Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડૉક્ટરને આપેલું ભગવાનનું બિરુદ અચાનક કેમ મર્ડરરમાં ફેરવાઈ જાય છે?

હંમેશાં નેવું ટકાથી વધુ માર્ક્સ સાથે તમામ પરીક્ષાઓ પાસ કરનારાં, માસ્ટર્સમાં ગોલ્ડ મેડલીસ્ટ, રાષ્ટ્રીય સ્તરે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ વક્તાનો એવોર્ડ મેળવનારાં, પાંચસોથી વધુ જિંદગીને ઇમરજન્સીમાં સારવાર આપીને બચાવનારાં, ગુજરાતના પાટનગર ગાંધીનગરની મેડિકલ કૉલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવનારાં, ગુજરાતમાં અનેક વીઆઈપી લોકો અને એમનાં પરિવારજનોની સારવાર કરનારાં એક ડૉક્ટર નામે à
10:41 AM Mar 31, 2022 IST | Vipul Pandya
હંમેશાં નેવું ટકાથી વધુ માર્ક્સ સાથે તમામ પરીક્ષાઓ પાસ કરનારાં, માસ્ટર્સમાં ગોલ્ડ મેડલીસ્ટ, રાષ્ટ્રીય સ્તરે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ વક્તાનો એવોર્ડ મેળવનારાં, પાંચસોથી વધુ જિંદગીને ઇમરજન્સીમાં સારવાર આપીને બચાવનારાં, ગુજરાતના પાટનગર ગાંધીનગરની મેડિકલ કૉલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવનારાં, ગુજરાતમાં અનેક વીઆઈપી લોકો અને એમનાં પરિવારજનોની સારવાર કરનારાં એક ડૉક્ટર નામે અર્ચના શર્મા જિંદગી હારી ગયાં.  
ગાયનેકોલોજિસ્ટની સાથોસાથ એ વંધ્યત્વના નિષ્ણાત હતાં. કેટકેટલાં પરિવારોમાં એમણે બાળકોની કિલકારીઓથી ખુશીઓ ભરી હતી. પોતાની સફળતાના લેખો વાંચીને ડૉક્ટર અર્ચના શર્મા અને એમના પતિ ડૉ. સુનિત ઉપાધ્યાય પોરસાતાં હશે. વ્યવસાયે મનોચિકિત્સક એવા પતિને પણ કેટલી લાચારી થઈ આવી હશે જ્યારે પત્ની અર્ચનાની ગળેફાંસો ખાધેલી લાશ જોઈ હશે.  પોતાના અચીવમેન્ટ્સના લેખો વાંચવાની આદત હોય ત્યાં માછલાં ધોવાય એવા સમાચારો જોવા મળે ત્યારે એ આઘાત પચાવવો બહુ આકરો હોય છે. પોતાના પેશન્ટ્સ સાજાં થઈ જાય એ માટે દવા લખી આપતાં હાથ સુસાઈડ નોટ લખતી વખતે કેટલાં કંપી ગયા હશે. પોતાના દવાખાનાની બહાર ઘરણાં આપતાં લોકોને જોઈને એ 42 વર્ષનાં ડૉક્ટર એટલાં ડરી ગયાં કે અંતિમ પગલું ભરી બેઠાં. ગૂગલમાં તમે સર્ચ કરો તો તરત જ બેસ્ટ હૉસ્પિટલની યાદીમાં આનંદ હૉસ્પિટલનું નામ આવે છે. રાજી થયેલાં પેશન્ટ્સની કમેન્ટ જોઈને આ દંપતી પણ કેટલું આનંદિત થયું હશે. હવે આ પરિવારમાં માતમ છવાયેલો છે.  નાનાં નાનાં બે ભૂલકાંઓ મા વિહોણા થઈ ગયાં.  
રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટ ગામમાં આનંદ હૉસ્પિટલમાંં એક આશા બેૈરવા નામની બાવીસ વર્ષની સગર્ભાનું ડિલીવરી બાદ પોસ્ટ પાર્ટમ હેમરેજથી મોત થયું. એના ગર્ભમાંનું બાળક ડૉક્ટર અર્ચનાએ બચાવી લીધું. પણ માતાને ડિલીવરી બાદ વધુ પડતું લોહી વહી જવાથી ન બચાવી શકાઈ. આશાના મૃતદેહને એનો પતિ લાલૂરામ અને પરિવારજનો લઈ ગયા. બાદમાં આ આખી ઘટનાએ રાજકીય સ્વરુપ ધારણ કરી લીધું. બીજેપીના આગેવાન જીતેન્દ્ર ગોઠવાલ મેદાનમાં આવ્યાં. હૉસ્પિટલની સામે ઘરણાં કર્યાં. પોલીસ રાજકીય દબાણ સામે ઝૂકી ગઈ અને હૉસ્પિટલના સ્ટાફ તથા ડૉક્ટર અર્ચના સામે 302ની કલમ સાથે ગુનો દાખલ કર્યો. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો છે કે,  હૉસ્પિટલમાં જો દર્દીનું મોત થાય તો ડૉક્ટર કે સ્ટાફ સામે 304ની કલમ લાગે અને કમિટી આખી ઘટનાની તપાસ કરે પછી જ આગળ કાર્યવાહી થઈ શકે. આપણે એવું માની લઈએ કે, પોલીસ પણ આ હકીકતથી અજાણ હશે! મેડીકલ એસોસિયેશનથી માંડીને આખા દેશભરમાં તબીબોએ દેખાવો કર્યાં. ગઈકાલે રાજસ્થાન ડેની ઉજવણી ચાલતી હતી ત્યારે આખા રાજસ્થાનમાં ડૉક્ટર અર્ચનાના સપોર્ટમાં તબીબોએ બ્લેક ડે મનાવ્યો. સરકારે પોલીસ અધિકારીઓથી માંડીને તમામ લોકો સામે પગલાં લીધાં. મોડી રાત્રે જીતેન્દ્રકુમાર ગોઠવાલની ધરપકડ કરી. જીતેન્દ્રકુમારે પોતાના બચાવમાં કહ્યું કે, અગાઉ બનેલી ઘટનાનો ખાર રાખીને મને ટાર્ગેટ બનાવાયો છે. હકીકતે, કોંગ્રેસના નેતાના પુત્રની સામે દુષ્કર્મનો કેસ હતો તેમાં જીતેન્દ્રકુમારે પ્રિયંકા ગાંધીને ટ્રેનની ટિકિટ મોકલી કહેલું કે, અહીં આવીને તમે સ્ત્રીઓની હાલત જુઓ.  
એક ડૉક્ટરે ચોખ્ખું કહ્યું કે, 302ની કલમ ન લાગી હોત તો અર્ચના આપણી વચ્ચે જીવિત હોત. રાજકીય સ્વરુપે અર્ચનાનો જીવ લીધો છે. આ આપઘાત નથી આ મર્ડર છે. માનવીઓએ ભગવાન પછી જેમને બીજાં ભગવાનનું બિરુદ આપ્યું છે એ ડૉક્ટર ભગવાનનું મોત થયું છે.  
સુરતના જાણીતાં ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર રુપલબેન શાહે સોશિયલ મિડીયામાં ડૉક્ટર અર્ચના માટે અવાજ ઉઠાવ્યો છે. એમણે સ્પષ્ટ લખ્યું છે કે, કોરોનાના સમયમાં અમને કોરોના વૉરિયરનું બિરુદ આપ્યું એ ખોટું હતું. અમને એવું લાગી રહ્યું હતું કે, અમે ડૉક્ટર છીએ પણ એ અમારી ભૂલ છે. અમે ભગવાન નથી. કેટલીક મેડીકલ ઈમરજન્સીમાં દરેક ક્રાઇસીસની સારવાર શક્ય ન બને. કોઈવાર એ ભગવાનના હાથમાં પણ નથી હોતું. ત્યારે પેશન્ટ મૃત્યુ પામે તો ભગવાનનું બીજું સ્વરુપસમા ડૉક્ટર મર્ડરર કેવી રીતે થઈ જાય છે?    અર્ચનાએ આત્મહત્યા નથી કરી એ મર્ડર છે.    
