VADODARA : એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપનાર સામે ફરિયાદ
VADODARA : વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) ને ઉડાવી દેવાની ધમકી (THREAT EMAIL) આપનાર શખ્સ સામે એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા હરણી પોલીસ મથક (HARNI POLICE STATION) માં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઇમેલના આધારે શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગતરોજ ધમકીભર્યો ઇમેલ મળતા જ પોલીસ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમો દ્વારા એરપોર્ટ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કંઇ પણ શંકાસ્પદ હાથ ન લાગતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
તમે મરી જશો
વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર પ્રદિપ ડોબરીયાલ દ્વારા હરણી પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, વડોદરા એરપોર્ટ ડાયરેક્ટરના ઇમેલ આઇડી પર 18, જુનના રોજ 12 - 42 કલાકે એક ઇમેલ પ્રાપ્ત થયો હતો. આ ઇમેલ અજાણ્યા આઇડી પરથી મોકલવામાં આવ્યો હતો. તેમાં અંગ્રેજીમાં ઇમેલમાં લખવામાં આવ્યું હતું કે, હેલ્લો, એરપોર્ટમાં સ્ફોટક પદાર્થ છુપાડવામાં આવ્યો છે. બોમ્બ જલ્દી બ્લાસ્ટ થશે. તમે મરી જશો. આ અંગેની ફરિયાદ સ્વરૂપે અરજી હરણી પોલીસ ઇન્સ્પેક્ટરને ઉદ્દેશીને કરવામાં આવી હતી. જેના આધારે ઇમેલ આઇડી ધારક શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ઇમેલ આઇડી ધારક સામે ફરિયાદ
ગતરોજ ઇમેલ મારફતે ધમકીભર્યો સંદેશો મળતા જ વડોદરા પોલીસ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમોએ તાત્કાલીક એરપોર્ટ પર પહોંચીને સઘન તપાસ હાથ ધરી દીધી હતી. તપાસના અંતે કંઇ પણ શંકાસ્પદ હાથ ન લાગતા આખરે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જે બાદમાં વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર દ્વારા હરણી પોલીસ મથકમાં અજાણ્યા ઇમેલ આઇડી ધારક સામે ફરિયાદ નોંધાવી છે. જેના અનુસંધાને પોલીસ તપાસ તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે પોલીસ કેટલા સમયમાં ઇમેલ કરનાર સુધી પહોંચેે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલના OT માં આગ, નજીક દાખલ દર્દીઓ બચાવી લેવાયા