ મંજૂરી લેવામાં આવી નથી. આજે અમે બિલ્ડરના નામની તક્તી દબાવી દીધી છે.
નિયમો વિરૂદ્ધ સર્કલ બનાવવામાં આવ્યું
કોર્પોરેટર શ્રીરંગ આયરે જણાવે છે કે, સભામાં મારી રજૂઆત હતી કે, વડોદરા સંસ્કારી નગરી છે, ધર્મપ્રિય નગરી છે. કોઇ પણ બિલ્ડરને સર્કલો વેચી દેવામાં ન આવે. એટલે કોઇ પણ સમાન્ય સભામાં મંજૂરી વગર સર્કલ બનાવી દેવું. નિયમો વિરૂદ્ધમાં આ સર્કલ બનાવવામાં આવ્યું છે. વડોદરામાં હવે બિલ્ડરો સાથે સંકળાયેલા નામોના સર્કલનો ટ્રેન્ડ શરૂ થયો છે. પારેશ્વર મહાદેવના મંદિર નજીકમાં આવેલું હોય, જ્યાં અસંખ્યા લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે આ સર્કલનું નામ પારેશ્વર આપવું જોઇએ. જે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. ગોત્રીને સનસીટીના નામે ઓળખાવવા નહી દઇએ. કોઇ એવું સમજે કે વડોદરા અમારી માલિકીનું છે, તેવું નહી થવા દઇએ.
આ પણ વાંચો -- VADODARA : દોસ્તીનો કર્જ ચૂકવવા પૂર્વ મેયર મોડી સાંજે દોડી આવ્યા