ભાવનગરના જાણીતાં ડૉક્ટર અને લેખક નિમિત્ત ઓઝા પણ આ ઘટનાથી વ્યથિત થઈને ડૉક્ટર અર્ચનાની સુસાઇડ નોટના શબ્દો ટાંક્યાં છે કે, મારું મૃત્યુ કદાચ મને નિર્દોષ સાબિત કરી શકે. મેં કોઈ ભૂલ કરી નથી. બસ મારી એટલી વિનંતી છે કે, ડૉક્ટરોને હેરાન કરવાનું બંધ કરો. હું મારાં બાળકોને બહુ પ્રેમ કરું છું. એમને માતાના પ્રેમની કમી ન આવવા દેશો. મારા પેશન્ટનું મૃત્યુ પોસ્ટ પાર્ટમ હેમરેજના કારણે થયું છે. મારી કોઈ ભૂલ નથી.  
નિમિત્તભાઈ આગળ લખે છે કે, એવું બિલકુલ જરુરી નથી કે ડૉકટરની ભૂલ હોઈ જ ન શકે. અરે ભૂલ શું, ક્યારેક બેદરકારી પણ હોય શકે. પણ એ બેદરકારી છે કે નહીં એ હું કે તમે ન નક્કી કરી શકીએ. એનો નિર્ણય તો કોર્ટ ઓફ લો જ કરે. સારવાર કરનારા ડૉક્ટર સામે નારાજ કે અસંતુષ્ટ થવાનો તમને પૂરો હક છે. તમે કોર્ટમાં પણ જઈ શકો છો. પણ ડૉક્ટરના કપાળે ‘હત્યાર’'નું લેબલ લગાવી દેવાનો હક ન તો તમને બંધારણ આપે છે ન તો કાયદો.  
સૌથી વિચારતા કરી મૂકે એવી વાત નિમિત્તભાઈ લખે છે કે, હું તો રોજ મારી દીકરીને એક વણમાગી સલાહ આપું છઉં કે, બેટા તારે જે બનવું હોય એ બનજે. બસ, ડૉક્ટર ન બનતી. કારણકે હવે આ દેશમાં પ્રામાણિક, નિષ્ઠાવાન અને નૈતિક મૂલ્યો ધરાવતા તબીબો માટે સર્વાઈવ થવું અઘરું છે.  
આ કોઈ અંતિમ બનાવ નથી કે ડૉક્ટર અર્ચના માટે ન્યાય માગવાથી આ પ્રકારના બનાવો બંધ થઈ જશે એની કોઈ ગેરન્ટી નથી. પણ અર્ચનાબેન જેવાં હોનહાર તબીબને આ રીતે ભોગ બનવું પડે એ આપણી સિસ્ટમની કરુણતા છે. બહુ ઓછાં વ્યવસાયો એવાં છે જેમાં લોકો ભગવાનને જુવે છે. બહુ ઓછાં પ્રોફેશન ઉપર ભારતની પ્રજાને વિશ્વાસ છે, શ્રદ્ધા છે. એ વ્યવસાય સાથે જોડાયેલાં લોકોને ભગવાનનો દરજ્જો આપે છે.  
રાજકીય, સામાજિક દબાણને જીરવી ન શકાય, તૂટી પડાય ત્યારે કદાચ છૂટી જવું વધુ યોગ્ય લાગતું હશે. પણ આવા બનાવો ન બને એ માટે આપણે પણ સારા પેશન્ટ અને પેશન્ટના સારા પરિવારજનો બનવાની જરુર છે. આપણે પણ થોડી સંવેદનશીલતા કેળવવાની જરુર છે. પોતાની વ્યક્તિ ગુમાવીએ ત્યારે આપણને ક્ષણિક રોષ આવે પણ એ માટે ફક્ત ને ફક્ત ડૉકટરને જ દોષ આપવો એ કોઈ કાળે વાજબી નથી. આ રીતે સિસ્ટમની સામે જો ભગવાનનું સ્વરુપ એવા ડૉક્ટરો તૂટી જશે તો આ પ્રકારના અપમૃત્યુની ‘બીમારી’' બધું જ ખોરવી નાખશે.
Tags :
doctorsFIRGujaratFirstgynecologistmurdererpoliticalpregnantwomanprotestsRajasthansuicide
Next Article