VADODARA : પાણી માટે કોર્પોરેટરોએ ધરણા કરવા પડે તેવા દિવસો
VADODARA : વડોદરા (VADODARA VMC) ના વોર્ડ નં - 1 માં પાણીની સમસ્યાને લઇને કોંગ્રેસના કોર્પોરેટરોએ ટાંકીએ ધરણા કરવા પડ્યા છે. ખાસ કરીને સાંજના સમયે પાણી પૂરતા પ્રેશરથી નહી મળતું હોવાની અને પાણી દુર્ગંધ મારતું આવતું હોવાની બુમો ઉઠી રહી છે. જેને લઇને ટીપી - 13 ખાતે આવેલી પાણીની ટાંકી પર કોર્પોરેટરોએ ધરણા પર બેસવાની નોબત આવી છે.
કમિશનર અને મેયરના ઘરે ધરણાની ચિમકી
વડોદરાના વોર્ડ નં - 1 માં પાણીની સમસ્યાથી ત્રસ્ત કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. વારંવાર પાલિકાની સભામાં રજુઆત બાદ પણ જાડી ચામડીના આધિકારીઓ દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં નહી આવતા આજે કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ અને જહા ભરવાડે ટીપી - 13 પાણીની ટાંકીએ પ્રતિકાત્મક ધરણા કર્યા છે. આ બાદ પણ સમસ્યાનો ઉકેલ નહી આવે તો મ્યુનિસિપલ કમિશનર અને મેયરના ઘરે ધરણાની ચિમકી ઉચ્ચારમાં આવી છે.
બે ઝોનમાં પાણીનું વિતરણ કરવામાં આવે
કોર્પોરેટર હરીશ પટેલ જણાવે છે કે, ટીપી - 13 ની પાણીની ટાંકી છે. અહિંયા 30 હજાર લોકોને સાંજે પાણી પુરી પાડવામાં આવે છે. છેલ્લા 25 દિવસથી લોકો કંટાળી ગયા છે. ગઇ કાલે પોણા દસ વાગ્યે પાણી આવ્યું હતું. 15 મીનીટ જ પાણી આવી રહ્યું છે. 20 દિવસથી સંપનું લેવલ જળવાતું નથી. 15 ફૂટ પાણી હોવાની જગ્યાએ 10 ફૂટ જેટલું જ પાણી ભરાય છે. જેથી વિસ્તારમાં પાણીના પ્રેશરની સમસ્યા સર્જાઇ રહી છે. આખરે અમે કંટાળીને ધરણા પર બેઠા છીએ. અધિકારીઓ અહિંયા નહી આવે ત્યાં સુધી અમે અહીંયા બેસીશું. ટીપી - 13 વિસ્તારને બે ઝોનમાં પાણીનું વિતરણ કરવામાં આવે, જેથી લોકોને પુરતુ અને પ્રેશરથી પાણી મળી શકે. સભામાં રજુઆત કરવા છતાંય જાડી ચામડીના અધિકારીઓ આ સમસ્યાનું નિરાકરણ લાવતા નથી. તમે કોઇ પણ ગલ્લે જઇને બેસો તો પણ પાણીની જ ચર્ચા હશે.
રાત્રે 12 વાગ્યે પાણી આવે
કોર્પોરેટર જહા ભરવાડ જણાવે છે કે, ટીપી 13 ની આજુબાજુના વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમે લડી લડીને રજુઆત કરી છે. જાડી ચામડીના અધિકારીઓ લાખ રૂપિયા પગાર લે, અમારી રજુઆતોનો સાંભળીને કોઇ નિરાકરણ ન લાવે. કોઇ દિવસ સાંજે 6 વાગ્યે, 7 વાગ્યે, 10 વાગ્યે તો ક્યારેક રાત્રે 12 વાગ્યે પાણી આવે. સાંજે 6 વાગ્યે પાણી ન આવે એટલે અમે દુખી થઇ જઇએ છીએ. ટેલીકોલકની નોકરી હોય તેવી પરિસ્થિતીમાં અમે મુકાઇ જઇએ છીએ. 24 કલાકમાં પુરતા પ્રેશરથી પાણી નહી મળે તો મ્યુનિસિપલ કમિશનર, મેયરના ઘરે જઇને ધરણા પર બેસીશું. આજે લોકોને નથી બોલાવ્યા, હજારોની સંખ્યામાં બહેનો હલ્લાબોલ કરશે. અમે તમારાથી કંટાળી ગયા છે. તમારા કપડા પણ ફાટશે.
મોઢામાં જાય તેવું હોતું નથી
વધુમાં તેમણે જણાવ્યું કે, તમારૂ જુઠ્ઠુ સાંભળીને અમે કંટાળી ગયા છો. પાણીનું લેવલ ન જળવાતું હોય તો તમે વિસ્તારને શું પાણી આપવાના છો. આવનાર સમયમાં પાણીનું આંદોલન મોટું થશે, આખા વડોદરાના અધિકારીઓએ ભાગવું પડશે. હું પાણીની ટાંકીથી 100 મીટરના અંતરે રહું છું. લોકોના ફોન આવે, પાણી નથી, ન્હાયા નથી, કપડા ધોવાયા નથી. ટીપી 13 પાણીની ટાંકીમાંથી જે પાણી આવે છે તે મોઢામાં જાય તેવું હોતું નથી. પાણીમાંથી વાસ આવે છે. મારા દિકરાને ટાઇફોઇડ થયો હતો. લો પ્રેશરથી ગંદુ પાણી આવી રહ્યું છે. પાણી જીવન જરૂરીયાતની મુખ્ય વસ્તુ છે.
પાણીની આવક નહી
તો બીજી તરફ પાણીના પ્રેશરનું લેવલ મીટરમાં માત્ર 15 બતાવતું હતું. વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે તેનું લેવલ 300 થી વધુ હોવું જોઇએ તેમ સ્થાનિક કર્મીએ જણાવ્યું હતું. મીટરમાં લેવલ 15 હોવાના કારણે પાણીની આવક નહી હોવાનું કારણ તેમણે આપ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : VMC માં ખાલી પડેલી જગ્યા નહી ભરાય તો સામુહિક રાજીનામાની ચીમકી