Bharuch : નગરપાલિકાની લાપરવાહીનાં કારણે આધેડે ગુમાવ્યો જીવ! પરિવારનો હોબાળો
ભરૂચમાં (Bharuch) નગરપાલિકાની લાપરવાહીનાં કારણે એક મહિલાએ પોતાનો સુહાગ અને બે દીકરીઓએ પિતા ગુમાવ્યા છે. ઘટનાનાં 24 કલાક પછી પણ કોર્પોરેશન દ્વારા ખુલ્લી ગટર પર ઢાંકણા લગાવવાની કામગીરી કરવામાં આવી નથી, જેને લઇ વિપક્ષનાં સભ્યો મૃતકના ઘરે પહોંચી મૃતકનાં પરિવાર અને સ્થાનિક રહીશો સાથે મળી પદયાત્રા નીકાળી હતી અને ભરૂચ નગરપાલિકાની (Bharuch Corporation) ઓફિસે પહોંચી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સાથે મૃતકનાં પરિવારને ન્યાય અપાવવા સભાખંડમાં રજૂઆત કરી હતી.
ભરૂચ (Bharuch) નગરપાલિકાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની AC કેબિનમાંથી બહાર નીકળવા તૈયારી નથી, જેના કારણે નિર્દોષ નગરજનો જીવ ગુમાવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાએ વાર્ષિક કામ પ.વી.ડી વિભાગને આપ્યું અને પ.વી.ડી વિભાગે દોઢ મહિના પહેલા મોટા ઉપાડે બે ભૂંગરા નાંખી કામગીરી માટે કરેલી જાહેરમાર્ગ પરની ચેમ્બર ખુલ્લી મૂકી દીધી હતી. આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં ખુલ્લી ચેમ્બર રહિશ મનોજ સોલંકીને ન દેખાતા તેઓ તેમાં ખાબકી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. આ ગંભીર દુર્ઘટના પછી પણ બે જવાબદાર અધિકારીઓએ મૃતકનાં પરિવાર સાથે મુલાકાત લીધી નહોતી. એટલું જ નહિ ઘટનાના 24 કલાક બાદ પણ ખુલ્લી ચેમ્બર ઢાંકવા માટે આળસ ખંખેરતા નથી, જેના કારણે વિપક્ષીઓ અને સ્થાનિક મહિલા નગરસેવિકા સુરભી તમાકુવાલા પણ મૃતકના ઘરે પહોંચી રહીશોને સાથે રાખી તેમના ઘરેથી પદયાત્રા કાઢી શાલીમાર થઈ નગરપાલિકા પહોંચ્યા હતા. જ્યાં નગરપાલિકામાં પ્રમુખ, ચીફ ઓફિસર કે કારોબારી ચેરમેન સુધા ન હતા અને વિપક્ષે ફોન કરીને બોલાવ્યા અને કહ્યું કે, નહીં એવો તો આખો દિવસ રહીશો અને વિપક્ષ અહીં જ ધરણાં કરશે. ત્યાર બાદ નગરપાલિકાનાં પ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ આવતા જ પ્રમુખની કેબિનની બહાર એકત્ર થયેલા મૃતકના પરિવારજનો અને રહીશોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
મૃતકના પત્નીને કાયમી નોકરી મળે અને મૃતકનો પરિવાર નિરાધાર ન બને તે માટે સહાય આપવાની માગ કરાઈ હતી. આ સાથે જવાબદારો સામે માનવ વદ 304 અને એટ્રોસિટી હેઠળ કડક કાર્યવાહી કરવા પણ માગ કરાઈ હતી. ભરૂચ નગરપાલિકાની લાપરવાહીના કારણે એક પરિવારે મોભી ગુમાવતા મોડે મોડે નગરપાલિકાના અધિકાર અને પદાધિકારીઓને ભાન થયું અને લોકોના હોબાળા બાદ મૃતકનાં પરિવારમાં વિધવા મહિલાને નગરપાલિકામાં કાયમી પટાવાળામાં નોકરી આપી અને 20 લાખની સહાય આપવાની જાહેરાત કરાઈ હતી. ત્યાર બાદ હોબાળાનો મામલો થાળે પડ્યો હતો.
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Union Budget 2024 : શક્તિસિંહ ગોહિલ, રાહુલ ગાંધી, મનીષ દોશી અને ખડગેના સરકાર પર આકરા પ્રહાર
આ પણ વાંચો - Rain in Gujarat : આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી! જાણો કયાં કેટલો વરસાદ, CM નું હવાઇ નિરીક્ષણ
આ પણ વાંચો - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવ્યું