VADODARA : રોંગ સાઇડ અકસ્માત સર્જનાર કાર ચાલક મહિલા લેખિત સમાધાન બાદ ફરી ગઇ
VADODARA : વડોદરામાં છાણી (CHHANI) વિસ્તારમાં કાર ચાલક મહિલાએ બાઇકને અડફેટે લેતા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. જે બાદ ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં અકસ્માત સર્જનાર કારની મહિલા ચાલક પણ હોસ્પિટલમાં આવી હતી. અને બંને પક્ષેે લેખીત કરાર કરવામાં આવ્યા હતા. જે બાદ મહિલા ફરી જતા હવે મામલો છાણી પોલીસ મથકે (CHHANI POLICE STATION) પહોંચ્યો છે. જે બાદ પોલીસે મહિલા સામે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
મહિલા કાર ચાલકે સામેથી ટક્કર મારી
વડોદરાના છાણી પોલીસ મથકમાં વનરાજસિંહ છત્રસિંહ ચાવડા (રહે. શેરખીયા ફળિયુ, લાલ દરવાજા, મોગર-આણંદ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 10 એપ્રિલે તેઓ સવારે છાણી નોકરી પર આવ્યા હતા. અને સાંજે પરત ફરી રહ્યા હતા. તેવામાં જીએસએફસી બ્રિજથી વાસદ તરફ જવાના રસ્તે હાઇવેના સર્વિસ રોડ પર ફર્ટીલાઇઝર નગર ગેટથી થોડેક આગળ જતા રોંગ સાઇડ આવતી મહિલા કાર ચાલકે સામેથી ટક્કર મારી હતી. જેથી તેઓ બાઇક પરથી પડી ગયા હતા. અને ડાબા પગ અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બંને પક્ષે લેખીત સમાધાન કરાર પણ થયો
જે બાદ તેઓેને 108 મારફતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પગે ફ્રેક્ચર થતા ડોક્ટરોએ ઓપરેશન કરાવવા જણાવ્યું હતું. તેવામાં મહિલા કાર ચાલક હિનાબેન રવિંદ્રકુમાર નાગર (રહે. શ્રીનાથ પુરમ, દિપ મલ્ટીપ્લેક્ષ પાસે, નવાયાર્ડ, ફતેગંજ) પણ હોસ્પિટલ આવ્યા હતા. અને અકસ્માતનો ખર્ચ આપવાની તૈયારી દર્શાવી હતી. જે અંગે બંને પક્ષે લેખીત સમાધાન કરાર પણ થયો હતો. જે બાદ મહિલાએ ખર્ચો આપવાની ના પાડતા ફરી ગયા હતા. જેથી હિનાબેન રવિંદ્રકુમાર નાગર (રહે. શ્રીનાથ પુરમ, દિપ મલ્ટીપ્લેક્ષ પાસે, નવાયાર્ડ, ફતેગંજ) સામે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -- VADODARA : રખડતા ઢોર પકડતી પાલિકાની ટીમ સાથે છુટ્ટા હાથે મારામારી