Mahesana : નિર્લિપ્ત રાયની SMC ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ પર ત્રાટકી
Mahesana : ગત ફેબ્રુઆરી મહિનાના અંતમાં અમદાવાદ શહેર (Ahmedabad City) માં ઉપરાછાપરી રેડ કરી સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) 10 કેસ કરી લાખો રૂપિયાનો દેશી-વિદેશી દારૂ પકડ્યો હતો. ચાર મહિના બાદ ફરી એક વખત નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ની અડધો ડઝન ટીમ મહેસાણા શહેર (Mahesana City) માં ત્રાટકી છે અને એક જ રાતમાં પ્રોહિબિશનના પાંચ કેસ નોંધી 25 આરોપીઓને ઝડપી લીધા છે. મહેસાણા શહેરમાં ખુલ્લેઆમ ધમધમી રહેલાં દારૂના અડ્ડાઓ પર Team SMC એ ધોંસ બોલાવતા આખાયે મહેસાણા જિલ્લા (Mahesana District) માં દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરવા આદેશ છૂટ્યા છે. અત્રે નોંધનીય છે કે, મહેસાણા જિલ્લા પોલીસ વડા ડૉ. તરૂણ દુગ્ગલે (Dr Tarun Duggal) તાજેતરમાં જ 8 PI અને 16 PSI ની આંતરિક બદલીઓ કરી છે. જેમાં મહેસાણા બી ડિવિઝનના પીઆઈ બી. વી. પટેલ (PI B V Patel) ને એ ડિવિઝનમાં, એ ડિવિઝનના પીઆઈ આર. જે. ધડૂક (PI R J Dhaduk) ને ઉંઝા અને LIB ના પીઆઈ એન. એસ. ઘેટીયા (PI N S Ghetiya) ને મહેસાણા બી ડિવિઝનમાં નિમણૂક આપી છે.
એક જ રાતમાં 5 અડ્ડા પર દરોડા
ગત શુક્રવારની રાતે સ્ટેટ મોનિટરિંગ સેલની અડધો ડઝન ટીમે મહેસાણા શહેરમાં એક સાથે ઉપરાછાપરી દરોડા પાડ્યા હતા. ખુલ્લેઆમ ચાલતા દેશી-વિદેશી દારૂના પીઠ્ઠા પર ત્રાટકી SMC ને બે મહિલાઓ સહિત 25 આરોપીઓ મળી આવ્યા છે. દારૂ વેચનારા તેમજ પ્યાસીઓને અટકમાં લઈ મહેસાણાના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. જ્યારે 32 આરોપીઓને પાંચ ફરિયાદમાં ફરાર દર્શાવાયા છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Mahesana A Division Police Station) ની હદમાં લાલશાનો તકીયો હૈદરી ચોક તેમજ પ્રદૂષણ પારા પીપળના વૃક્ષ નીચે વિદેશી દારૂના સ્ટેન્ડ ખુલ્લેઆમ ચાલતા હતા. જ્યારે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Mahesana B Division Police Station) ની હદમાં શિવાલા સોસાયટી રંગોલી પાર્લર પાછળ, ચંદ્રલોક સોસાયટી સામે દેવીપૂજક વાસ તેમજ માલ ગોડાઉન વિસ્તારમાં પણ દેશી-વિદેશી દારૂના ધંધા બેરોકટોક ચાલતા હતા. તમામ દરોડાઓમાં 347 નંગ IMFL બોટલ/ટીન, એક ડઝનથી વધુ વાહનો, 23 મોબાઈલ ફોન, 51 હજાર રોકડા, એક DVR સહિત કુલ રૂપિયા 8,86,574 નો મુદ્દામાલ મળી આવતા કબજે કરવામાં આવ્યો છે.
