Gujarat : ગિફ્ટ સિટીમાં 1 વર્ષમાં હજારો લીટર દારૂ પીવાયો, જાણો સરકારને કેટલી થઇ આવક
- ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી
- વાઈન એન્ડ ડાઈન સુવિધા હેઠળ દારૂનું સેવન કરવાની મંજૂરી
- કુલ મળીને 23,907 લિટર બીયર-વિદેશી દારૂ પીવાયો
Gujarat : ગિફ્ટ સિટીમાં 1 વર્ષમાં હજારો લીટર દારૂ પીવાયો છે. જેમાં સરકારને લાખો રૂપિયાની આવક થઇ છે. વિધાનસભામાં ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને થયેલી આવક અંગે સરકારે કહ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપ્યા બાદ એક વર્ષમાં 94.19 લાખ રૂપિયાની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન ગિફ્ટ સિટીમાં 19,915 લિટર બિયર અને 3,324 લિટર દારૂનું વેચાણ નોંધાયું છે.
ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી
સરકારે એમ પણ જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં ધ ગ્રાન્ટ મર્ક્યુરી હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો હોવા છતાં, સરકારે ડિસેમ્બર 2023માં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં આ નિયમોમાં થોડી રાહત આપવાનો નિર્ણય લીધો હતો. આ હેઠળ, ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકૃત કર્મચારીઓ અને મુલાકાતીઓને “વાઈન એન્ડ ડાઈન” સુવિધા દ્વારા દારૂનું સેવન કરવાની છૂટ મળી છે. આ પગલું ગિફ્ટ સિટીને વૈશ્વિક વેપાર અને ટેક્નોલોજી હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે લેવાયું હતું, જેથી વિદેશી રોકાણકારો અને કંપનીઓને આકર્ષી શકાય. હાલમાં ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ નિયંત્રિત રીતે ચાલે છે અને તેનો ઉપયોગ ફક્ત ખાસ પરવાનગી ધરાવતા લોકો જ કરી શકે છે.
વાઈન એન્ડ ડાઈન સુવિધા હેઠળ દારૂનું સેવન કરવાની મંજૂરી
તા.30મી ડિસેમ્બર,2023 માં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવા સરકારે છૂટછાટ આપી હતી. ગિફ્ટ સિટીમાં ફરજ બજાવતાં કર્મચારીઓ અને મુલાકાતીઓને વાઈન એન્ડ ડાઈન સુવિધા હેઠળ દારૂનું સેવન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકારની દલીલ છે કે, ગિફ્ટ સિટીને વૈશ્વિક બિઝનેસ હબ તરીકે વિકસવવા નક્કી કરાયુ છે ત્યારે વિદેશી કંપનીઓ અને રોકાણકારોને આકર્ષવા માટે દારૂ પીવાની છૂટ અપાઇ છે. છેલ્લાં એક જ વર્ષમાં ગિફ્ટ સિટીમાં કેટલો વિદેશી દારૂ-બીયર વેચાયો તે અંગે વિપક્ષના નેતા અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો હતો ત્યારે સરકારે ખુલાસો કર્યો કે, વેસ્ટર્ન ઇન્ડિયા રિક્રિએશન પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ અને ધ ગ્રાન્ડ મરક્યુરીને ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ માટે લાયસન્સ આપવામાં આવ્યાં છે.
કુલ મળીને 23,907 લિટર બીયર-વિદેશી દારૂ પીવાયો
ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ સરકારે ફળ્યુ છે તેનુ કારણ એ છે કે, ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને રૂ.94.19 લાખની આવક થઇ છે. ગિફ્ટ સિટીમાં 19,915 લિટર બીયરનું વેચાણ થયું છે જ્યારે 3324 લિટર વિદેશી દારૂ વેચાયો છે. કુલ મળીને 23,907 લિટર બીયર-વિદેશી દારૂ પીવાયો છે.
આ પણ વાંચો: Ahmedabad: ફરી એકવાર નશેડી કાર ચાલકે મચાવ્યો આતંક, અનેકને લીધા અડફેટે