Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Police : વહીવટદારોને બુટલેગરના માણસોએ માર માર્યો, અધિકારીઓ મૌન

Ahmedabad Police : ક્યારેય ખતમ ના થાય તેવી વહીવટદાર પ્રથાથી સંત્રીથી લઈને મંત્રી સુધીના સૌ કોઈ વાકેફ છે. મોટાભાગના IPS અધિકારીઓથી લઈને PI કક્ષાના અધિકારીઓ વહીવટદાર રાખતા હોય છે. લાખોના હપ્તા અને કરોડોના તોડ માટે વહીવટ મેળવવાની લડાઈ ગુજરાત પોલીસ...
ahmedabad police   વહીવટદારોને બુટલેગરના માણસોએ માર માર્યો  અધિકારીઓ મૌન

Ahmedabad Police : ક્યારેય ખતમ ના થાય તેવી વહીવટદાર પ્રથાથી સંત્રીથી લઈને મંત્રી સુધીના સૌ કોઈ વાકેફ છે. મોટાભાગના IPS અધિકારીઓથી લઈને PI કક્ષાના અધિકારીઓ વહીવટદાર રાખતા હોય છે. લાખોના હપ્તા અને કરોડોના તોડ માટે વહીવટ મેળવવાની લડાઈ ગુજરાત પોલીસ (Gujarat Police) માં વર્ષોથી ચાલી આવે છે. જ્યારે જ્યારે પોલીસ અધિકારીઓની બદલી થાય છે ત્યારે વહીવટદારો વચ્ચે લાખો-કરોડોનો વહીવટ મેળવવા સંઘર્ષ શરૂ થાય છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) માં વહીવટદારો વચ્ચે થયેલી લડાઈ અને બુટલેગરોના માણસો દ્વારા કરાયેલો હુમલો ભારે ચર્ચામાં છે. જો કે, આ મામલે "તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ" જેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે.

Advertisement

PI ની બદલી બાદ વહીવટદારોમાં ઘર્ષણ શરૂ

અમદાવાદ શહેર પોલીસ દળ (Ahmedabad Police) ના PI ઓની પોલીસ કમિશનર જી. એસ. મલિકે (G S Malik) ગત ઑગસ્ટ મહિનામાં મોટાપાયે બદલીઓ કરી હતી. પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી (PI Transfer) ઓ બાદ જુના અને નવા વહીવટદારો વચ્ચે કેટલાંક ઠેકાણે ઘર્ષણની શરૂઆત થઈ હતી. પૂર્વ અમદાવાદમાં આવેલા એક મલાઈદાર અને બદનામ પોલીસ સ્ટેશન (Police Station) માં નવા પીઆઈની નિમણૂંક થતાં વહીવટ માટે પંકાયેલા પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ બન્યાં હતા. દારૂ-જુગારના સ્ટેન્ડના તગડા ઉઘરાણા માટે પોલીસ ઈન્સ્પેક્ટરે બે ભાગમાં વહીવટ વહેંચી દીધો. માથાભારે વહીવટદાર તરીકે પંકાયેલા પોલીસ કર્મચારીને પાંચેક મલાઈદાર સ્ટેન્ડના હપ્તા ઉઘરાવવાનો પોલીસ અધિકારી (Police Officer) એ પરવાનો આપી દીધો હતો. જ્યારે 50-60 જેટલાં નાના અને પરચૂરણ ધંધાર્થીઓ પાસેથી હપ્તા ઉઘરાવવાની કામગીરી અન્ય વહીવટદારને સોંપવામાં આવતા તેણે પેટા વહીવટદારો રાખ્યાં.

મોટા વહીવટદારે પેટા વહીવટદારો પર હુમલો કરાવ્યો

દારૂના નાના ધંધાર્થીઓ પાસેથી હપ્તા ઉઘરાવતા બે પેટા વહીવટદારોને પોલીસ અધિકારીઓના વ્યક્તિગત ખર્ચા ઉપાડવાના આવતા હોવાથી તેમણે મોટા વહીવટદાર વિરૂદ્ધ પ્રચાર શરૂ કર્યો હતો. તાજેતરમાં જ આ મામલે વહીવટદારો વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. ગત શુક્રવારે રાતે પૂર્વ અમદાવાદના પોલીસ સ્ટેશનની ચોકીમાં બંને પેટા વહીવટદારો હાજર હતા ત્યારે માથાભારે વહીવટદારે સ્થાનિક બુટલેગર (Bootlegger) ના પંદરેક માણસો મોકલી આપ્યા હતા. લાખોના વહીવટને લઈને ચાલતી લડાઈમાં હુમલા સુધી પહોંચી ગઈ. નશામાં ચૂર માથાભારે વહીવટદારના ઈશારે લુખ્ખા તત્વોએ પેટા વહીવટદારોને દોડાવી દોડાવીને માર્યા હતા. જીવ બચાવવા માટે બંને પેટા વહીવટદારો નંબર પ્લેટ વિનાની કારમાં બેસીને નાસી છૂટ્યા હતા. આ મામલાની જાણ PI થી લઈને Ahmedabad Police ના IPS અધિકારીઓ સુધીના તમામને ગણતરીની મિનિટોમાં થઈ ગઈ હતી.

Advertisement

તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ

બુટલેગરોના માણસોના હાથે માર ખાધો હોવા છતાં પેટા વહીવટદારો ફરિયાદ કરી શકે તેવી સ્થિતિમાં નથી. દારૂ-જુગારની પ્રવૃત્તિઓને લઈને અતિ બદનામ પોલીસ સ્ટેશનના પીઆઈએ પોલીસની ભાષામાં વહીવટદારોને સમજાવી દીધા હોવાની વાત સામે આવી છે. આ મામલો પોલીસ કમિશનર સુધી ના પહોંચે તે માટે પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓએ વહીવટદારો વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ પણ કર્યો છે. દારૂ-જુગારના હપ્તા ઉઘરાવાતા વહીવટદારોની લડાઈમાં હાલ  "તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ" જેવી  સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: Junagadh Police : મહા તોડકાંડથી SP હર્ષદ મહેતા વાસ્તવમાં હતા અજાણ ?

Advertisement

Tags :
Advertisement

.