VADODARA : કમાલ થઇ ગયો ! એક આંબા પરથી સાડા ચોત્રીસ મણ કેરી ઉતરી
VADODARA : આ વર્ષે કેરીનો ઉતારો ઓછો છે, એવો વસવસો લગભગ રાજ્યભરમાં વ્યક્ત થઈ રહ્યો છે. તેવા સમયે સાવલી (VADODARA - SAVLI) તાલુકાના વાંકાનેર ગામના ખેડૂત ધર્મેશ પટેલના ખેતરના એક આંબા પરથી અધધધ..! બોલી જવાય એટલી ૬૯૦ કિ.ગ્રા.એટલે કે લગભગ સાડા ચોત્રીસ મણ કેરી ઉતરી છે. વળી, એમણે લાગેલી બધી જ કેરીઓ ઉતારી લીધી ન હતી. અંદાજે એકાદ બે મણ કેરીઓ તો પશુ પક્ષી અને ચકલાં ના ભાગ તરીકે ઝાડ પર જ રહેવા દીધી હતી.
ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી
તેઓ આશ્ચર્ય સાથે જણાવે છે કે ' એક આંબા પર આટલી બધી કેરી લાગી હોય એવી મારી જિંદગીની તો આ પ્રથમ ઘટના છે.' ગયા વર્ષે મારે સાડા સત્યાવીસ મણ કેરી ઉતરી હતી. આ વર્ષે સાડા ચોત્રીસ મણનો ઉતારો આવ્યો છે દર વર્ષે ૭ થી ૮ મણ કેરીનો ઉતારામાં વધારો જોવા મળી રહ્યો છે. ધર્મેશભાઈ ૨૦૧૬થી સુભાષ પાલેકર દ્વારા વિકસિત અને દેશી ઓલાદની ગૌ માતાના છાણ અને મૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે.
ઉમદા પરિણામ મળ્યું
આ લંગડો પ્રજાતિનો આંબો તેમના દાદાએ લગભગ ૧૫ વર્ષ અગાઉ વાવ્યો હતો. તેની બાજુમાં તોતાપુરીના બે આંબા આ લંગડા ના પાડોશી છે, જેના પર પણ આ વર્ષે પ્રમાણમાં વહેલી અને અગાઉના વર્ષોની સરખામણી માં મબલખ કેરીઓ લાગી છે. આ ઘટનાનું શું કારણ હોઈ શકે? એવા સવાલના જવાબમાં ધર્મેશભાઈ એ જણાવ્યું કે,મને લાગે છે કે સુભાષ પાલેકર પદ્ધતિ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને લીધે જમીનમાં વધેલા સત્વ - તત્વ ને લીધે જ આ ઉમદા પરિણામ મળ્યું છે.
જમીન સુધારવાની તાકાત દર્શાવે
ધર્મેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આંબાની મેં પ્રાકૃતિક ખેતી પધ્ધતિ પ્રમાણે કોઈ માવજત પણ કરી નથી. પરંતુ આ આંબાની નજીકના ખેતરમાં હું છેલ્લા આઠ વર્ષથી ગૌ આધારિત પદ્ધતિ થી શાકભાજી અને ફળફળાદિની ખેતી કરું છું. બળબળતા ઉનાળામાં આ ખેતરમાં શાકભાજી અને ફળના કુમળા છોડના પાન પીળાં પડતા નથી જે આ ખેતી પદ્ધતિની જમીન સુધારવાની તાકાત દર્શાવે છે. મને લાગે છે કે આ ખેતરના છેડે આવેલા આંબાઓને પ્રાકૃતિક ખેતીથી નવ સાધ્ય અને સત્વશીલ થયેલી જમીનનું બળ મળ્યું છે અને એટલે જ આટલી મબલખ કેરીઓ આ નબળાં ગણાતા વર્ષમાં લાગી છે અને આ તમામ કેરીઓ અને સાથે તોતાપુરીની કેરીઓ ખેતરમાં જ ફક્ત બે દિવસમાં હાથોહાથ અને તાત્કાલિક વેચાઈ ગઈ અને ખાનારોએ તેની મીઠાશના વખાણ કર્યા એથી એમનો ઉત્સાહ બેવડાયો છે.
રસ ધરાવતા ખેડૂતોને માર્ગદર્શન
તેઓ કહે છે કે બાગાયત ભલે જૂની હોય તો પણ એના સુધાર માટે ઘન અને પ્રવાહી જીવામૃત નો ઉપયોગ કરી શકાય.અને નવી બાગાયત નો ઉછેર દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પધ્ધતિ થી કરીને વધુ સારી ગુણવત્તા,કદ અને સ્વાદ વાળા ફળપાકો લઈ શકાય. ધર્મેશભાઈ જમીન,જળ અને પર્યાવરણ ને સુરક્ષિત રાખતી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં વિવિધ નવા પ્રયોગો કરી રહ્યાં છે અને આ પદ્ધતિ અપનાવવાનું રસ ધરાવતા ખેડૂતોને માર્ગદર્શન પણ આપે છે.
સશક્ત વિકલ્પો શોધવા
એમની વાત જાણવા અને સાંભળવા જેવી ખરી.કારણ કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ આધારિત વર્તમાન ખેતી થી જમીનનું પોત ક્ષીણ થતું જાય છે એટલે જમીનને નવ સાધ્ય કરે એવી ખેતીના સશક્ત વિકલ્પો શોધવા અને અપનાવવા જ પડશે.
આ પણ વાંચો -- VADODARA : શપથ લેતા પહેલા સાંસદનો શહેરવાસીઓને સંદેશ