Surat : 'હું સફળ થવા માટે ઘરેથી જાઉં છું. 10 વર્ષ બાદ પરત આવીશ...', ધો.9ના ગુમ થયેલ બે વિદ્યાર્થી મુંબઈથી મળ્યા
સુરતમાંથી (Surat) વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 9 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી તેના અન્ય એક મિત્ર સાથે ટ્યુશન જવા માટે નીકળ્યો હતો પરંતુ, બંને પરત ઘરે ફર્યા નહોતા. આથી પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 200 થી વધુ CCTV કેમેરા ચેક કરીને ભારે જહેમત બાદ બંને બાળકોને શોધી લીધા હતા. બંને બાળકો મુંબઈનાં (Mumbai) દાદર સ્ટેશન (Dadar Station) ખાતેથી મળી આવ્યા છે. માહિતી મુજબ, પાલ પોલીસની ટીમ બાળકોને લઈ પરત આવી છે.

બંને વિદ્યાર્થી રેલવે સ્ટેશન પર જોવા મળ્યા
સુરતના (Surat) અડાજણ (Adajan) વિસ્તારમાં આવેલી ટેકરાવાલા સ્કૂલમાં ધોરણ-9 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી મિત્ર ભેદી રીતે ગુમ થયા હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ બનાવની ગંભીરતાને સમજતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. બાળકોની શોધખોળ માટે પોલીસે 200 થી વધુ CCTV કેમેરાની તપાસ કરી હતી. રાત-દિવસની મહેનત બાદ આખરે પોલીસની મહેનત રંગ લાવી હતી અને ગૂમ થયેલા બંને બાળકોની ભાળ મળી હતી. બંને બાળકો મુંબઈના (Mumbai) દાદર સ્ટેશને હોવાની માહિતી મળતા પાલ પોલીસની (Pal Police) એક ટીમ બાળકોને લેવા દાદર સ્ટેશને પહોંચી હતી અને હવે બંને બાળકોને પોલીસ સુરત પરત લાવી છે.

બંન સાથે એક રેસ્ટોરન્ટમાં નાસ્તો પણ કર્યો હતો
બે પૈકી એકના બેગમાંથી એક ચિઠ્ઠી મળી હતી
બાળકોની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે, પાલ અને રાંદેર (Rander) વિસ્તારમાં અભ્યાસ કરતા બંને વિદ્યાર્થી મિત્ર ઘરેથી ટ્યૂશન જવા માટે નીકળ્યા હતા. પરંતુ, ટ્યુશન ન જઈ બંને સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેનમાં બેઠા હતા. ત્યાર બાદ અંકલેશ્વર (Ankleshwar) સ્ટેશન પર ઉતર્યા હતા અને એક રેસ્ટોરન્ટમાં જમ્યા પછી રૂપિયા પણ ચૂકવ્યાં હતાં. ત્યાંથી બંને મુંબઈ તરફ નીકળ્યા હતા. માહિતી મુજબ, બે પૈકી એક વિદ્યાર્થીના બેગમાંથી એક ચિઠ્ઠી મળી હતી, જેમાં લખ્યું હતું કે, 'હું સફળ થવા માટે ઘરેથી જાઉં છું. 10 વર્ષ બાદ પરત આવીશ...મને શોધતા નહીં...' આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : વડોદરા બાદ રાજકોટમાં Heart Attack થી મોત, 40 વર્ષીય કાપડના વેપારીને હ્રદય રોગનો હુમલો