બુટલેગરની સૂચનાથી દારૂ-બીયર ઢોળી દીધો
મહેસાણાની ચંદ્રલોક સોસાયટી સામે આવેલા દેવીપૂજક વાસમાં પાડોશી રાજ્યોમાં ચાલતા ઠેકાની જેમ દારૂ વેચાતો હતો. Team SMC ના પીએસઆઈ વી. એન. પંડ્યા (PSI V N Pandya) એ રેડ કરી ત્યારે ઓરડીના અંદરના ભાગેથી દરવાજો બંધ કરી દીધો હતો. Team SMC એ આરોપીઓ સુધી પહોંચવા લોખંડની કોસથી દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આરોપીઓએ 100થી વધુ બીયરના ટીન અને દારૂના ક્વાટર તોડી નાંખી દારૂ ઢોળી દીધા બાદ દરવાજો ખોલ્યો હતો. બુટલેગરે ફોન પર આપેલી સૂચનાથી આરોપીએ મુદ્દામાલનો નાશ કર્યો હતો.
પ્યાસીઓને ઠંડી બીયર પીરસાતી હતી
Team SMC ના પીએસઆઈ ડી. વી. ચિત્રા (PSI D V Chitra) એ હૈદરી ચોકમાં પાડેલા દરોડામાં Ice Box માં રાખેલો બીયરના ઠંડા ટીનનો જથ્થો મળી આવ્યો હતો. હૈદરી ચોક લાલશાનો તકીયો ખાતે પ્યાસીઓને બીયર ઠંડો કરીને પિરસવામાં આવતો હતો. દરોડા પડ્યા ત્યારે 15 પ્યાસીઓ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યાં હતા. પીએસઆઈ જે. ડી. બારોટ (PSI J D Barot) ની ટીમે દરોડો પાડ્યો ત્યારે પ્રદૂષણ પારા પીપળના વૃક્ષ નીચે ઠંડી બીયર (Chilled Beer) વેચતા મહિલા બુટલેગર અને દારૂ વેચાણમાં મદદ કરનારો યુવક સ્થળ પરથી મળી આવ્યા હતા. અહીંયા પણ પ્યાસીઓને ઠંડી બીયર પૂરી પાડવા જથ્થો આઈસ બોકસ તેમજ થર્મોકોલના બોક્સમાં સંગ્રહ કરેલો મળી આવ્યો હતો.
QR Code થી પેમેન્ટ લેવાતું હતું
મહેસાણા શિવાલા સોસાયટી રંગોલી પાર્લર પાછળ Team SMC ના પીએસઆઈ એસ. આર. શર્મા (PSI S R Sharma) એ દરોડો પાડી પ્યાસીઓ સહિત 11ની ધરપકડ કરી છે. દરોડામાં પોલીસને ક્યૂઆર કોડ (QR Code) મળી આવ્યા છે. ફરાર બુટલેગર બલરામ ઉર્ફે બલીયાએ પ્યાસીઓ ડિઝિટલ પેમેન્ટ (Digital payment) કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી રાખી હતી. મોટાભાગના પ્યાસીઓ દારૂના સ્ટેન્ડ પર ડિઝિટલ પેમેન્ટ થકી દારૂ-બીયરની ખરીદી કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.
સ્થાનિક રહિશોએ કેમ ગાંધીનગર કરી ફરિયાદ ?
મહેસાણા શહેરના રહિશો સોસાયટી અને ઘરની આસપાસ ચાલતા દારૂના ખુલ્લેઆમ અડ્ડાઓથી પરેશાન હતા. સ્થાનિક કક્ષાએ અનેક ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મહેસાણા જિલ્લામાં રાજકીય આકાઓની ભલામણથી નિમણૂક મેળવનારા પોલીસ અધિકારીઓ સ્થાનિકોની ફરિયાદને કાને ધરતા ન હતા. આથી ગાંધીનગર પોલીસ ભવન (Gandhinagar Police Bhavan) ખાતે બેસતા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સ્થાનિક રહિશો ફરિયાદ કરવા મજબૂર બન્યા હતા.