VADODARA : BJP MLA અધિકારીઓ પર બગડ્યા, કહ્યું "તેઓ અંધાધૂંધી ફેલાવવા માંગે છે"
VADODARA : ગતરોજ શહેર (VADODARA) ના તરસાલી બાયપાસ પાસે આવેલા દિવાળીપુરાના 300 થી વધુ જર્જરિત મકાનોના વિજ-પાણી કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. જે બાદ પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડે. મેયરને લઇને સ્થળ મુલાકાત માટે સાંજે પહોંચ્યા હતા. આજે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સવારે સ્થળ પર પહોંચ્યા હતા. સાથે જ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અધિકારીઓ પર ગંભીર આરોપ મુકતા કહ્યું કે, મકાનો તોડવાની વાત કરીને શહેરમાં અંધાધૂંધી થાય, તોફાનો થાય, ભાજપના વિરોધમાં લોકો થાય તે રીતનું આ ષડયંત્ર છે. હવે એક પછી એક કોર્પોરેટર અને ધારાસભ્યના નિશાને અધિકારીઓ આવી રહ્યા છે.
ફોર્મ્યુલા અજમાઇ હોત તો યોગ્ય રહેત
ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL) જણાવે છે કે, થોડાક વખત પહેલા હાઉસિંગ બોર્ડ દ્વારા મારૂતિધામમાં 1200 જેટલા મકાનો તોડવાના હતા. ત્યારે કમિશનર વડોદરામાં હાજર હતા. ત્યારે તેમની સાથે વાત થઇ હતી. મેં કહ્યું કે, 1200 મકાનો તોડાય નહી. જર્જરિત મકાનો છે, તેને તોડો. જે બાદ મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને જાણ કરી દીધી હતી. અને જે જર્જરિત મકાનો હતા, તેને નોટીસ આપી હતી. બાકીના કોઇ પણ મકાનોની લાઇટ કે પાણી કપાયા ન્હતા. તેવા જ પ્રકારે 320 મકાનો છે. તેમાં તે જ રીતની ફોર્મ્યુલા અજમાઇ હોત તો યોગ્ય રહેત.
કનેક્શન કાપવું ગેર વ્યાજબી
વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ કમિશનર વડોદરામાં નથી. કમિશનરે નીચેના અધિકારીઓને આપેલી સુચનાના આધારે કામ કર્યું હોત, તો મને લાગે છે કે, ગઇ કાલે લાઇટ-પાણી કનેક્શન કાપવું ગેર વ્યાજબી છે. આજે સિટી એન્જિનિયર, હાઉસિંગના અધિકારી અનુપભાઇ, સ્ટેન્ડિંગ ચેરમેન સાથે વાત થઇ છે. હવે જે કાર્યવાહી કરવાની છે, તેમાં 39 લાભાર્થી સ્ટેમ્પ પર લખાણ આપશે, કે અમે રીપેરીંગ કરીશુ. ટુંકી મુદતનું રીપેરીંગ નહી ચાલે લાંબો સમય ચાલે તેવું કરાવવું પડશે. આ લોકો રીપેરીંગ કરવા તૈયાર છે. બપોરે કનેક્શન જોડવાની વાત થઇ છે.
કયા અધિકારી સુચનાઓ આપે છે
વધુમાં તેમણે ઉમેર્યું કે, અધિકારીઓ આ શહેરમાં સમજે છે શું ? બધા આજે 5 હજાર મકાનો તોડી નાંખે તો લોકો જાય ક્યાં, તેઓ અંધાધૂંધી ફેલાવવા માંગે છે શહેરમાં. આ બધુ કરીને, કયા અધિકારી સુચનાઓ આપે છે કે, શહેરમાં તોફાનો ફાટી નિકળે. મહેરબાની કરીને જે મારી જોડે ચર્ચા થઇ છે. તે રીતનું પાલન કરીને આ લોકોને કનેક્શન જોડી આપે. મનમાની કરી છે, હું ગઇ કાલે હાજર ન્હતો. આ બહુ ખોટી બાબત છે. બધા મકાનો તોડવાની વાત કરીને શહેરમાં અંધાધૂંધી થાય, તોફાનો થાય, ભાજપના વિરોધમાં લોકો થાય તે રીતનું આ ષડયંત્ર છે.
લેખિત આદેશનું પાલન
આ તકે પૂર્વ મેયર અને કોર્પોરેટર નિલેશસિંહ રાઠોડ, સ્થાનિક કોર્પોરેટર સ્નેહલબેન પટેલ તથા અધિકારીઓ હાજર હતા. અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, તેઓ ઉપરથી આવેલા લેખિત આદેશનું પાલન કરાવી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : વગર મંજૂરીએ નામકરણ કરાયેલા સર્કલ પર તક્તી ઢંકાઇ