VADODARA : ધંધો ભાંગી પડતા વેપારી વ્યાજચક્રમાં ફસાયા, મિત્રએ પ્રોપર્ટીમાં દાનત બગાડી
VADODARA : તાજેતરમાં મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION - VADODARA) વિસ્તારમાં આવેલી હોટલમાં અમદાવાદના વેપારી દ્વારા આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસ તપાસમાં તેમની પાસેથી સ્યુસાઇડ નોટ રીકવર કરવામાં આવી હતી. જેમાં કોરોના કાળ બાદ ધંધો ભાંગી પડ્યા બાદની કપરી સ્થિતીનો ઉલ્લેખ હતો. તે સમયે બેંકના રીકવરી એજન્ટ, વ્યાજે પૈસા ધીરવાર શખ્સ તથા મિત્ર દ્વારા હેરાનપરેશાન કરવામાં આવ્યા હોવાનો નોટમાં ઉલ્લેખ છે. આખરે ઉપરોક્ત મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાર્ટનરશીપમાં વ્યવસાય કરતા
મંજુસર પોલીસ મથકમાં કિશોરસિંહ હરીસિંહ સરવૈયા (ઉં 50) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના ભાઇ મહાવીરસિંહ અને પરિવાર 15 વર્ષથી અમદાવાદમાં રહેતા હતા. કોરોના કાળ પહેલા તેઓ ચાણક્ય પ્રી સ્કુલની ફ્રેન્ચાઇઝી આપતા હતા. કોરોના કાળમાં તે બંધ થઇ ગઇ હતી. સાથે જ પાર્ટનરશીપમાં કંપની ચલાવી બિલ્ડીંગ મટીરીયલનો વ્યવસાય કરતા હતા.
ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી
22, મે ના રોજ ભાઇના મિત્રનો ફોન આવ્યો અને જણાવ્યું કે, મહાવીરસિંહને ફોન કર્યો, પરંતુ તેઓ ઉપાડતા નથી. અને મેં તેનું લોકેશન જોયું તો વડોદરા આવ્યું હતું. તો હું વડોદરા જાઉં છું. અને તમે પણ વડોદરા ખાતે આવો તેવી વાત થઇ હતી. જેથી તેઓ પણ કાકાના દિકરા સાથે વડોદરા આવવા નિકળી ગયા હતા. રસ્તામાં ફોન આવ્યો અને જાણ થઇ કે, મહાવીરસિંહે દુમાડ સ્થિત હોટલમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે.
પોલીસે ભાઇની સ્યુસાઇડ નોટ બતાવી
બાદમાં બધા એસએસજી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ભુપતભાઇ હાજર હતા. તેમણે બધી વાત જણાવી હતી. ત્યાં હાજર પોલીસે ભાઇની સ્યુસાઇડ નોટ બતાવી હતી. જેમાં પ્રી સ્કુલ ચાલતી હતી. જે કોરોનાને લીધે લાંબા સમય સુધી બંધ રહ્યાના હિસાબથી તેઓ આર્થિક સંકળામણમાં આવેલા અને તેઓ બેંકના હપ્તા પણ ભરી શકતા ન્હતા. અને તેઓએ તમામ બેંકને માહિતગાર કરી હતી. પરંતુ બેંકના અધિકારી અને રિકવરીના માણસો તેમને ખુબ જ માનસીક ત્રાસ આપતા હતા. બેંકના વહેવાર સાચવવા માટે બહારથી વ્યાજે પૈસા લાવેલા એ તમામ વ્યાજવાળાઓએ બહુ પરેશાન કરીને માનસીક ત્રાસ આપ્યો હોવાનું અને વ્યાજનું વ્યાજ પણ ગણીને બહુ જ પૈસા થઇ ગયા હોવા છતાં ત્રાસ ચાલુ રાખ્યો હતો. તેઓના ચેકો પણ લીધા હતા.
દાનત બગડતા અરજી કરી હેરાન કરતો
જના સ્મોલ ફાઇનાન્સ બેંકે વસ્ત્રાલ પ્રોપર્ટી જપ્ત કરી હોવા છતાં રીકવરીના માણસો દ્વારા ઉઘરાણી ચાલુ હતી. સાહરભાઇ દેસાઇ અને તેમનો પુત્ર વિશાલભાઇ દેસાઇએ તેમને બંગ્લો બળજબરી પૂર્વક બાનાખત કરાવી લીધો હતો. તેઓના મિત્રનો બંગ્લો જયેશભાઇ પટેલ નામે માત્ર લોન લેવા માટે કર્યો હતો. પરંતુ તેમની દાનત બગડતા બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હેરાન કરતો હોવાનું અને મૃત્યુ બાબતે આ લોકો જવાબદાર હોવાનું લખ્યું હતું. સાથે જ સ્યુસાઇડ નોટમાં પત્ની, મિત્ર, તથા ભાઇને સંબોધીને લખાણ પણ લખવામાં આવ્યું હતું.
ફરિયાદ નોંધવામાં આવી
આખરે ઉપરોક્ત મામલે જના સ્મોલ ફાઇનાન્સ બેંકના રીકવરીના માણસો, સાહરભાઇ ઇશ્વરભાઇ દેસાઇ, વિશાલભાઇ સાહરભાઇ દેસાઇ, જયેશભાઇ વાડીલાલભાઇ દેસાઇ (ત્રણેય રહે, અમદાવાદ શહેર) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે તમામને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો -- VADODARA : “એક કિલો RDX લઇને ઉભો છું”, કંટ્રોલરૂમમાં ફોન આવતા પોલીસ દોડી