Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Budget2024 : રાજ્ય સરકારે 'નમો' નામથી જાહેર કરી 3 નવી યોજના, આ લોકોને મળશે આર્થિક લાભ

આજે ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) નાણામંત્રી કનુભાઈ દેસાઈ ( KanuDesai) દ્વારા વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના બજેટમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ, યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા રૂ. 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું...
gujarat budget2024   રાજ્ય સરકારે  નમો  નામથી જાહેર કરી 3 નવી યોજના  આ લોકોને મળશે આર્થિક લાભ

આજે ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) નાણામંત્રી કનુભાઈ દેસાઈ ( KanuDesai) દ્વારા વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના બજેટમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ, યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા રૂ. 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીએ લગભગ 31.44 હજાર કરોડ વધારે છે. આજનું બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટુ બજેટ (Gujarat Budget2024) છે. આ બજેટને વિકસિત ગુજરાત@2047 ના વિઝન સાથે રજૂ કરવામાં આવ્યું છે. બજેટ દરમિયાન નાણામંત્રીએ 'નમો' નામથી ત્રણ નવી યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજનાઓમાં 'નમો સરસ્વતી યોજના', 'નમો લક્ષ્મી યોજના' અને 'નમો શ્રી યોજના' સામેલ છે.

Advertisement

'નમો સરસ્વતી યોજના' :

બજેટ 2024-25 માં રાજ્ય સરકારે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ થાય તે માટે 'નમો સરસ્વતી યોજના' (Namo Saraswati Yojna) ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધો. 11 માં રૂ. 10 હજાર સુધીની સહાય આપવામાં આવશે. જ્યારે ધો. 12 માં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને રૂ. 15 હજારની સહાય પૂરી પાડવામાં આવશે. નાણાપ્રધાને કહ્યું કે, આ યોજના થકી અગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 2 લાખથી વધીને 5 લાખ થવાની ધારણા છે. તેમણે કહ્યું કે, આ યોજના હેઠળ આવતા વર્ષે અંદાજે રૂ. 400 કરોડનો ખર્ચ કરવામાં આવશે. નાણામંત્રીએ (Finance Minister) જણાવ્યું કે, વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે, બજેટમાં શિક્ષણ વિભાગ માટે રૂ. 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement

'નમો લક્ષ્મી યોજના' :

બજેટમાં 'નમો લક્ષ્મી યોજના' (Namo Laxmi Yojana) માટે અલગથી રૂ. 1250 કરોડ ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થિનીઓને મળશે. ધોરણ 9 અને ધોરણ 10 માં વાર્ષિક રૂ. 10 હજારની સહાય આપવામાં આવશે. જ્યારે, ધોરણ 11 અને ધોરણ 12 ની વિદ્યાર્થિનીઓ માટે રૂ. 15 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે, આ યોજના હેઠળ ધો. 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થિનીને કુલ રૂ. 50 હજારની સહાય મળવા પાત્ર રહેશે. નાણાપ્રધાને કહ્યું કે, નમો લક્ષ્મી યોજનાથી ધો. 9થી 12 માં દીકરીઓનો પ્રવેશ વધશે. તેઓ અભ્યાસ પૂર્ણ કરશે તેથી મહિલા શિક્ષણને પ્રોત્સાહન મળશે.

Advertisement

'નમો શ્રી યોજના' :

બજેટમાં સરકારે સગર્ભા બહેનો માટે પણ 'નમો શ્રી યોજના' (Namo Shri Yojana) ની જાહેરાત કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, 'નમો શ્રી યોજના' હેઠળ SC, ST, NFSA, PMJAY જેવા 11 જેટલા માપદંડો હેઠળ આવતી સગર્ભા બહેનોને રૂ. 12 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં રૂ. 750 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ છે. જણાવી દઈએ કે, બજેટમાં (Gujarat Budget2024) રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે રૂ. 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય વિભાગ માટે રૂ. 21,100 કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે રૂ. 6,885 કરોડ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ. 2,711 કરોડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂ. 767 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat Budget : વજુભાઈએ કહ્યું- ‘આખે આખી કોંગ્રેસ પૂરી થઈ જવાની છે…’, ચૈતર વસાવાએ કહી આ વાત

Tags :
Advertisement

.