AHMEDABAD : સાસરિયાઓથી કંટાળીને ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યુ
AHMEDABAD : અમદાવાદ શહેર (AHMEDABAD CITY) ના પૂર્વ વિસ્તારમાં સાસરિયાઓના ત્રાસથી ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યુ હતુ. જેમાં સરદારનગરમાં પત્ની, સાસુ, સસરા અને પત્નીના બનેવીના ત્રાસથી યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો. તેમજ હાથીજણમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળેફાંસો ખાધો હતો. અને કૃષ્ણનગરમાં પતિ, જેઠ અને જેઠાણીના ત્રાસથી પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ત્રણેય બનાવોમાં પોલીસે દુષ્પ્રેરણા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ઘટના - 1
હાથીજણમાં રહેતા 52 વર્ષીય ઇન્દ્રરાજસિંહ રાજપૂત બોયલર ડકટીંગલાઇનનો ધંધો કરે છે. તેમની 27 વર્ષીય પુત્રી અલ્કાબેનને વર્ષ 2022માં અકીંતસિંહ ભદોરિયા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ અલ્કાબેને સાસરીમાં રહેવા ગયા હતા. ત્યારે છેલ્લા એક વર્ષથી સાસુ સર્વેશકુમારી ભદોરિયા નાની-નાની બાબતોમાં રોકટોક કરીને પરિણીતાને ત્રાસ આપતા હતા. તેમજ દહેજની માંગણી કરતા હતા. પતિ પણ માતાનુ ઉપરાણુ લઇને દહેજ બાબતે પત્ની સાથે ઝઘડો કરતો હતો. અને પરિણીતા પિયર આવતી ત્યારે તેની માતાને વાત કરતી હતી. ગત 13 જૂને અલ્કાબેને એક્ટિવા લઇને પિયરમાં આવી હતી અને બધાને ચોપડીઓ લેવા આવુ છુ કહીને ઉપરના રૂમમાં જઇને રૂમ બંધ કરીને પંખા સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ અંગે પરિણીતાના પિતાએ જમાઇ અને વેવણ સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાનો ગુનો નોધાવ્યો છે.
ઘટના - 2
નોબલનગરમાં 39 વર્ષીય જલ્પાબેન પંચાલ પરિવાર સાથે રહે છે. તેમના ભાઇ શૈલેષભાઇના લગ્ન વર્ષ 2020માં દાહોદના મનિષાબેન પંચાલ સાથે થયા હતા. લગ્નબાદ મનિષાબેન, શૈલેષભાઇ અને તેમની માતા જયાબેન સાથે રહેતા હતા. લગ્નના છ મહિના બાદ મનિષાના પિતા કાંતિલાલ, માતા સ્મિતાબેન બનેવી રોનક મનિષાને તેના પતિ અને સાસુ વિશે ખોટી ચઢામણી કરતા હોવાથી મનિષા પતિ અને સાસુને ત્રાસ આપતી હતી. તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. જેથી શૈલેષ તેની બહેન જલ્પાને અવારનવાર સમગ્ર હકીકત જણાવતો હતો. જેથી શૈલેષ ડિપ્રેશનમાં રહેતો હતો. ત્યારબાદ ચારેયે મકાન લેવા માટે શૈલેષભાઇને હેરાન કરતા હતા. જે બાદ પણ ચારેય મનિષાના નામે મકાન કરી દેવા ટોર્ચર કતા હતા. અને મકાન નામે નહિ કરો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ મકાન મનિષાના નામે ન કરતા તે પિયરમાં ગઇ હતી. જેથી ગત શૈલેષ પત્નીને તેડવા દાહોદ ગયો હતો ત્યારે સાસરીયાઓએ અહિયા મનીષા નથી. તેમજ મનિષા બનેવી રોનક સાથે સોલા છે. અને અપમાનિત કરીને કાઢી મૂક્યો હતો. જે બાદ શૈલેષભાઇ ઘરે આવ્યા હતા. જેથી કંટાળીને ગત 3 ફ્રેબ્રુઆરી 2024માં શૈલેષે પોતાના રૂમમાં સ્યુસાઇડ નોટ લખીને છત સાથે રૂમાલ બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ત્યારે સ્યૂસાઇડ નોટમાં શૈલેષે ચારેય લોકોના ત્રાસથી આપઘાત કરૂ છુ તેવો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે મૃતકની બહેને ચારેય સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવી છે.
ઘટના - 3
મણિનગરમાં નારાયણ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ બચુમલ મેધવાણી કપડાની દુકાન ધરાવી ધંધો કરે છે. તેમની 36 વર્ષીય પુત્રી મમતાના લગ્ન 13 વર્ષ પહેલા નરોડાના સંજય રોગાણી સાથે થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પરણિતાને પતિ, જેઠ તથા જેઠાણી ઘરકામની બાબતમાં મેણા ટોણાં મારતા હતા. મહિલાએ જમવાનું બનાવ્યું હોય તેમાં ભૂલો કાઢીને સાસરિયાઓ તેની સાથે ઝઘડો કરતા અને પતિ તેની પત્નીને માર મારતો હતો. મહિલાના લગ્ન પહેલા તેના પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો તેને લાવવાની વાતો પણ કર્યા કરતો હતો. તેમજ જેઠ, જેઠાણી પરિણીતા પાસે રૂ.૧ લાખ માંગતા હતા. જો રૂપિયા નહી આપે તો આજ પ્રકારે હેરાન કરતા રહીશું કહીને તેમ કહીને વધુ ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને ગત ૧૦ મેએ મહિલાએ મચ્છર મારવાની ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ અંગે મૃતકના પિતાએ જમાઇ સંજય, તેના ભાઇ નરેશ અને તેની પત્ની દિવ્યા સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવી છે.
અહેવાલ - પ્રદિપ કચિયા, અમદાવાદ
આ પણ વાંચો -- AHMEDABAD : મહિલા હેડ કોન્સ્ટેબલની પુત્રી પર લગ્નની લાલચે દુષ્કર્મ